Skip to main content

શિક્ષક : શાંતિમય ક્રાંતિનો અગ્રદૂત - વિનોબા ભાવે

તમે અમારી જમાતના લોકો છો એટલે તમારી સમક્ષ બોલવાનો એક ખાસ પ્રકારનો આનંદ આવે છે.ગાંધીજીને કોર્ટમાં પૂછવામાં આવ્યું કે, 'તમારો ધંધો શો છે?' તો એમણે કહી દીધું કે “સ્પિનર એન્ડ વિવર' મને જો પૂછવામાં આવે કે, “તમારો ધંધો શો છે?” તો હું એ જ કહું છું કે 'મારો ધંધો શિક્ષકનો છે.'

મારી પદયાત્રા તેર વર્ષ ચાલી. એમાં મેં જો કંઈ કામ કર્યું હોય તે શિક્ષક અને વિદ્યાર્થીનું જુ કર્યું છે. જે શિક્ષક હોય તે વિદ્યાર્થી પણ હોય જ.હવે હું માનું છું કે સાલભરમાં તમે ૮૦૦ વ્યાખ્યાન આપતા હશો. મારાં પણ રોજના ત્રણના હિસાબે વર્ષમાં લગભગ હજાર વ્યાખ્યાન થઈ જાય છે. હવે તમે કહો હું શિક્ષક છું કે નહીં?

વળી, વિદ્યાર્થી પણ છું. આ તેર વર્ષોમાં મેં આઠ-દસ નવી ભાષાઓ શીખી. જ્યારે ફરતો નહોતો ત્યારે પણ અધ્યયન-અધ્યાપન સિવાય બીજું કંઈ કર્યું નથી. આ જ મારું મુખ્ય કાર્ય હતું.એટલે તમે મારી જ જમાતના છો, માટે તમારી સમક્ષ બોલવામાં મને ખૂબ ખુશી થાય છે.

પ્રાચીન કાળથી આજ સુધીનું જે હિંદુસ્તાન બન્યુ તે શિક્ષકોએ જ બનાવ્યું છે. અહીં આચાર્ય શંકર, આચાર્ય રામાનુજ અને કેટલાય આચાર્ય તો એવા થઈ ગયા, જેમનાં નામ પણ તમને ખબર ન હોય, શાસ્ત્રોમાં એમનાં નામ ખૂબ પ્રસિદ્ધ છે. ભગવાન ઉપવર્ષ નામના એક મહાન ઋષિ થઈ ગયા.એમનું નામોચ્ચારણ ભગવાનની સાથે કરવામાં આવે છે. એમના જ શિષ્ય મીમાંસાના આચાર્ય જૈમિનિ થયા. 'બ્રહ્મસૂત્ર' માં ચર્ચા ચાલી કે જુદા જુદા આચાર્યોનાં શા કાર્યો છે? “ઔડુલોમિ' આચાર્યનું કહેવું છે કે' उत्क्रमिष्यत् एवं भावात' 'કાશકૃત્સ્ન' આચાર્યનું કહેવું છે કે' પરમાત્મા એક જીવરૂપમાં જ રહેલો છે, પરમાત્મા અને જીવમાં કોઈ અંતર નથી.' વલ્લભાચાર્યજી કહે છે કે 'અમને લાગે છે કે 'કાશકૃત્સ્ન' નો વિચાર વધારે સારો છે. શંકરાચાર્ય એમાં સંશોધન કરે છે : 'क्राशकृत्स्न: किं वदति,अवस्थित ईति।' કાશકૃત્સ્નનો મત વેદાનુસાર છે એટલે બરાબર છે. હવે તમારામાંથી કોઈ કાશકૃત્સ્ન, ઔડુલૌમિ કે આશ્મરથ્યને ઓળખો છો? આવા ઘણાય ઋષિઓ પ્રાચીન કાળમાં થઈ ગયા, જેમનાં નામ સિવાય વિશેષ કંઈ મળતું નથી. આમ પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી હિંદુસ્તાનમાં આચાર્યોની પરંપરા ચાલી.એમણે સમાજને તૈયાર કર્યો અને પોતાના તરફથી વિદ્યાદાન કર્યું. આપણે ત્યાં રામાનુજ થઈ ગયા. એમના શિષ્ય રામાનંદ અને એમના બે શિષ્યો, કબીર અને તુલસીદાસ. એક ગુરુના બે શિષ્યો, મહાન. રામાનંદ, શંકર આખા ભારતમાં ફર્યા અને એમના વિચારોનો પ્રચાર કર્યો અને તે પ્રમાણે આખો સમાજ બદલાતો ગયો. આ બધું આચાર્યોએ જ કર્યું.તે દરમિયાન રાજસત્તાઓ તો અનેક આવી ને ગઈ પણ આચાર્યોએ જે ભારતનો સમાજ બનાવ્યો, તે એ જ
પરંપરાઓ અનુસાર આજ સુધી ચાલી રહ્યો છે. લગ્નો પણ આચાર્યોના નિર્દેશ અનુસાર જ થાય છે. સંધ્યા, ઉપાસના વગેરે પણ એમના બનાવેલા નિયમાનુસાર ચાલ્યા આવે છે. આ કઈ શક્તિ છે, જેના કારણે આ બની શક્યું અને એના પર સત્તાધારીઓની કોઈ અસર ન પડી? ટેનિસનના કહેવા પ્રમાણે 'માણસો આવે અને જાય. પણ હું તો સતત વહ્યા જ કરુ છું.' આમ અનેક સામ્રાજ્યો આવ્યાં અને ગયાં પણ આ આચાર્યોની વૈચારિક અને સામાજિક અસરને કોઈ ટાળી ન શક્યું.

ભારતને કોઈ રાજસત્તાએ નથી ઘડ્યો. તેને અહીંના સંતો, ફકીરો ને આચાર્યોએ ઘડ્યો છે. બાળકોને કેવળ “ક કા કિ કી' ભણાવી દીધું, એટલેથી ભણાવવાની “ઇતિ' થતી નથી.આજકાલ તો “સાક્ષરતા-દિવસ'નું અભિયાન ચલાવે છે. અંગૂઠાની જગ્યાએ સહી મેળવવી,બસ, એટલું જ એનું પ્રયોજન! સરકારને કહેવા ચાલે કે અમે હિંદુસ્તાનમાં આટલા લોકોને સાક્ષર બનાવ્યા, પણ એવા સાક્ષર બનાવવાનો શો અર્થ?

તમે લોકો શિક્ષક છો તો એ ધ્યાનમાં રાખજો કે તમારું કામ શિક્ષણ દ્વારા આખા સમાજની રચના બદલવાનું છે. આપણે આજની સમાજ-રચના બિલકુલ બદલવા માંગીએ છીએ. આપણે શાંતિમય ક્રાંતિના અગ્રદૂત છીએ. આ મિશન જો તમારા ધ્યાનમાં આવી જશે તો તમે “નઈ તાલીમ'ને એવું રૂપ આપશો કે જેથી તે સરકારના હાથમાંથી તમારા હાથમાં આવી જાય. આમ નહીં થાય તો શિક્ષણ માટે ભારે મોટો ખતરો છે.

આજે તો શિક્ષણ પર સરકારનો અંકુશ છે. ખરી રીતે ન્યાય-ખાતાની જેમ શિક્ષણ ખાતું પણ સ્વતંત્ર જોઈએ. એના પર સરકારની સત્તા ન રહે ત્યારે જ હિંદુસ્તાનમાં શિક્ષણ પાંગરશે અને ત્યારે જ જુદી જુદી બૂરાઈઓ પર બુદ્ધિનો પ્રકાશ પડશે. આજે તો બધી બુદ્ધિને એક સાંચામાં ઢાળવામાં આવે છે. જેમ વાવણીના પ્રસંગે ખેડૂત એના બળદને પૂછતો નથી કે 'કેમ બળદભાઈ, આપણે શું વાવીશું?' તેમાં તો શું વાવવું તે ખેડૂત નક્કી કરશે.બળદભાઈનું તો ડાંગર વાવવી હશે તો ડાંગર ને જુવાર વાવવી હશે તો જુવાર વાવવાનું કામ. આવી જ રીતે હિંદુસ્તાનના બધા શિક્ષક આજે 'બળદભાઈ' થઈ ગયા છે.ભણવાના વિષયો,એના કલાક વગેરે બધું જ ઉપરથી નક્કી થઈને આવે.

આમ આજે શિક્ષકોની હેસિયત બળદની છે.એમાં ન તો એમની બૃદ્ધિનો વિકાસ થાય છે,નથી રાષ્ટ્ર ઘડાતું.સરકાર ખોટે રસ્તે જાય તો આખું રાષ્ટ્ર ખોટે રસ્તે અને એ સારી હોય તો સારા રસ્તે. હું આને જ બદલવા માગું છું. પણ આ ત્યારે બદલાય જ્યારે તમે સમજશો કે હિંદુસ્તાનની સમાજરચના બદલવી એ આપણો ધર્મ છે. એ આપણું કામ છે.

ભારતમાં જે કંઈ ઉત્તમ વિચારો છે, એમાં સૌથી વધારે આકર્ષણ મને આ વિચારનું થયું છે કે 'પોતાની જાતને ઓળખવી.'कोडहम्'' (હું કોણ છું) ની ઓળખાણ પર આપણું આખું જીવન નિર્ભર છે. તો તમારે પણ નક્કી કરવું જોઈએ કે તમે કોણ છો. જો તમે શિક્ષક હોવાની સાથે સાથે હું 'બીજું કંઈક પણ છું' એવું અનુભવતા હો તો તમે શિક્ષકના ધંધાને ન્યાય નહીં આપી શકો. તમને અનુભવ થવો જોઈએ કે હું સૌ પહેલાં શિક્ષક છું.

સરકારે તો તમારી હેસિયત નોકરની માની છે પણ એ કંઈ શિક્ષકની હેસિયત નથી.શિક્ષકનું કામ તો ઘણું જ શ્રેષ્ઠ છે. દેશની સર્વશ્રેષ્ઠ સંપત્તિરૂપ બાળકોને તમારા હાથમાં સોંપ્યાં છે. એમને કંઈ સંસ્કાર, વિદ્યા, માર્ગદર્શન તમે દેશો તે જ તેમને મળશે. આનાથી વધારે કિંમતી કાર્ય બીજું કોઈ હોઈ ન શકે. શિક્ષક જો એમની આ હેસિયત સમજે તો શિક્ષક-ધર્મ પ્રમાણે તેમણે કેટલીક ચીજો છોડવી પડશે.

રાજનીતિથી દૂર રહો :

એક તો, તમારે કોઈ રાજનૈતિક પક્ષના સભ્ય ન થવું જોઈએ.તમારી આધ્યાત્મિક હેસિયત છે. તમારા પર, તમારી બુદ્ધિ પર કોઈ બોજો હોય તે ન ચલાવી લેવાય. ન્યાયાધીશ પર કોઈ પક્ષની સત્તા ન ચાલે. તેવી જ તમારી હેસિયત છે. તમારે વિદ્યાર્થઓને ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર આપવાના છે. તમે જો તમારી સ્વતંત્રતા કોઈ પક્ષને સોંપી તેના અનુયાયી થઈ જાવ તો કહેવું પડશે કે તમે શિક્ષકની હેસિયત ગુમાવી દીધી અને એની જે પ્રતિષ્ઠા હતી તે ખતમ કરી નાખી.જેમ દવાખાનામાં એવો રાજનૈતિક વિચાર ન ચાલે કે આ આપણા પક્ષનો રોગી છે એના પર વધારે ધ્યાન દેવું જોઈએ. અને બીજા પક્ષનો રોગી છે, એટલે એના પર ઓછું ધ્યાન દઈએ. ડોક્ટરનો ધંધો નથી, એક ધર્મ છે. કોઈ પણ પક્ષ, ભાષા, ધર્મ કે જાતિનો ગરીબ કે અમીર દર્દી આવે, તેનું દુઃખ દૂર કરવું એ જ એનો ધર્મ છે. તો જ તેની પ્રતિષ્ઠા છે. તેવું જ શિક્ષકોનું છે.

શિષ્યો એ જ તમારા ભગવાન :

બીજું, તમારે પિછાણવું જોઈએ કે તમારો દેવ કોણ છે? દુનિયામાં અનેક દેવદેવીઓ છે.એમાં તમારો દેવ કયો? તમારો દેવતા તમને સોંપાયલા વિદ્યાર્થીઓ છે, બીજો કોઈ નહી.તમે જો બીજા કોઈને તમારો દેવ માની લો અને એમાં વિધાર્થીની સેવામાં કંઈ ઊણપ આવી તો હું
સમજીશ કે તમારી પ્રતિષ્ઠા ગઈ. 'शिष्य देवो भव:' - શિષ્યો તમારા દેવ છે. એમની ભક્તિપૂર્વક એકનિષ્ઠાથી સેવા કરવી તમારો ધર્મ છે. વિદ્યાર્થઓ માટેનો પ્રેમ જોઈએ. અનુરાગ જોઈએ.વાત્સલ્ય જોઈએ.આ શિક્ષકો માટેનો એક ઘણો મોટો ગુણ છે, જેના વગર કોઈ શિક્ષક જ ન બની શકે. 

ત્રીજી વાત એ કે તમારે નિરંતર જ્ઞાનવૃદ્ધિ કરતા રહેવી જોઈએ.સતત અધ્યયનશીલતા,એ તમારું મુખ્ય કામ છે. તમારા જ્ઞાનનો સતત વિસ્તાર થતો રહેવો જોઈએ. થોડો પણ સમય મળે તો અધ્યયન કરતા રહેવું જોઈએ. અધ્યયન માટ ચિત્ત ખુલ્લું રહેવું જોઈએ. કોઈ પણ
વિચારને પોતાનો વિરોધી કે અનુકૂળ ન માનતા એનો અભ્યાસ કરવો જોઈએ. હિંદુસ્તાનમાં અનેક મહાપુરુષો થઈ ગયા. એમના ગ્રંથો વાંચી એમાંથી જે સાર લેવો હોય તે લેવો જોઈએ.

આપણને શિક્ષકોને કોઈ ચીજમાં વિશ્વાસ હોય તો તે જ્ઞાનમાં છે અને હોવો જોઈએ.શંકરાચાર્યને પૂછવામાં આવ્યું કે જેને તમે જ્ઞાન સમજાવો છો તે ન સમજે તો શું કરશો? તો કહે,'બે વાર સમજાવીશ, ત્રણ વાર સમજાવીશ અને એથી વધારે પણ સમજાવતો રહીશ. મારું શસ્ત્ર જ સમજાવવું છે. જ્યાં સુધી એ ન સમજે ત્યાં સુધી સમજાવતો રહીશ. હું કદી હારવાનો નથી.' આ જ વસ્તુ ઈશુને એના શિષ્યોએ પૂછી; અલબત્ત, ભાષા જુદી હતી. ઈશુને પૂછવામાં આવ્યું, 'કોઈ અપરાધ કરે, આપણને તકલીફ દે તો શું કરવું?' કહે :' ક્ષમા કરજો. સેવન ટાઈમ્સ સેવન' કહી દીધું. સાત વાર સતાવતો રહે તો ૪૯ વાર એને ક્ષમા કરો. જ્યાં સુધી એ સતાવતો રહે, ત્યાં સુધી તમે એને ક્ષમા કરતા રહો. છેવટે એ હારી જશે અને તમે જીતશો.મનમાં આ દ્રઢ ભાવ હોવો જોઈએ કે એ હારવાનો છે, કારણ કે અજ્ઞાની છે. હું તો મારી જાતને ઓળખનારો બધાથી અલગ છું. એટલે મારી જીત નિશ્ચિત છે. સારાંશ, જેમ શંકરાચાર્યે જ્ઞાન-પ્રચાર પર અને ઈશુએ ક્ષમા-શક્તિ પર વિશ્વાસ રાખ્યો, તેમ આપણો વિશ્વાસ ગામની દાન-શક્તિ, પ્રેમ-શક્તિ અને કરુણા-શક્તિ પર હોવો જોઈએ, જે ગામમાં છે. એના દ્વારા આત્મામાં જાગૃતિ લાવીને ત્યાં ક્રાંતિકાર્ય કરાવવું જોઈએ. આ આપણી તાલીમની દ્રષ્ટિ છે.

ગુરુ = પ્રેમ + જ્ઞાન :

આ રીતે તમારે જ્ઞાન-સમુદ્ર બનવાનું છે. જો શિક્ષકમાં વાત્સલ્ય હશે અને જ્ઞાન નહીં હોય તો તમે ઉત્તમ માતા બનશો, ગુરુ નહીં.સાધારણ રીતે માતાઓ પાસેથી આપણે જ્ઞાનની અપેક્ષા રાખતા પણ નથી.પ્રેમ અને વાત્સલ્યની રાખીએ જ છીએ.તમારામાં જો વાત્સલ્ય હોય પણ જ્ઞાન ન હોય તો તમે પ્રવૃત્તિ-પરાયણ બની શકો છો, પણ ગુરુ નથી બની શકતા.તમારામાં જો પ્રેમ ન હોય, વાત્સલ્ય ન હોય, પણ તટસ્થતા છે અને જ્ઞાનની સાધના તમે કરો છો તો તમે તત્ત્વજ્ઞાની બની શકો છો, વિચારક બની શકો છો, નિવૃત્તિનિષ્ઠ બની શકો છો અને
તમારો ધણો બધો લાભ દેશને મળી શકે છે પણ તેમ છતાંય તમે ગુરુ નથી બની શકતા.એટલા માટે ગુરુને માટે જરૂરી છે, નિરંતર ચિંતનશીલતા અને અત્યંત વાત્સલ્ય તથા પ્રેમ. 

મનુષ્યના અંગત જીવનમાં ઘણી મુસીબતો આવે છે.એવે ટાણે એને સલાહની જરૂર પડે છે. ત્યારે એને માતા- પિતા, ભાઈ તથા મિત્રોની સલાહ તો મળે છે પણ ગુરુની સલાહ નથી મળતી. એક શિક્ષક પોતાની જિંદગીમાં લગભગ હજારેક વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. પણ શું કદી કોઈ વિદ્યાર્થી પોતાની મુસીબતને વખતે ગુરુ પાસેથી સલાહ લે છે? એનો અર્થ એ થયો કે આપણે એક સારો સલાહકાર ગુમાવ્યો. સગાં-સ્નેહીઓની સલાહમાં તટસ્થતા નથી હોતી.કારણ કે આપણા તરફ એમને આસક્તિ હોય છે. એટલે એમની સલાહ તટસ્થ નથી હોતી.આપણે કોઈ જ્ઞાની અને તટસ્થ નેતા પાસેથી સલાહ લઈએ પરંતુ તેમાં પ્રેમ નથી હોતો. જે આપણને પ્રેમ કરતો હોય, જ્ઞાની હોય અને તટસ્થ પણ હોય તે જ સાચો સલાહકાર હોઈ શકે.એટલે શિક્ષકમાં આ ત્રણ ગુણોનો સમુચ્ચય થવો જોઈએ - પ્રેમ, જ્ઞાન અને તટસ્થતા.

'गुरुमुखी नादम्,गुरुमुखि वेदम्' નાદ અને વેદનું પોતાનું આગવું મહત્ત્વ છે. તેમ છતાંય ગુરુને મુખે એ આવે તો એનું ખૂબ મહત્ત્વ છે. ધ્યાનથી જે તાલીમ મળે તેને 'નાદ' કહે છે અને શાસ્ત્રોના જ્ઞાનને 'વેદ' કહે છે. ગુરુના મુખે જ નાદ અને વેદનું જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. એ જ્ઞાન આપવા માટે ગુરુની પોતાની પણ એક જવાબદારી હોય છે.

પરંતુ આજે તો શિક્ષક વિદ્યાર્થીઓની હાજરી-ગેરહાજરી પૂરે છે. પણ ગેરહાજર રહેલો વિદ્યાર્થી કેમ ગેરહાજર છે તેની કંઈ ચિંતા નથી કરતો. મતલબ; એ વિદ્યાર્થીઓને નહીં, એક જમાતને પુસ્તક ભણાવે છે. પંજાબ સરકારે એક વખત સરક્યુલર કાઢેલો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરસ્પર વ્યક્તિગત સંપર્કથી બચવું જોઈએ જે શિક્ષણ-પદ્ધતિ શિક્ષકોને વિધાર્થઓના સંપર્કથી બચવાનું કહે, એવી શિક્ષણ-પદ્ધતિ સામે શિક્ષકોએ બંડ પોકારવું જોઈએ.

બીજી એક મહત્ત્વની વાત તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. આજકાલ વીસ-બાવીસ વર્ષનો છોકરો બી.એ., એમ.એ. કરીને શિક્ષક બની જાય છે અને સાથોસાથ એ પોતાના ગૃહસ્થ જીવનનો પણ આરંભ કરે છે. આ બંને આરંભ એટલા મહાન અને એટલા બધા જવાબદારીથી ભરેલા છે કે બંને એકરૂપ છે. તેથી બંને એક સાથે ઉપાડવામાં આવે છે કે પછી બંને પર થોડો અંકુશ રાખવો જરૂરી હોઈ બેઉ ભેગા ઉપાડવામાં આવે છે એ અંગે આપણે વિચારવાનું છે, આમાં ત્રણ દોષ આવી જાય છે. ૧.) એનો ગૃહસ્થાશ્રમ ચાલે છે, બાળબચ્ચાં થાય છે.એ બધાની ચિંતા કરવી પડે છે. એમના નિર્વાહ માટે યથેષ્ટ પગાર પણ મળતો નથી એટલે બિચારો રાતદિવસ પોતાની ઘરની જંજાળમાંથી જ ઊંચો નથી આવતો, ત્યાં વિદ્યાર્થીઓની ચિંતા શું કરે? ર.) એ સાવ અનુભવહીન હોય છે. દુનિયાના ક્ષેત્રમાં પુરુષાર્થ પ્રગટ કરવાની હજી એને તક જ નથી મળી.એટલે એ ઠીક જ્ઞાન નથી આપી શકતો.એ વાણિજ્ય-શાસ્ત્ર ભણાવશે.પણ વેપાર કરવાની કોઈ આવડત એનામાં નથી હોતી.એને ત્રણ હજાર રૂપિયા આપી વેપાર કરવા મોકલો તો બે હજાર રૂપિયા ગુમાવીને પાછો આવશે.એ રાજનીતિ-શાસ્ત્ર
ભણાવશે, પણ એનો ક, ખ, ગ, યે એ નહીં જાણતો હોય. એટલે નેતાઓની કાં તો એ નિંદા કરશે કાં સ્તુતિ. ૩.) શિક્ષક જુવાનિયો હશે. એણે પાતાના વિકારો પર કાબૂ મેળવેલો નહીં હોય.આમ ત્રિદોષગ્રસ્ત માણસને શિક્ષક બનાવી દેવાથી તાલીમનું કામ ચાલે?

ઘણાં વરસોથી હું આ વિષય પર ચિંતન કરતો રહ્યો છું.આખરે હું એવા નિર્ણય પર આવ્યો છું કે શિક્ષકનો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ જ છે. સંન્યાસી શિક્ષક નથી થઈ શકતો, કારણ કે તે આખી દુનિયા માટે છે. એનો મુક્ત વિહાર છે. ખાસ વિદ્યાર્થઓ માટે તેનું જીવન ન હોઈ શકે.બીજી બાજુથી બ્રહ્મચર્યાશ્રમી પોતે જ ખુદ વિદ્યાર્થી છે,માટે બ્રહ્મચર્યાશ્રમને પણ શિક્ષકનો આશ્રમ નહીં કહી શકીએ.ગૃહસ્થાશ્રમ એ અનુભવ-સંપાદનનો આશ્રમ છે.ગુહસ્થાશ્રમની સાથોસાથ જે શિક્ષણ અપાય તે તો માતા-પિતા મારફતે ઘરમાં પોતાનાં બાળકોને આપવામાં
આવે છે તેવું ઘરઘરાઉ શિક્ષણ હશે.એમાં પાંચપચીસ માતાઓનાં બાળકોને એકત્ર કરીને કોઈ એકાદી મા પાસે રાખવામાં આવે અને બાકીની માતાઓ કામે જાય, આવી પણ એક યોજના ઘડી શકાય. પણ આ તાલીમ કંઈ સમાજનું રૂપ બદલનારી નહીં નીવડે, સમાજનું જે રૂપ બંધાયેલું જ છે તેના પર આધાર રાખનારની અને તેમાં અહીં તહીં થોડા સુધારા કરનારી તાલીમ જ હશે.

શિક્ષક વાનપ્રસ્થાશ્રમી હોય :

જ્યારે નિત્યનવો સમાજ રચનારી તાલીમ તો એવા અનુભવીઓને હસ્તક હોવી જોઈએ કે જેઓ બીજાને અનુભવ કરાવવા સમર્થ છે અને જેની વ્યક્તિગત શુદ્ધિ થઈ ચૂકી છે. જે ઉમરે શરીર, મન, બુદ્ધિ, વાણી અને બધી ઇંદ્રિયો છેક જીર્ણ થઈ ગયાં હોય એ ઉંમરે વાનપ્રસ્થ ન થવું જોઈએ.પણ ખરેખર તો જ્યારે એક અનુભવ મળી ચૂક્યો છે અને બીજાને આપવાની લાયકાત આવી છે એવું લાગે ત્યારે વાનપ્રસ્થ થવું જોઈએ.વિષયવાસનાઓ શુદ્ધ થઈ ગઈ હોય અને શરીર, મન, બુદ્ધિ વગેરે ઇંદ્રિયો કાર્યક્ષમ હોય તે ઉંમરે વાનપ્રસ્થાશ્રમ લેવો જોઈએ. આવો વાનપ્રસ્થપુરુષ જ શિક્ષક થઈ શકે છે અને તે જ પ્રચારક બની શકે છે. 

આમ પ્રાચીન કાળથી તે આજ સુધી હિંદુસ્તાનનું ઘડતર જો કોઈએ કર્યું હોય તો તે શિક્ષકોએ કર્યું છે,આચાર્યોએ કર્યું છે. આચાર્ય શબ્દ જ કેવો બોલકો છે! સમાજમાં આચરણ અંગે જે ધડો બેસાડે તે આચાર્ય. પોતે આચરણ કરીને સમસ્ત જનતા સામે ધડો રજૂ કરે, તેને વિચારોની પ્રેરણા આપે તે આચાર્ય. સંસ્કૃતમાં 'चर्' ધાતુ કામધેનુ જેવો છે. 'ચારિત્ર્ય' એટલે શીલ.ચારિત્ર્ય પરથી અંગ્રેજીનો 'Cha-ra-cter' શબ્દ બન્યો.આ ચારિત્ર્ય શબ્દ આવ્યો 'चर्' ધાતુ પરથી. 'ચરણ' એટલે પગ. તેને 'આચરણ' સાથે પણ સંબંધ છે. કહે છે ને કે તેની ચાલચલગત સારી નથી; અર્થાત્‌ તેને ચારિત્ર્ય સાથે સંબંધ જોડાયો. જેને ઉત્તમ ચારિત્ર જોઈતું હોય, તેછે આચરણ કરવું જોઈએ. એવી જ રીતે સંચાર, આચાર, વિચાર પ્રચાર. ઉચ્ચાર એ બધો જ કુટુંબકબીલો આ 'चर्' ધાતુ પરથી ઊભો થયો છે.

ખેર, હું કહેતો એ હતો કે 'चर्' ધાતુ પરથી આચાર્ય શબ્દ બન્યો અને હિંદુસ્તાન જે બન્યો તે આચાર્યોએ બનાવ્યો.

ઉભયાન્વયી અવયવ :

આજે સરકાર શિક્ષણખાતું પણ ચલાવે છે અને સાથે સાથે પોલીસખાતું પણ ચલાવે છે.સરકારને પાણી પણ રાખવું પડે છે ને આગ પણ રાખવી પડે છે. એવી આજની વિચિત્ર પરિસ્થિતિ છે. શિક્ષણમાતાનું કાર્ય ત્યારે જ યશસ્વી થયું ગણાશે જ્યારે સરકારને મિલિટરી
અને પોલીસખાતું રાખવું નહીં પડે. તમારી ઓળખાણ હું શાંતિ-સૈનિક સંજ્ઞાથી કરુ છું. એટલે તમારી પાસે મારી કઈ અપેક્ષા છે તે તમારા ધ્યાનમાં આવશે. જ્ઞાનેશ્વરે કહ્યું છે કે ગુરુને કારણે આજ્ઞા સૌભાગ્યવતી બની છે! અર્થાત્‌ શિષ્ય ગુરુની આજ્ઞા ઇચ્છાપૂર્વક,પોતાના જ ઉત્સાહથી, આનંદથી અને બુદ્ધિપૂર્વક પાળે છે. માની આજ્ઞામાં પ્રેમ છે પણ જ્ઞાન નથી. જ્યારે ગુરુ પાસે બંને છે. આપણે શિક્ષકોની આણ પ્રવર્તે એવું જગત્‌ બનાવવું છે. જૂના સમાજ અને નવીન સમાજને જોડનારી કડી શિક્ષક જ બની શકે, એટલે શિક્ષકનો બંને સમાજ સાથે સંબંધ છે. એટલે જ મેં શિક્ષકને 'ઉભયાન્વયી અવયય'નું નામ આપ્યું છે.અવ્યવ એટલે જે પોતાની સ્થિતિ કદી પણ વિકારી ન થવા દે તે. નામ-ક્રિયાપદને વિકાર લાગે, પણ અવ્યય નિર્વિકાર છે. એટલે શિક્ષક પણ નિર્વિકાર છે અને એટલે જ એ બંને સમાજને જોડનારો પુલ છે.એ જ એમની મુખ્ય ભૂમિકા છે.

શિક્ષિતોને અશિક્ષિત અને અશિક્ષિતોને શિક્ષિત બનાવવાનું કામ એ શિક્ષકોનું બીજું કામ છે. આજની વિદ્યા કચરો કરનારી છે; જ્યારે આપણે તો એવું શિક્ષણ લાવવું છે, જે કચરો દૂર કરનારું હોય. સ્ત્રી પુરુષની માફક મજૂર અને પ્રોફેસર પણ એક જ વ્યક્તિમાં લાવવા છે. 

 ['શિક્ષણ-વિચાર'માંથી]

લોકસંગ્રહનાં કાર્ય માટે જોઈએ - વેધકતા, બોધકતા,
શોધકતા, ઉત્કટતા અને નિરંતર તન્મયતા.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...