‘લોકશાહી વિકલ્પ’નું સ્થાન હોવું અનિવાર્ય છે, પણ કોઈ ‘લોકશાહીનો વિકલ્પ’ બની જાય એ ન ચાલે.’ – પ્રકાશ ન. શાહ
અસલી અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન,અમદાવાદના વતની 79 વર્ષના યુવાન પ્રકાશભાઈ નભુભાઈ શાહ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓને હજુ સૂઝ્યું નથી એવા દરેક યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત,અડીખમ લોકસેવાને વરેલા“નિરીક્ષક” વિચારપત્રના તંત્રી અને “દિવ્ય ભાસ્કર”ના કટારલેખક ,જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ – મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા – આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું પૂરતું છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઈને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.આવો એવા વિરલ વ્યક્તિત્વ વિષે જાણીએ …
ખાદીધારી હોવાને લઈને ઘણા તેમને ‘ગાંધીવાદી’ માને છે, તો જયપ્રકાશ નારાયણ સાથે સંકળાયેલા રહેલા હોવાને કારણે ઘણા તેમને ‘સમાજવાદી’ ગણે છે. અનેક લોકઆંદોલનોમાં તેમની સક્રિયતા અને સંલગ્નતાને કારણે ઘણાને તેઓ ‘કર્મશીલ’ લાગે છે, તો પોલિટિકલ સાયન્સ ભણાવી ચૂકેલા પ્રાઘ્યાપક તરીકેય તેમને ઘણા ઓળખે છે. ગુજરાતી જ્ઞાનકોશમાં આગવી મુદ્રા ઉપસાવનાર ‘જ્ઞાનગંગોત્રી શ્રેણી’ના સંપાદનમાં ભોગીલાલ ગાંધી સાથે પાયાની ભૂમિકા ભજવનારા તરીકે ઘણા તેમને યાદ કરે છે, તો ‘જનસત્તા’ જેવા અખબારની આગવી ઓળખ ઊભી કરનારા તંત્રી તરીકે ઘણા તેમને આદરપૂર્વક સ્મરે છે. છેલ્લા દોઢેક દાયકામાં તેમની મુખ્ય ઓળખ ‘નિરીક્ષક’ નામનું પખવાડિક વિચારપત્ર બની રહ્યું છે. મુખ્યત્વે શાસનવિરોધી અભિગમ, મતોનું વૈવિઘ્ય, મતભિન્નતા અને તેને આવકાર તથા સાચા દિલથી તેનો સ્વીકાર, વંચિતો-દલિતો પ્રત્યેની સક્રિય સંવેદના તેમ જ અન્યાય સામે અવાજ ઉઠાવવો, એ તેમના સ્વભાવની મુખ્ય લાક્ષણિકતા ગણી શકાય. આને કારણે અંતિમવાદી વિચારધારાવાળા તરફથી તેમને ક્યારેક ‘સેક્યુલર ટોળકીના પોપ’ તરીકેનું પણ બિરુદ મળ્યું છે. તેમની ધારદાર રમૂજ માણનારા એ રમૂજને ક્યારેય ભૂલી શકે એમ નથી, તો તેમને મળનારાના કાનમાં તેમનું ખડખડાટ, નિખાલસ હાસ્ય ક્યાંય સુધી ગૂંજતું રહે છે. આવું જ કોઈ પણ મુદ્દાની બહુઆયામી વાતો રજૂ કરતાં તેમના વક્તવ્ય વિશે પણ કહી શકાય. આવી અનેક લાક્ષણિકતાઓનો સમન્વય એટલે પ્રકાશ ન. શાહ. અલબત્ત, છ અંધજનો અને હાથીની પેલી જાણીતી વાર્તાની જેમ પ્રકાશભાઈની સાચી ઓળખ બાબતે ઘણી ગેરસમજ પ્રવર્તે છે, પણ પ્રકાશભાઈને મળતાં, તેમની સાથે થોડો સમય વીતાવતાં ઉપર જણાવેલી તમામ ઓળખો સમાઈને એક નિખાલસ, પારદર્શક વ્યક્તિ તરીકેની છબિ ઊપસે છે.
પિતા નવીનચંદ્ર લાલભાઈ શાહ અને માતા ઇન્દુબેનનાં બે સંતાનો-પ્રકાશ અને પ્રફુલ્લા. મોટા પ્રકાશનો જન્મ થયો મોસાળ માણસામાં, ૧૯૪૦ની ૧૨ સપ્ટેમ્બરે. પિતૃપક્ષે વેપારનો વારસો હતો, તો માતૃપક્ષે વારસો હતો વિધાપ્રીતિનો, સાહિત્યપ્રીતિનો. વ્યવસાયે ડોક્ટર એવા નાના ડો. ફૂલચંદ મહેતાના મુખેથી ક.મા.મુનશીની નવલકથાઓનાં અનેક પ્રકરણ સાંભળવાનો લહાવો પ્રકાશભાઈને બચપણમાં મળેલો. પિતાજીને વ્યવસાય નિમિત્તે અમૃતસરમાં રહેવા જવાનું બન્યું. આ કારણે આરંભના ચારેક વરસ પ્રકાશભાઈનું બાળપણ અમૃતસરમાં વીત્યું. અમૃતસર પછી વડોદરામાં નોકરીની તક મળતાં આખો પરિવાર સ્થાયી થવા માટે ત્યાં આવ્યો. અહીં તેમનાં માતા ઇન્દુબેન તેમ જ શિક્ષક રમણભાઈ ક્ષત્રિયને કારણે પ્રકાશભાઈની વાંચનરુચિને યોગ્ય દિશા મળી. ૧૯૫૦માં ફરી એક વાર સ્થળાંતર થયું અને આખો પરિવાર આવી વસ્યો અમદાવાદમાં. મણિનગરની ‘સરસ્વતી મંદિર હાઈસ્કૂલ’માં આઠમા ધોરણ પછીનું પ્રકાશભાઈનું શિક્ષણ થયું, જેના સાહિત્યિક વાતાવરણનો તેમને ઘણો લાભ થયો. આ જ શાળામાં એક વખત એક હાસ્યકલાકારે આવીને સૌનું મનોરંજન કરેલું અને બરાબરના હસાવેલા પણ બીજે દિવસે કિશોરીબેન નામનાં શિક્ષિકાએ વર્ગમાં આવાં સ્થૂળ હાસ્ય અને જયોતીન્દ્ર દવેનાં સૂક્ષ્મ અને માર્મિક હાસ્ય વરચે ભેદ હોવાનું અને તે સમજવાનું કહ્યું. સૂક્ષ્મ અને ઉચ્ચ કક્ષાનાં હાસ્યની સમજ અંગેની સભાનતા પ્રકાશભાઈમાં કદાચ ત્યારથી કેળવાઈ. એ જ રીતે પાઠકસાહેબ નામના શિક્ષક થકી પાઠ્યપુસ્તકના ઈતિહાસ ઉપરાંત અનેક બાબતો તેમ જ અંગ્રેજી સાહિત્ય સાથે પણ પરિચય કેળવાયો. શાળાકાળ દરમિયાન અન્ય એક શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ દ્વારા પ્રકાશભાઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાવાનું બન્યું. મેટ્રિક પાસ કર્યા પછી તેમણે બી.એ.નું ભણતર શરૂ કર્યું, એ સમયગાળો નવનિર્મિત રાષ્ટ્ર ભારતનો ઘડતરકાળ હતો, જે ઘણે અંશે ગાંધી-નેહરુ-પટેલના ખ્યાલ પર આધારિત હતો. જો કે, પ્રકાશભાઈને કોઈ એક વિચારધારામાં બંધાવાને બદલે પ્રત્યેક વિચારધારાનાં સારાં તત્ત્વો ગ્રહણ કરવાનું વધુ યોગ્ય લાગતું. આથી જ કોલેજકાળમાં તેમને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પુસ્તક ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથ ટાગોરનું ‘સ્વદેશી સમાજ’ – આ ત્રણેય પુસ્તકોએ ખૂબ પ્રભાવિત કર્યા. એક ચોક્કસ વિચારધારામાં બંધાઈ રહેવાને બદલે આ ત્રણેય ધારાઓનો સંગમ થતો હોય એવા બિંદુ પર તેમને વધુ રસ પડશે એમ લાગ્યું. આ જ ગાળામાં પુરુષોત્તમ માવળંકરે શરૂ કરેલા લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં યોજાતાં ચર્ચાસત્રોમાં પ્રકાશભાઈની હાજરી નિયમિત બની. મહાગુજરાતના આંદોલન વખતેય તેમને ઈન્દુચાચાનાં જોશીલાં ભાષણ સાંભળવા ગમતાં, પણ ચન્દ્રકાન્ત દરૂ અને જયંતી દલાલની મુદ્દાસર અને વાસ્તવદર્શી રજૂઆત વધુ આકર્ષતી. એક વાર અમદાવાદની મુલાકાતે આવેલા કોમરેડ ગોપાલનને સાંભળવા માટે હાજર રહેલા મર્યાદિત લોકોમાંય પ્રકાશભાઈ હાજર હતા. કોલેજના નોટિસ બોર્ડ પર કોઈક કાર્યક્રમ હોવાની જાણ થાય એટલે ત્યાં તેઓ ઊપડયા જ હોય. આમ, વધુ ને વધુ વિચારધારાઓથી પરિચિત થવાના તેમના પ્રયત્ન જારી રહ્યા. ગુજરાત રાજયની સ્થાપનાના આગલે દિવસે અમદાવાદના ટાઉન હોલમાં યોજાયેલા કવિ સંમેલનમાં ઉમાશંકર જોશીએ રજૂ કરેલી કાવ્યપંકિતઓ ‘એ તે કેવો ગુજરાતી, જે હોય કેવળ ગુજરાતી!’ પ્રકાશભાઈને બહુ અસર કરી ગઈ. ગુજરાત અને ગુજરાતીઓ વિષેના પોતાના ખયાલોનું પ્રતિબિંબ આ પંકિતઓમાં સચોટ રીતે ઝિલાયું હોય એમ તેમને લાગ્યું હતું, કેમ કે ત્યારના પોતાને ગમતા ચાર ગુજરાતી અગ્રણીઓ-ગગનવિહારી મહેતા, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઈન્દુલાલ યાજ્ઞિક તેમ જ ચં.ચી.મહેતા- આ વ્યાખ્યામાં બરાબર બંધ બેસે છે એમ તેમને લાગ્યું હતું. બી. એ. પછી તેમણે એમ. એ. શરૂ કર્યું. આ અરસામાં પોતાના અર્થશાસ્ત્રના અભ્યાસના ભાગરૂપે રોમેશ ચંદ્ર દત્ત લિખિત પુસ્તક ‘ધ ઇકોનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ તેમના વાંચવામાં આવ્યું, જેમાં બ્રિટિશ શાસનમાં થયેલું શોષણ તેમ જ જૂની પ્રણાલિકાઓનો વિગતે ખ્યાલ આપવામાં આવ્યો હતો. આ વાંચીને પ્રકાશભાઇને લાગ્યું કે ભારતની અર્થનીતિનો સચોટ ઉકેલ ખાદીમાં જ રહેલો છે. પરિણામે તેમણે રોજિંદા પોષાક તરીકે ખાદી અપનાવી, જે હજી આજ લગી તેમના જીવનનો હિસ્સો બની રહી છે.
પોતાના જીવનમાં સભાનપણે લીધો હોય એવો આ સૌપ્રથમ નિર્ણય પ્રકાશભાઈ ગણાવે છે. જો કે, આમાં કોઈ જડ વલણ કે ઝનૂન નહોતાં. પ્રકાશભાઈ કહે છે એમ, ‘મારી એક પણ પ્રતિજ્ઞા તૂટી નથી, કેમ કે મેં એકેય પ્રતિજ્ઞા લીધી નથી.’ (પ્રકાશભાઈને ઓળખનારા અહીં તેમના ખડખડાટ હાસ્યનો ઘ્વનિ સાંભળી શકશે.) કોલેજમાં હતા ત્યારે જ સંસ્કારલક્ષી વિદ્યાર્થીપ્રવૃત્તિ તરીકે ‘આરત’નો આરંભ કરવામાં પ્રકાશભાઈની ભૂમિકા મહત્વની બની રહી, જેના ઉપક્રમે ચર્ચાઓ-વ્યાખ્યાનો, ચર્ચાસત્રો યોજાતાં. ફાધર વાલેસનું અમદાવાદમાં સૌપ્રથમ જાહેર વ્યાખ્યાન સંભવત: ‘આરત’ના ઉપક્રમે યોજવામાં આવેલું. એ ઉપરાંત અનેક નામાંકિત વકતાઓને નિમંત્રવામાં આવતા. દિલીપ ચંદુલાલ, સુવણાર્બેન, અરયુત યાજ્ઞિક જેવા ત્યારના સિનિયર-જુનિયર વિધાર્થીઓ આમાં સક્રિય હતા. એ રીત ‘આરત’ને અમદાવાદના સાવ આરંભિક સ્ટડી સર્કલનું શ્રેય આપી શકાય. જોકે, વિશાળ વાંચન અને વિવિધ વિષયોમાં ઊંડો રસ હોવા છતાં પ્રકાશભાઈ ભણતર પ્રત્યે થોડા બેદરકાર હતા, આથી એમ. એ. તેમણે પાસ તો કર્યું, પણ લગભગ પોઈન્ટ માર્ક સાથે. અદ્યાપક તરીકે તેમનો ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલા યશવંત શુક્લ અને રસિકલાલ છો. પરીખને આવા માર્ક જોઈને આશ્ચર્ય થયું અને શુક્લસાહેબે પૂછ્યું, ‘તમે માર્ક બહુ જોખીજોખીને લો છો.’ પ્રકાશભાઈઐ પોતાના લાક્ષણિક હાસ્યનો પરચો દેખાડતાં તત્ક્ષણ કહ્યું, ‘જૈન કુટુંબમાં ઊછર્યો છું, એટલે અપરિગ્રહનો ખ્યાલ તો હોય જ ને!’ યશવંતભાઈ જેવા સાક્ષર અને જૈન ગૃહસ્થ રસિકભાઈ બન્નેની પૃરછાને એક જ વાક્યમાં સમાવતો અને સંતોષતો આ જવાબ હતો. ખેર, પ્રકાશભાઈની અઘ્યાપક તરીકેની નિમણૂક થઈ ગઈ. તેઓ વર્ગમાં કેવળ પોલિટિકલ સાયન્સ જ ભણાવતા એમ નહોતું. જીવન અને જીવનનો આનંદ તેમના મુખ્ય રસના વિષય હતા. આ ખાસિયતો તેમના સહજ વર્તનમાંય ઝળકતી. આને કારણે, કોલેજમાં યોજાયેલા એક ‘ફિશપોન્ડ’માં પ્રકાશભાઈને ‘હસતું-ઘૂમતું બુલબુલ’ કહીને સંબોધવામાં આવેલા.
૧૯૬૮માં ‘માનવઅધિકાર દિન’ નિમિત્તે ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ દ્વારા યોજવામાં આવેલી ઉજવણી માટે વકતા તરીકે નિમંત્રણ આપવા માટે ગયેલાં નયનાબેન સાથે પ્રકાશભાઈને પરિચય થયો, જે બહુ ઝડપથી લગ્નમાં પરિણમ્યો. ત્યારથી આજ સુધી નયનાબેન પ્રકાશભાઈની જીવનયાત્રાનાં સક્રિય જોડીદાર બની રહ્યાં છે. દરમિયાન પ્રકાશભાઈનો પરિચય ભોગીલાલ ગાંધી સાથે થયેલો અને તેમના માસિક ‘વિશ્વમાનવ’ માટે પ્રકાશભાઈ લખતા પણ ખરા. એ જ રીતે વિચારપત્ર ‘નિરીક્ષક’ માટે પણ તેઓ લખતા, જેના તંત્રી હતા પ્રબોધ ચોકસી. પછી તો ‘વિશ્વમાનવ’ના નવેસરથી આયોજન નિમિત્તે તેના સંપાદક મંડળમાંય પ્રકાશભાઈનો સમાવેશ કરવામાં આવ્યો. નયનાબેન સાથેનાં લગ્ન પછી ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ સાથે પણ પરિચય વધતો ગયો, જેના થકી જયપ્રકાશ નારાયણનો પરિચય અને આકર્ષણ થયાં. લેખન-સંપાદનમાં તેમનો રસ વધતો ચાલ્યો. છ વરસનાં અઘ્યાપનકાર્ય પછી આખરે ‘સરદાર પટેલ યુનિવર્સિટી’ દ્વારા તૈયાર થઈ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’ શ્રેણીમાં ભોગીલાલ ગાંધીની સાથે જોડાવાની ઓફર આવી ત્યારે પ્રકાશભાઈએ ઝાઝો વિચાર કર્યા વિના ગમતું કામ કરવા મળે એ હેતુથી અઘ્યપનકાર્ય છોડી દીધું.
સાઠના દાયકાના અંત ભાગમાં રાષ્ટ્રીય રાજકારણમાં ઇંદિરા ગાંધીનો ઉદય થયો ત્યારે શરૂઆતથી જ પ્રકાશભાઈ તેમને સાશંક રીતે નિહાળતા હતા અને અંગત ધોરણે માનતા હતા કે ઇંદિરા ગાંધી સામે સૌએ સંગિઠત થવું જોઈશે. નવનિર્માણ આંદોલન વખતે જયપ્રકાશ નારાયણના વધુ સંપર્કમાં આવવાનું બનતું ગયું અને આરંભ થયો ‘લોકસ્વરાજ આંદોલન’નો, જે આગળ જતાં ‘લોકશક્તિ સંગઠન’, ‘બિનકોંગ્રેસી પક્ષોના સહકાર અને આખરે જનતા મોરચાની રચનાના ઠરાવમાં પરિણમ્યું. જયપ્રકાશજીને કારણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ જૂથ’ના સ્થાપક રામનાથ ગોયેન્કા સાથેય તેઓ પરિચયમાં આવેલા. તો આચાર્ય કૃપલાણી સાથે પણ તેમને અંગત અને આત્મીય પરિચય થયેલો, જે કૃપલાણીજી જીવ્યા ત્યાં સુધી ટકી રહેલો. એ રીતે રાજકારણમાં પણ તેમનો સક્રિય રસ વધતો ચાલ્યો હતો, જેનું પરિણામ પણ તેમણે ભોગવવું પડયું. ૧૯૭૫માં કટોકટી લાદવામાં આવી અને ગુજરાતમાં તેની અસર થઈ એ સાથે જ ધરપકડોનો જે દોર શરૂ થયો, તેમાં પ્રકાશભાઈનો નંબર લાગી ગયો અને દસ મહિનાના જેલવાસનો ‘લહાવો’ તેમને મળ્યો. પણ, જેલની ચાર દીવાલોમાંથી બહાર આવ્યા પછી તેઓ એક એવા ખુલ્લા જગતમાં આવી ગયા કે હવે વર્ગખંડની ચાર દિવાલો તેમને સાંકડી પડવા માંડી.
અદ્યાપનકાર્યને બદલે પત્રકારત્વનું ક્ષેત્ર પોતાના માટે વધુ અનુકૂળ છે એમ લાગ્યું. અગાઉ ગોએન્કાજી સાથે ગુજરાતી અખબાર અંગેની ચર્ચા અને દરખાસ્ત તાજી થઈ અને પ્રકાશભાઈ ‘જનસત્તા જૂથ’માં જોડાયા. અલબત્ત, તેમણે સંભાળવાનું અને પલોટવાનું હતું આ જ જૂથનું ‘નૂતન ગુજરાત’. સમય જતાં, ‘જનસત્તા’માં પણ આવશ્યકતા જણાતાં તેમણે એ સંભાળ્યું અને મુખ્ય ધારાનાં અન્ય ગુજરાતી અખબારોમાં પ્રચલિત ન હોય એવા વિષયો અને વિચારો ખેડીને તેને એક આગવી મુદ્રા આપી. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખ વાંચવા માટે નહીં, કેવળ લખવા માટે હોય છે, એ પ્રચલિત માન્યતા દૂર કરીને પ્રકાશભાઈએ પોતે તંત્રીલેખો લખીને સૌનો રસ તેમાં જાગૃત કર્યો. ‘સમયના ડંકા’ નામની કોલમમાં કોઈ પણ સાંપ્રત ઘટનાને ઘ્યાનમાં રાખીને પ્રકાશભાઈ જે લેખ લખતા તેમાં પણ તેમનું સર્વગ્રાહીપણું અને આગવું દ્રષ્ટિબિંદુ દેખાતાં. આ ગાળામાં ‘જનસત્તા’ની વડોદરા આવૃત્તિના તેઓ નિવાસી તંત્રી પણ નિમાયા. રામનાથ ગોયેન્કાની વિદાય પછી ‘જનસત્તા’ સાથેનું તેમનું લાગણીનું બંધન શિથિલ થવા લાગ્યું અને તેમણે ‘જનસત્તા’ને અલવિદા કરી. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જૂથ ત્યારે ગુજરાતીમાં દૈનિક શરૂ કરવાના વેતરણમાં હતું અને તેઓ કોઈક લાયક વ્યક્તિની તલાશમાં હતા. સલાહકાર મંડળમાં જોડાવા માટે ‘ટાઈમ્સ’વાળા ઉમાશંકર જોશીને તેમ જ પુરુષોત્તમ માવળંકરને મળ્યા, પણ તે બન્નેએ એક જ નામ સૂચવ્યું – પ્રકાશ ન. શાહનું. અશોકકુમાર જૈન સાથેની નિખાલસ મુલાકાતમાં પ્રકાશભાઈએ ‘ટાઈમ્સ’ના ગુજરાતી મોડેલ માટે નજર સમક્ષ તેના પ્રતિસ્પર્ધી જૂથનું પ્રભાસ જોશીના તંત્રીપદ હેઠળનું હિન્દી ‘જનસત્તા’ જ હોવું જોઈએ એમ સૂચવ્યું. જો કે, ‘ટાઈમ્સ’ સાથે તેમનું જોડાણ ત્યારે તો ન જ થઈ શકયું. થોડા સમય પછી પ્રકાશભાઈ ‘ટાઈમ્સ’માં જોડાયા ખરા, પણ બહુ ઝડપથી સત્તાધીશો સાથેનું તેમનું વૈચારિક અંતર સ્પષ્ટ દેખાઈ આવ્યું. ‘ટાઈમ્સ’ સાથે તેમનો મેળ ન બેઠો, ત્યાર પછી તેમણે ‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાત ટુડે’માં કટારલેખન શરૂ કર્યું, જે ગાળો લગભગ તેર વરસનો રહ્યો. આ જ અરસામાં ‘અખંડ આનંદ’ જેવા એક જમાનાના સંસ્કારી અને શિષ્ટ ગણાતા માસિકના પુનર્જન્મમાં પ્રકાશભાઈની ભૂમિકા મુખ્ય બની રહી, તો ૧૯૯૨માં ‘નિરીક્ષક’નું નવનિર્માણ પણ તેમના જ હાથે થયું અને તેમને તંત્રીપદ સોંપવામાં આવ્યું. પ્રકાશભાઈનો મુકત અભિગમ, સહિષ્ણુતા, લોકશાહીની સાચી સમજણ અને વિવિધ મુદ્દાઓ પર પ્રકાશભાઈએ વખતોવખત અપનાવેલું સ્પષ્ટ દ્રષ્ટિબિંદુ (સ્ટેન્ડ) આ પખવાડિકની ઓળખ નવેસરથી ઊભી કરવામાં મહત્વનાં બની રહ્યાં, જે તેમના સળંગ તંત્રીપદ હેઠળ ‘નિરીક્ષક’માં બરાબરનાં ઝિલાયાં. કટોકટી નિમિત્તે જાહેરજીવનમાં સીધા આવી ગયેલા પ્રકાશભાઈ હંમેશાં ‘રાજકીય વિકલ્પ’ અને ‘વિકલ્પની રાજનીતિ’માં માનતા આવ્યા છે. આ બાબત માત્ર રાજકારણમાં નહીં, કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે તેમનો નાતો સાહિત્યના પ્રવાહો પ્રત્યેનાં આકર્ષણ ઉપરાંત આ કારણે પણ જોડાયો. અહીં બારોબાર નિમાવાને બદલે તેમણે હંમેશાં ચૂંટણી લડવાનો વિકલ્પ અપનાવ્યો. શરૂઆતમાં મર્યાદિત રીતે, પણ પછી તેઓ સક્રિય બન્યા ત્યારે તેમને સૂચવવામાં આવ્યું કે તેઓ ઉમેદવારીપત્રક ભરી રાખે અને છેલ્લે લાગે કે બાજી તરફેણમાં નથી તો ઉમેદવારી પાછી ખેંચી લે. આના પ્રત્યુત્તરમાં જે જવાબ આવ્યો એ માત્ર પ્રકાશભાઈ જ આપી શકે. તેમણે કહ્યું, ‘ચૂંટણીમાં ઊભા રહ્યા પછી મને હારવાની બીક નથી.’ પછી ક્ષણેક અટકીને ઉમેર્યું, ‘આઈ ડોન્ટ માઈન્ડ વિનિંગ!’ (જીતવાનો મને વાંધો નથી.) જો કે, પ્રકાશભાઈ ચૂંટણી જીત્યા અને જીતતા રહ્યા. અને પરિષદના કેટલાક મહત્વના વળાંકો માટે નિમિત્ત બની રહ્યા. એમ તો, તેમણે ૧૯૮૭માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવેલું પણ તેઓ કહે છે એમ, ‘એમાં વાજતેગાજતે હાર્યા હતા.’
‘દિવ્ય ભાસ્કર’ ગુજરાતીમાં શરૂ થયું ત્યારે તેમાં તંત્રીપાનાને વાંચનક્ષમ બનાવવામાં મોટો ફાળો પ્રકાશભાઈનો હતો પણ સૌથી મહત્વની બાબત એ બની કે તેમની કલમ વ્યાપક સમૂહ સુધી પહોંચી શકી. તેમની ભાષાશૈલી, તેમાં વપરાતા તદ્દન નવા અને અર્થસભર શબ્દપ્રયોગો, જે મોટે ભાગે અખબારની રોજેરોજની ચુસ્ત કામગીરીમાં ડેડલાઈનની વરચે જ સહજપણે રચાતા. એ લખાણ થકી પમાતું દર્શન એવું હતું કે તેમનો એક નવો જ ચાહકવર્ગ ઊભો થયો. કેમ કે વિષય કોઈ પણ હોય, વાત એવા અલગ અલગ દ્રષ્ટિકોણથી આવે, જે અંતે એક મુખ્ય વિચાર કે વિષય સાથે સુસંગત બને. આ શૈલીમાં તેમનું વિશાળ વાંચન અને એથીય વધુ એમનું દર્શન ઝળકે છે. જનઆંદોલનો સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓમાં તેમની સક્રિય સામેલગીરી રહી છે. આઝાદી પછી ગુજરાતે જોયેલાં તમામ આંદોલનોના તેઓ કેવળ સાક્ષી જ નહીં, સક્રિય કાર્યકર બની રહ્યા છે. તેમનાં સંતાનોમાં બે દીકરીઓ છે, જેમાં સેતુ શાહ સાથે પરણેલાં ઋતા ન્યૂ યોર્કમાં સ્થાયી છે, તો આશિષ મહેતા સાથે પરણેલાં રીતિ દિલ્હીમાં સ્થાયી છે. પ્રકાશભાઈનું સ્વપ્ન અમદાવાદ આધારિત એક દૈનિકનું છે, કેમ કે તેમના મત મુજબ એક જ અમદાવાદમાં વસતા અનેક અમદાવાદનો ધબકાર ઝીલતા દૈનિકનું સ્થાન હજીય ખાલી જ છે. એ ઉપરાંત ત્રણ પુસ્તક લખવાનો તેમનો મનસૂબો છે, જેમાં એક નવલકથા તેઓ કાઉન્ટેસ સોફિયા ટોલ્સ્ટોયના દ્રષ્ટિબિંદુથી લખવા માગે છે, આ ઉપરાંત જયપ્રકાશજીની પૂરા કદની વૈચારિક જીવનકથા લખવાની તેમની ઇચ્છા છે. આધુનિક ગુજરાતના વિચારવિકાસની ગાથા ‘સ્ટોરી ઓફ ગુજરાત’ લખવાનું તેમને મન છે, જેમાં ૧૮૫૭થી વર્તમાન સુધીનો કાળક્રમ આવરી લેવામાં આવે. એ સિવાય ‘વિચારયાત્રા’ પ્રકારના પુસ્તકમાં થોરો, રસ્કિન, ટોલ્સ્ટોય, ગાંધીના વિચારોની સાથે ફૂકુયામા, હંટિંગ્ટન વગેરેને સમાવવાનો તેમનો ઈરાદો છે પણ તેમનું સમગ્ર દર્શન આ એક વાક્યમાં પ્રતિબિંબીત થાય છે. તેઓ કહે છે, ‘લોકશાહી વિકલ્પ’નું સ્થાન હોવું અનિવાર્ય છે, પણ કોઈ ‘લોકશાહીનો વિકલ્પ’ બની જાય એ ન ચાલે.’
સાભાર : બીરેન કોઠારી
x
Comments
Post a Comment