એક શખ્સ એવો કે જે પોતે ઉચ્ચ ડિગ્રીધારી ડોક્ટર હોવા છતાં પૈસાનો ચળકાટ તેમના મનના સેવાભાવનાના ખયાલાતોને ચલિત કરી શક્યો નથી.મબલખ કમાણીનું માર્કેટ તેમની આકર્ષી શક્યું નથી. પોતાના મિત્રોના વૈભવી જીવનની રીતભાતે તેમને પણ ડગમગાવ્યા નથી.તેમની સામે તો હતી ભારતની ઝુપડપટ્ટીમાં વસતી બેહાલ ગરીબ પ્રજા.તેમની સુખાકારી,કેળવણી અને જીવનશૈલી બીજાનો ખ્યાલ રાખ્યા વગર માત્ર પૈસો જ કમાવી લેવાની વૃત્તિથી આ ઇન્સાન નું મન સંકોચાય છે. ગરીબોની ગરીબાઈ,જીવનના ટાંચા સાધન,આરોગ્યની સુવિધાનો અભાવ.આવું બધું જોઈને આ ડોક્ટરનું દિલ દ્રવી ઉઠે છે.અને મનોમન દ્રઢ સંકલ્પ કરે છે કે હું ડોક્ટર બન્યો છું પૈસા કમાવવા માટે નહીં.પણ દેશમાં બેહાલ પરિસ્થિતિમાં સબળતા ગરીબ લોકોની સેવા કરવા માટે. જેના હૃદયમાં કરુણા છે,ફીકર છે,રાષ્ટ્રીય ભાવના છે, ભૂતકાળના કડવા અનુભવો છે.જેને તેઓ ભૂલ્યા નથી, આવા વીરલાઓને લખલૂટ કમાણીનો ચળકાટ ચલિત કરી શકતો નથી.
આ વિરલ વ્યક્તિત્વ સુરત જિલ્લાના સાયણ ગામમાં અબ્દુલ્લાખાન ઉસ્માનખાનને ત્યાં તારીખ 17-3-1949ના રોજ જન્મેલ,ધ ગ્રેટ પર્સનાલિટી જનાબ ડૉકટર મહેમૂદ હનીફ એ.લાકડાવાલા.
આ એવી વ્યક્તિ છે જેની રૂબરૂ મુલાકાતથી વગર વાતચીત કર્યે તમો તેમના થઈ જાઓ.તેમનું વ્યક્તિત્વ, બોલવાની નિરાલી મખમલી રીતભાત. આ બધું ડો.હનીફ માટે એક જમાપાસું છે.મા-બાપ તરફથી વિરાટ વ્યક્તિત્વ જેને વારસામાં મળ્યું છે.એવા આ ડોક્ટર લાકડાવાલા સાહેબે દુન્યવી લાલચો અને ઘીમતી કમાણી કરવાને બદલે એમણે ગરીબોની ખિદમત(સેવા) કરવા માટે તેમની વચ્ચે જઈને તેમના આરોગ્ય,કેળવણી,સ્વચ્છતા, સ્વાભિમાન વગેરે બાબતોનો જ પોતાની મનગમતી કમાણી સમજીને પોતે શરૂઆતથી જ ગરીબ વસ્તી વચ્ચે આસન જમાવીને બેસી ગયા.
સમાજની સામુદાયિક ચેતનાને સંકોરવાનું કામ કરતી સંસ્થાઓના પ્રયાસો કાર્યક્રમો ક્યારેક એવું સુંદર પરિણામ લાવી બતાવે છે કે આવું કાર્ય સરકારથી પણ ન બને.ડો. હનીફ લાકડાવાલાએ ઇ.સ.1982માં “સંચેતના કોમ્યુનિટી હેલ્થ એન્ડ રિસર્ચ સેન્ટર” ની સ્થાપના કરી. આરોગ્ય,માનવ અધિકાર અને મહિલા ઉત્કર્ષના સેવા કાર્યો સાથે સંકળાયેલી આ ‘સંચેતના’ સંસ્થાના ડો.હનીફ લાકડાવાલા મેનેજિંગ ટ્રસ્ટી અને નિયામક(ડાયરેક્ટર) છે. અને તબીબી સર્જન છે.
ડોક્ટર હનીફભાઇ અને તેમની સંસ્થા અમદાવાદના લાખો લોકોની આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા છે. ખોડીયાર નગર,શાહપુર,જમાલપુર,બહેરામપુર,દાણી લીમડા,મિલ્લતનગર જેવા અન્ય કેટલાય વિસ્તારો એમના કાર્યક્ષેત્રો છે.ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમનું કાર્યમથક હોય છે.તેઓ કૉમ્યૂનિટી હેલ્થ વર્કર તૈયાર કરવાનું કાર્ય પણ કરે છે. તેઓ શૈક્ષણિક પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ અને માનવ અધિકાર અને હક્કો, ફરજો વિશે પણ લોકમત કેળવીને સેવાકાર્યો બજાવે છે.શહેર સુધરાઈની આરોગ્ય સેવાઓ, મહિલાઓ પરની ઘરેલુ હિંસા વગેરે વિષયો પર દેશ-વિદેશમાં સંશોધન પેપર્સ રજુ કરેલ છે.
‘સંચેતના’ નું મુખ્ય કાર્ય સ્ત્રીઓ અને પુખ્ત વયના પુરુષોને આરોગ્ય વિશેની જાણકારી આપવી,સ્કુલે જતાં બાળકોને ટ્યુશન આપવું,પાણી અને ગંદકીની સમસ્યાઓ હાથ ધરવી વગેરે.
વર્ષ 1993 થી 1999 મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી, રાજ્યકક્ષાની સંસ્થાના એક સભ્ય તરીકે કાર્યરત કાર્યશીલ.
હનીફભાઈ 14 વર્ષના હતા ત્યારે તેમની માતાને ખૂબ તાવ આવેલો.તે ડોક્ટર પાસે તેમને લઈ ગયા. ગામમાં એક જ ડોક્ટર.ડોક્ટરે પૈસા માગ્યા અને પાસે પૈસા તો હતા નહીં. એટલે ડોક્ટરે દવા ન આપી.ડૉ.લાકડાવાલા જણાવે છે કે પૈસા વગર દવા ન મળવાથી મારી માને દર્દ સહેવાનો વારો આવ્યો.એ દ્રશ્ય હજીયે મને યાદ છે.આ પ્રસંગે મારા મનમાં વિચાર બીજ રોપાયું કે મોટો થઈને ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરીશ. પણ પૈસાના અભાવે કોઇ દર્દીને સહન કરવાનું આવે એવું કંઈપણ કરીશ નહીં.
અભ્યાસ :
********
પોતાના નાનકડા ગામ સાયણ (તાલુકો.ઓલપાડ, જિલ્લો.સુરત)માં એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો.પ્રીસાયન્સ અને એફ.વાય.બી.એસસી.- ખોલવડ કોલેજ (તાલુકો.કામરેજ)માં 1976માં મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ થયા,બે વર્ષની ઇન્ટરશીપમાં ગરીબોની વસતીમાં જ તેમણે દવાખાનું કર્યું. તેઓ ગરીબોને હંમેશા દેવદૂત સમાન જ માનતા રહ્યા છે.ગરીબોની સેવા કરતી વખતે તેમની માનસિકતા સમજવી મહત્વની છે.આવા દ્રઢ વિચારો સાથે તેમણે ઈ.સ.1978 અને 1979 ના વર્ષમાં સાયકોલોજીકલ મેડિસિન વિષયમાં અમદાવાદની કે.ઈ.એમ ઇન્સ્ટિટયૂટમાંથી એમ.ડી કર્યું.આ જ વર્ષમાં તેઓ ‘સેન્ટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સેન્ટર’(અમદાવાદ) સાથે જોડાયા.આ રીતે સમાજ સેવાના ક્ષેત્રમાં ૪૦ વર્ષ થવા આવ્યા.
નાનપણથી જ હનીફ ભાઈને વાંચનનો ખૂબ શોખ.મોટા થતાં વાંચનનો આ શોખ ખૂબ વિકસ્યો.ગુજરાતી,હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના મહાન લેખકોના પુસ્તકો ડૉ. હનિફભાઈએ ખૂબ વાંચ્યા.ખાસ કરીને ફ્રેન્ચ સાહિત્યમાં આવતા અસ્તિત્વવાદની ફિલોસોફી તેમને ખૂબ અસર કરી ગઈ.યુવાનીમાં ડૉ.હનીફ લાકડાવાલા જયપ્રકાશ નારાયણની ચળવળમાં સક્રિય રીતે જોડાયેલા.આવા લોક આંદોલનોના હિસાબે તેઓ ગરીબોની સેવા પ્રત્યે વળતા ગયા. અને 1982માં અમદાવાદમાં જ ‘સંચેતના કમ્યૂનિટિ હેલ્થ એન્ડ રિસર્ચ સેન્ટર’ની સ્થાપના કરી.
ડૉ. લાકડાવાલા ડોક્ટરી પાસ કર્યા બાદ સારી જગ્યાએ નોકરી કરી અથવા ઘરનું દવાખાનું કરીને સારી રીતે કમાય એવું તેમના ઘરના અને સમાજના લોકો ઇચ્છતા હતા. સમાજના લોકો કહેતા કે ડોક્ટર બન્યા પછી સમાજસેવાને એક કારકિર્દી તરીકે અપનાવવામાં આવે છે તે સારું તો નથી જ.પણ આ અલગ માટીના માનવીનો દ્રઢ સંકલ્પ તો કાંઇ અલગ જ હતો. એ વખતે તેમના જીવનનો પહેલો માસિક પગાર રૂપિયા 500 મળ્યો હતો.આજે ડૉ.લાકડાવાલાના પરિવારને તેમના પર ગર્વ છે.
ડોક્ટર હનીફ લાકડાવાલાની આ ‘સંચેતના’ સંસ્થા 1982માં શરૂ કરી ત્યારે તેમની પાસે કોઈ આવક કે ફંડ ન હતું.અશોકા ફાઉન્ડેશન તરફથી થોડીક માસિક રકમ મળતી.જે કોમ્યુનિટી સેન્ટર ચલાવવા માટે પૂરતી ન હતી. ૧૯૮૭ સુધી કોઈ આવક ન હતી.એટલે ડો.લાકડાવાલાના મનમાં એવા વિચારો આવતા કે આ પ્રવૃત્તિ નાણાં વગર આગળ ચલાવી નહિ શકાય.તેમણે પગભર થવા માટે શાહપુર(અમદાવાદ)માં ભાડાનું મકાન રાખી દવાખાનું શરુ કરવાનું નક્કી કર્યું.અચાનક નેધરલેન્ડની ‘નોવીલ’ સંસ્થા તરફથી ત્રણ વર્ષ માટેની ગ્રાન્ટ મળવાથી ફરીથી સેવા કાર્યમાં જોતરાઇ ગયા. આવા સંકેતોએ તેમને આ ક્ષેત્રમાં રોકી રાખ્યા.
જો ડો.લાકડાવાલા સાહેબ આ ક્ષેત્રમાં આવ્યા ન હોત તો શું બન્યા હોત ? તેના જવાબમાં પોતાના જન્મજાત વિચારોને જરા પણ સંકોચ વગર જણાવેલ કે “હું ડોક્ટર તરીકે કાર્યરત રહ્યો હોત - અલબત હું દર્દીઓ પાસેથી પૈસા લઈ શક્યો હોત કે કેમ? એ પ્રશ્ન તો રહ્યો જ હોત. કેમકે મને દવા અને પૈસાની લેવડ-દેવડમાં મારી મા સાથેનો પ્રસંગ અવશ્ય યાદ આવે.દવા અને પૈસાની આપ-લે વેપાર વિનીમય જ ગણાય, જે મારાથી થઈ શક્યો ન હોત.”
ડોક્ટર લાકડાવાલા પ્રવર્તમાન યુવાનો પાસે ખૂબ જ ઊંચી અપેક્ષા રાખે છે.રાષ્ટ્ર માટે,લોકો માટે,ગરીબો માટે, સમાજના નીચલા સ્તર ને ઊંચે લાવવા માટે ભારતીય યુવાનોએ પોતાની જાતની,સમયની અને આર્થિક કુરબાની આપ્યે જ છૂટકો છે.સમાજ પ્રત્યે સમર્પણ અને સેવાની ભાવનાનો પૂરેપૂરો વિશ્વાસ હોય તેવા જ યુવક-યુવતીઓએ આ માર્ગ અપનાવવો જોઈએ.સમાજ/રાજ્ય/દેશ/વ્યવસ્થા એક દિવસમાં બદલાઈ જવાના નથી.લાંબાગાળાના સંઘર્ષની તૈયારી યુવાનોએ રાખવી જોઈએ તેમ ડો.લાકડાવાલા સાહેબનું દ્રઢ માનવું છે.
આ ક્ષેત્રમાં આવનાર યુવાનોને ગરીબો પ્રત્યે લાગણી/સંવેદના હોય તો જ કામ કરી શકે. કોઈપણ જાતના ભેદભાવ વિના ધર્મ કે જાતિના ભેદથી પર રહીને કામ કરવાની તૈયારી હોવી જોઈએ.સ્ત્રી-પુરુષ,હિન્દુ ,મુસ્લિમ કે દલિત-સવર્ણ સહું કોઈને સમાન સ્તરે સ્વીકારવા જોઈએ.
ગમતા વિષયો :
************
કવિતા,કથા,સાહિત્ય,ભાષા,ફિલોસોફી,માનવ અધિકાર વગેરે.રમત-ગમતમાં વોલીબોલ,ફૂટબોલ,ચેસ,ક્રિકેટ વગેરે. રમતગમત સાથે તેમની અભ્યાસની એકાગ્રતા પણ ખરી જ.તેઓ અભ્યાસમાં દર વર્ષે પહેલા ૧૦માં આવતા.
ફેલોશીપ :
********
- અશોકા ફેલોશીપ 1985 -86
- “ફેલોશીપ પ્રોગ્રામ ફોર એશિયન એન.જી.ઓ લીડર્સ” બોસ્ટન,યુ.એસ.એ દસ સપ્તાહ માટે સને 1981.
- “એડવોકેસી ફેલોશીપ પ્રોગ્રામ” વોશિંગ્ટન ડી.સી,યુએસએ 1995.
- “સાલ્ઝબર્ગ સેમિનાર ફેલોશીપ” સાલ્ઝબર્ગ ઓસ્ટ્રિયા,2001.
કાર્યરત :
*******
- સને 1982માં ‘સંચેતના કોમ્યુનિટી હેલ્થ અને રિસર્ચ સેન્ટર’ સંસ્થાની સ્થાપના કરી.
- 1993માં મુસ્લિમ સમુદાયની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આઈ.ફીની સ્થાપના કરી. (ઇન્સ્ટિટયૂટ ફોર ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન)
- માનવ અધિકાર સંલગ્ન પ્રવૃત્તિઓ અને ઝુંબેશમાં ભાગીદારી.
- વર્ષ 1993 થી 1999 મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી,રાજ્યકક્ષાની સંસ્થાના એક સક્રિય સભ્ય તરીકે કાર્યરત.
પ્રકાશનો અને લેખો :
******************
- લેખ - “ઓર્ગેનાઈઝીંગ વિમેન થ્રો હેલ્થ” વર્ષ 1994,લિવરપૂલ-યુકે
- લેખ - ચેન્જિંગ પેટર્ન ઓફ પેશન્ટ ઇન અવર ક્લિનિક” 1993.
- “ઓઇલિંગ મેડિકલ સિસ્ટમ” 1999.
“વેદના એમની,સંવેદના આપણી” વધતી જતી ઘરેલુ હિંસાની સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર થતી અસર - સંલગ્ન અભ્યાસ- 2001.
- “એ પુરુષો કેમ પોતાની પત્નીઓને મારે છે” એક અહેવાલ- 2003.
- “what is it mean to be a Muslim in Gujarat” પેપર પ્રેઝન્ટેશન,પટના સને 2003.
સલાહકાર તરીકે :
***************
- સેન્ટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટીના ઉપક્રમે સંકલિત નગર અને મહાજનના વંડા વિસ્તારમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રના સલાહકાર - 1983 થી 1987.
- અલ સફીના દ્વારા સંચાલિત આરોગ્ય કાર્યક્રમમાં મદદનીશ તરીકે 1987.ગોવંડી સ્લમ વિસ્તાર,મુંબઈ.આ સિવાય ડો.લાકડાવાલા સાહેબ ઓરિસ્સા,કલકત્તા અને અલમોડા વગેરે ઠેકાણે તેમણે પોતાની સેવાઓ આપેલી છે.
પરિસંવાદો અને સંમેલનો :
**********************
- યુ.કે સ્થિત ‘ઇન્ડિયન કમ્યુનિટી ઓફ ધી પ્રોબ્લેમ્સ વી ફેડ ઇન ઇન્ડિયા’ સને 1987.
- 1996માં “સ્ત્રીઓ પર થતા અત્યાચાર” વિષયના સંમેલનમાં યુ.કે.માં હાજરી આપી.
- ‘હેગ અપીલ ફોર પીસ’ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો. નેધરલેન્ડ-1999.
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત ‘ગ્લોબલ એન.જી.ઓ ફોરમમાં ભાગ લીધો.વર્ષ ૨૦૦૦ ન્યૂયોર્ક - યુ.એસ.એ.
આ સિવાય બેંગકોક,ફિલિપાઈન્સ,યુ.કે,બોસ્ટન-અમેરિકા વગેરે ઠેકાણે સંમેલનમાં હાજરી આપી.
એવોર્ડ :
******
વર્ષ ૧૯૯૮ શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પીર મહંમદશાહ એવોર્ડ મળેલ.
સંસ્થાઓ સાથે જોડાણ :
*********************
- સંચેતના - અમદાવાદ.સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી.
સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ સેક્યુલારિઝમ - મુંબઈ સ્થાપક સભ્ય.
- ‘માહિતી’ - અમદાવાદ - સ્થાપક સભ્ય.
- ‘સીડ’ - અમદાવાદ - સ્થાપક સભ્ય.
- ‘મંથન’ - અમદાવાદ - સ્થાપક સભ્ય.
પી.યુ.એચ.આર. - મુંબઈ - ઉપપ્રમુખ,રાષ્ટ્રીય કમિટી.
મીડિયામાં કાર્યક્રમ :
****************
માનવ હકક કાર્યકર તરીકે બી.બી.સી,એન.ડી.ટી.વી, સ્ટાર ન્યુઝ,આજતક,ઝી ટીવી વગેરે પર અનેકવાર ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે.રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અખબારો - અંગ્રેજી,ફ્રેન્ચ વગેરેમાં એકવાર ઈન્ટરવ્યૂ આપ્યો છે.
સાભાર : ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો
આ માહિતી વર્ષ 2005 સુધીની જ છે એના પછી પણ અત્યાર સુધીમાં એમની લોકસેવાનો પ્રવાહ અવિરત ચાલું જ છે, માહિતી મળ્યે અપડેટ કરીશ.. આભાર...
Comments
Post a Comment