અહીં એક છોકરો સેવાકાર્યમાં લાગેલો છે, તેમાં તેને બહુ રસ પડે છે. પરંતુ તેનાં માબાપ એમ ઇચ્છે છે કે તે પહેલાં પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરુ કરે, અને પછી જે કરવું હોય તે કરે,એટલે છોકરો મારી પાસે સલાહ લેવા આવ્યો હતો કે તેણે શું કરવું જોઈએ. મેં તેને પૂછ્યું કે અત્યાર સુધીના તારા શિક્ષણથી તેં સ્વાવલંબન સાધી લીધું છે? જો તારુ સ્વાવલંબન સધાઈ ગયું હોય, તો તારે આગળ ભણવાની જરૂર નથી. શિક્ષણથી મૂળમાં તો સ્વાવલંબન સધાવું જોઈએ. જે શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવી શકે, તે સાચું શિક્ષણ.મારી દષ્ટિએ શિક્ષણનું આ મુખ્ય ધ્યેય હોવું ઘટે. આ સ્વાવલંબન એટલે શું? આજકાલ લોકો આર્થિક રીતે પગભર થવું એવો સ્વાવલંબનનો જે અર્થ કરે છે, તેટલો જ સીમિત અર્થ મારા મનમાં નથી. સ્વાવલંબનનો ઘણો ઊંડો ને વ્યાપક અર્થ મારા મનમાં છે. મારી દૃષ્ટિએ શિક્ષણ દ્વારા ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષણમાં કાંઈ ને કાંઈ ઉદ્યોગ શીખવવો જોઈએ.જેથી વિદ્યાર્થી જીવનમાં પગભર થઈ શકે. આનું મહત્ત્વ છે. દરેકે શરીર-પરિશ્રમ કરતાંયે શીખવું જોઈએ. શરીર પરિશ્રમ તો દરેકે કરવો જ જોઈએ.જો બધા કાંઈ ને કાંઈ શરીર-પરિશ્રમ કરતા થઈ જશે, તો સમાજમાં નાહક