ગરીબો,શોષિતો,ખેડૂતો અને મધ્યમ વર્ગ પોતાના બાળકો માટે 'શિક્ષણ' ભૂલી જાઓ :
એકબાજુ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતી લાવવાનું વિચારી રહી છે ને બીજી બાજુ આપણી રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું વિચારી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જ જોઈએ તો સમાચારો મુજબ 456 પ્રાથમિક શાળાઓ બંધ થવા જઈ રહી છે.આ રીતે અંદાજો લગાવી એ તો બધા જ જિલ્લાઓમાં સરેરાશને જીલ્લાઓ સાથે ગુણાકાર કરી અંદાજો લગાવી જોજો કેટલી શાળાઓ બંધ થવાની શક્યતા છે એ પણ હજારોમાં.રાજ્ય સરકાર એક બાજુ પ્રવેશોત્સવ ઉજવે છે અને બીજી બાજુ શાળાઓ બંધ કરવાનું વિચારી રહી છે આ તો કેટલો મોટો વિરોધાભાસ છે !!??
૧. બેટી બચાઓ બેટી પઢાઓ :
આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ કે સરકારો જ સાક્ષરતા દર ઊંચો લાવવાની વાતો કરતી આવી છે અને આ રીતે સ્કૂલો બંધ કરવાનું વિચારતી હોય એ કેટલું યોગ્ય!!? જો આ રીતે વગર વિચાર્યે શાળાઓ બંધ થશે તો તો 50% છોકરાઓ તો ઠીક પણ 50% છોકરીઓ તો ચોક્કસ શાળાઓ છોડી જ દેશે.અને આ જ સરકાર 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન ચલાવી રહી છે..
૨. મૂળભૂત સુવિધાઓ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર :
એક બાજુ શિક્ષકોની ઘટ છે,પ્રાથમિક શાળાના મકાનો ઈન્ફ્રાસ્ટ્રકચર બરાબર નથી. એનું તો આજદિન સુધી નથી વિચાર્યું કે અમલીકરણ નથી થયું. આ બાબતે દરેક જીલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘોએ પણ એક થઈને જોડાવાની અને ગંભીરતાથી ખાસ આ મુદ્દાને ઉઠાવવો જોઇએ.
૩. મૂળભૂત અધિકારનો ભંગ :
આ નિર્ણયથી સૌથી પહેલા તો બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.સરકાર વિશે જો આ બાબતે સમજીએ તો માત્ર કરકસર કરવા માંગે છે.જો શાળા બંધ થાય તો બાળકો સ્વાભાવિક બીજી શાળામાં ટ્રાન્સફર થાય તો એ બાળકો માટે શિક્ષકોની એટલી જ જરૂર નહીં પડે!!? તો ઘટનો સવાલ જ નથી આવતો. ઘણીવાર વાલીઓ બાળકને નજીકની શાળામાં અભ્યાસ કરવા મૂકવાનો જ આગ્રહ રાખતા હોય છે જો મર્જ થવાથી એ શાળા દૂર હશે તો વાલીઓ પણ અસમંજસમાં મૂકાશે. હમણાં જ સમાચારો પ્રમાણે જામનગરની બે સરકારી શાળાઓ મર્જ કરેલ અને એ શાળામાં એકપણ એડમીશન થયેલ ન હતું.
૪. સરકાર કરકસર કરવા માંગે છે :
પ્રાથમિક શાળાઓના ખર્ચ વિશે જોઈએ તો સરકારનો અત્યારે 95 ટકા ખર્ચ પગાર પાછળ થાય છે અને પાંચ ટકા જ વહીવટી ખર્ચ થાય છે,બીજું એક થી ત્રણ કિલોમીટર દૂર અંતરે રહેતા બાળકો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે તો આ ખર્ચ તો મર્જ કરવાથી ઊલટાનો વધવાનો છે તો બંધ કરવાનો મતલબ કે આશય શું છે એ સમજ પડતી નથી.બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરીને સરકાર બતાવવા શું માગે છે !?
૫. શિક્ષકોની ઘટ - જાગૃતતાની જરૂર :
બનાસકાંઠા જિલ્લામાં જેટલા શિક્ષકોની ઘટ છે એ આંકડો પણ ચોકાવનારો છે તો એક ઘટ પહેલા પૂરી કરવી જોઈએ,શાળાના મકાનનો ઇન્ફાસ્ટ્રકચર કેવું છે એ સુધારવાની જગ્યાએ બંધ કરવી કેટલી યોગ્ય છે? આ બાબતે દરેક શિક્ષણવિદ,એસએમસી,શિક્ષક સંઘો, જાગૃત-જવાબદાર નાગરિક અને નાગરિક સમાજે આગળ આવવાની જરૂર છે આ બાબતે સંગઠિત રીતે તૈયારી બતાવવાની ખાસ જરૂર છે. દરેક જિલ્લાએ આવેદન અને રજૂઆતો કરવી પડશે અને આશા રાખીએ કે સરકાર મૂળભૂત અધિકારોના હનન બાબતે ઘટતું કરે..
Comments
Post a Comment