અહીં એક છોકરો સેવાકાર્યમાં લાગેલો છે, તેમાં તેને બહુ રસ પડે છે. પરંતુ તેનાં માબાપ એમ ઇચ્છે છે કે તે પહેલાં પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરુ કરે, અને પછી જે કરવું હોય તે કરે,એટલે છોકરો મારી પાસે સલાહ લેવા આવ્યો હતો કે તેણે શું કરવું જોઈએ.
મેં તેને પૂછ્યું કે અત્યાર સુધીના તારા શિક્ષણથી તેં સ્વાવલંબન સાધી લીધું છે? જો તારુ સ્વાવલંબન સધાઈ ગયું હોય, તો તારે આગળ ભણવાની જરૂર નથી. શિક્ષણથી મૂળમાં તો સ્વાવલંબન સધાવું જોઈએ. જે શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવી શકે, તે સાચું શિક્ષણ.મારી દષ્ટિએ શિક્ષણનું આ મુખ્ય ધ્યેય હોવું ઘટે.
આ સ્વાવલંબન એટલે શું? આજકાલ લોકો આર્થિક રીતે પગભર થવું એવો સ્વાવલંબનનો જે અર્થ કરે છે, તેટલો જ સીમિત અર્થ મારા મનમાં નથી. સ્વાવલંબનનો ઘણો ઊંડો ને વ્યાપક અર્થ મારા મનમાં છે. મારી દૃષ્ટિએ શિક્ષણ દ્વારા ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષણમાં કાંઈ ને કાંઈ ઉદ્યોગ શીખવવો જોઈએ.જેથી વિદ્યાર્થી જીવનમાં પગભર થઈ શકે. આનું મહત્ત્વ છે. દરેકે શરીર-પરિશ્રમ કરતાંયે શીખવું જોઈએ. શરીર પરિશ્રમ તો દરેકે કરવો જ જોઈએ.જો બધા કાંઈ ને કાંઈ શરીર-પરિશ્રમ કરતા થઈ જશે, તો સમાજમાં નાહક વર્ગભેદ નહીં ઊભા થાય. અમુક લોકો માથાનું જ કામ કરનાસ અને અમુક હાથનું જ કામ કરનારા, એવો રાહુકેતુનો સમાજ નહીં ઊભો થાય. દરેકે માથાનું પણ કામ કરવું જોઈએ અને હાથનું પણ કામ કરવું જોઈએ. એટલે શિક્ષણમાં કાંઈ ને કાંઈ હાથનું કામ કરતાં, કાંઈક ઉદ્યોગ કરતાં શીખવવું જ જોઈએ. તેનાથી ઉત્પાદન પણ વધશે,આરોગ્ય પણ વધશે અને એક નિરામય સમાજ નિર્માણ કરવામાં મદદ મળશે. એ પોતે પણ સ્વતંત્ર થશે. તો આવું એક સ્વાવલંબન શિક્ષણ દ્વારા સધાવું જોઈએ.
પરંતુ આટલું જ પૂરતું નથી. શિક્ષણનું બીજું ધ્યેય એ હોવું જોઈએ કે વિધાર્થીની પ્રજ્ઞા સ્વયંભૂ બને અને તે સ્વતંત્ર રીતે વિચારતો થાય, આ દષ્ટિ જો રહી. તો શિક્ષણનું સ્વરૂપ જ બદલાઈ જશે. આજે શાળા - કોલેજોમાં માહિતી ને જાણકારી તો પુષ્કળ અપાય છે, પણ વિદ્યાર્થીમાં સ્વતંત્રપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ આવે, તે તરફ બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે.જોવું તો એ જોઈએ કે એનામાં સ્વતંત્ર રીતે અધ્યયન કરવાની શક્તિ આવી છે કે નહીં.
આજકાલ વિદ્યાલયોમાં અનેક ભાષાઓ અને અનેક વિષય શીખવવામાં આવે છે. દરેક વાતમાં વિદ્યાર્થીને વરસો સુધી શિક્ષકની મદદની જરૂર પડે છે. ખરું જોતાં, વિદ્યાર્થને એ રીતની તાલીમ મળવી જોઈએ કે જેથી વિદ્યાર્થી આગળ જતાં જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. દુનિયામાં અનંત જ્ઞાન છે. જો કે જીવન માટે તે અનંત જ્ઞાનની આપણને જરૂર નથી પડતી.તેમ છતાં સારું એવું જ્ઞાન આપણને જોઈતું હોય છે. હવે, એવું જીવનોપયોગી જ્ઞાન શાળા - કોલેજોમાં મળી શકે છે,એમ માનવું સાવ ખોટું છે. જીવનોપયોગી જ્ઞાન તો જીવનમાંથી જ પ્રાપ્ત થઈ શકે. શિક્ષણે તો વિદ્યાર્થીમાં એવું જ્ઞાન મેળવી શકવાની શક્તિ નિર્માણ કરી આપવાની છે. વિદ્યાલયોનું બસ આટલું જ કામ છે. જ્ઞાન મેળવવાની બાબતમાં વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવી દેવો.
હજી એક ત્રીજું સ્વાવલંબન પણ જરૂરી છે, જે શિક્ષણ દ્વારા સધાવું જોઈએ. શિક્ષણનું તે પણ એક અંગ બની જવું જોઈએ. વિદ્યાર્થીને પોતાની ઇન્દ્રિયો ઉપર અને પોતાના મન ઉપર કાબૂ રાખતાં શીખવવું જોઈએ. જેમ સ્વતંત્ર રહેવું હોય તો આર્થિક ઉપાર્જનની પરાધીનતા ન જોઈએ,તેમ સ્વતંત્ર રહેવું હોય તો વિકારવશતા પણ ન જોઈએ. જે માણસ પોતાની ઇન્દ્રિયોનો ગુલામ છે અને પોતાના વિકારોને કાબૂમાં રાખી શકતો નથી, તે સ્વતંત્ર નથી, સ્વાવલંબી નથી.તેથી શિક્ષણનું આ પણ એક અનિવાર્ય અંગ મનાવું જોઈએ, અને તે માટે જીવનમાં સંયમ, વ્રત,સેવા આદિનું પણ શું સ્થાન છે તે વિદ્યાર્થીને શીખવવું જોઈએ. શિક્ષણમાં યોગનું શિક્ષણ પણ
આવી જવું જોઈએ.
તો, મારું કહેવું એમ છે કે આવું ત્રિવિધ સ્વાવલંબન સાધી આપે તે સાચું શિક્ષણ. કહે છે ને કે “સા વિદ્યા યા વિમુક્તયે” ! વિદ્યા એ કે જે માણસને મુક્ત કરે. આ ત્રિવિધ સ્વાવલંબન દ્વારા જ આવી મુક્તિ સંભવે.
આ છોકરાનાં માબાપ તેને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરુ કરી લેવાનો આગ્રહ શું કામ કરે છે?એટલા વાસ્તે કે તેમ કરવાથી પછી નોકરી મળી શકે અને તે સ્વતંત્ર રીતે જીવી શકે. પરંતુ વિદ્યા તરફ આટલી સીમિત દષ્ટિથી જ જોવું ઠીક નથી.
સ્વતંત્રતાનો આટલો મર્યાદિત અર્થ કરવો બરાબર નથી. વિદ્યા જીવનની એક મૌલિક વસ્તુ છે. તે માણસની મુક્તિ માટે છે. અને મુક્તિનો ઘણો ઊંડો ને વ્યાપક અર્થ છે. જેને સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે, તે માણસ સાચા અર્થમાં મુક્ત અને સ્વતંત્ર બને છે.
[શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન'માંથી]
Comments
Post a Comment