'જેનું જીવન ધૂપસળી છે,અંત લગી એ જાત બળી છે'
નિરાંતમાં આમ તો અનેક સમાજ સેવકો અને લોકસેવકો છે.પરંતુ ગાંધીજી,જયપ્રકાશ નારાયણ અને ઝીણાભાઈ દરજીની ગરીબલક્ષી વિચારધારાને વરેલા ઈન્દુકુમાર જાની આજે આપણી વચ્ચે નથી રહ્યા.ઇન્દુભાઇની વિદાય વંચીતો,શોષાતો,કચડાયેલા વર્ગો અને દરિદ્રો માટે મહાન આઘાત સમાન છે.ઝીણાભાઈ દરજીની વિચારધારાને પોતાના જીવનમાં આત્મસાત કરીને આ ઓલિયા જેવા સમાજ સેવકે પોતાનું આખું આયખું જનસેવા માટે સમર્પિત કરી દીધું હતું.લાખો રૂપિયાના દાન અને ફંડફાળાથી લોકસેવા કરનારા તો ડગલેને પગલે પડ્યા હોય છે.પરંતુ પોતાની આખી જિંદગી નિસ્વાર્થ ભાવે લોકસેવામાં સમર્પિત કરી દેનાર ઈંદુભાઈ જાની જેવા સેવાના ભેખધારી જવલ્લે જ મળે છે.દાયકાઓ સુધી તેમણે 'નયામાર્ગ' પાક્ષિક દ્વારા પત્રકારત્વના ઉચ્ચ આદર્શોને આચરી બતાવ્યા હતા.અન્ય સેવાઓ ઉપરાંત પત્રકારત્વની સેવાઓને ગુજરાત ક્યારે વિસારી નહીં શકે. અનેક સમાજસેવકોના મૃત્યુ પછી એમની બેંક બેલેન્સ ફાટફાટ થતી હોય છે,પરંતુ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર આ સાચા લોકસેવકની પાછળ માત્ર પત્ની અને દિકરાને વિલાપ કરતા મૂકી ગયા છે.વર્ષો સુધી નાદુરસ્ત તબિયત છતાં તેમણે પોતાના સેવાકાર્યોને સ્થગિત કર્યા નહોતા.એ જ કારણ હતું કે તેમનું નાજુક શરીર અનેક વ્યાધિઓમાં સપડાઇ ગયું હતું. આદિવાસીઓ,ખેત મજૂરો, શોષિતો, વંચિતો અને પીડિતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેનાર ઇન્દુભાઇ એકમાત્ર સાચા યોદ્ધા હતા. દેશમાં અથવા દુનિયામાં ગમે ત્યાં જુલ્મ અને અન્યાયનું વાતાવરણ થાય ત્યારે ઇંન્દુભાઇ 'નયામાર્ગ' માં બુલંદ સચ્ચાઈથી એને વાચા આપતા હતા.અત્યારે તો ગુજરાતના સેવાક્ષેત્રમાં નજર દોડાવીએ તો ઈંદુભાઈ જેવા સત્યનિષ્ઠ,નિર્ભય અને સાચુકલા સમાજસેવક દૂર દૂર સુધી દેખા દેતા નથી.ગુજરાતને,પત્રકારત્વ જગતને, શોષિતો,વંચિતો અને પીડિતોને ઈંદુભાઈની ખોટ દાયકાઓ સુધી સાલતી રહેશે... અલવિદા ઇન્દુભાઇ...
Comments
Post a Comment