પોર્ટુગિઝ ગવર્નરે ૧૭મી સદીમાં માલાબારના છોડવાઓ અને તેની ચિકિત્સીય ગુણોની જાણકારી એકત્ર કરી 12 ભાગોમાં 'હોર્ટસ માલાબારીક્સ'ના રૂપમાં પ્રકાશિત કર્યું હતું.
ભારતમાં અંગ્રેજોનું શાસન પ્રાકૃતિક સંસાધનોની લૂંટ અને શોષણનું શાસન હતું.પરંતુ અંગ્રેજોના શાસનથી પહેલા એક મોટી 'લૂંટ' થઈ હતી.એ 'લૂંટ' પોર્ટુગિઝો દ્વારા કરવામાં આવેલી સ્થાનિક જ્ઞાનની લૂંટ હતી.ઇતિહાસ બતાવે છે કે પોર્ટુગીઝ ભારતમાં મસાલાઓના વ્યાપારના ઉદ્દેશથી આવ્યા હતા,પરંતુ મસાલાઓ ઉપરાંત તેમની ઊંડી રૂચિ ભારતના ઔષધીય જ્ઞાન અને અહીંની જૈવ વિવિધતામાં પણ હતી.આ જ કારણ છે કે ૧૬૦૨માં જ્યારે એમ્સ્ટરડેમ થી પોર્ટુગીઝોના જહાજનો બેડો ભારત માટે રવાના થયો,ત્યારે ઔષધ વૈજ્ઞાનિકોને યુરોપના વનસ્પતિ વિજ્ઞાની કૈરોલસ ક્લૂસિયસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા કે પરત ફરતી વખતે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ મસાલાઓ અને ફળો સિવાય વિચિત્ર દેખાતા વૃક્ષોને લઈને આવે.
'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' પુસ્તક મુજબ,ક્લૂસિયસના નિર્દેશની નજીક ૧૦૦ વર્ષ પછી ૧૭૦૩માં માલાબારના ડચ ગવર્નર હેડ્રિક એડ્રિયન વૉર્ન રીડેએ ૧૨ ખંડોનું સંકલન પૂર્ણ કર્યું. આ સંકલનનું નામ હતું 'હોર્ટસ માલાબારીક્સ(ગાર્ડન ઓફ માલાબાર)'.આ સંકલનમાં માલાબારમાં ૧૭મી સદીના ૭૪૦ છોડોની વિસ્તૃત જાણકારી હતી.રીડેને આ સંકલનને તૈયાર કરવામાં ૨૫ વર્ષ લાગી ગયા.તેનો પહેલો ખંડ ૧૬૭૮માં અને અંતિમ ખંડ ૧૭૦૩માં પ્રકાશિત થયો.
એશિયંટ સાયન્સીસ ઓફ લાઈફ જર્નલમાં ૧૯૮૪માં પ્રકાશિત કે.એસ.મણીલાલનું અધ્યયન બતાવે છે કે હોર્ટસ માલાબારીક્સ ભારતના ઔષધીય છોડવાઓ પર મુદ્રિત સૌથી પ્રાચીન તેમજ મહત્વપૂર્ણ પુસ્તક છે. પુસ્તકમાં આપવામાં આવેલી ઔષધીય છોડ અને તેના ઉપયોગની અધિકાંશ જાણકારી ચાર આયુર્વેદિક ચિકિત્સકો - ઇટ્ટી અચુદન,રંગ ભટ્ટ,વિનાયક પંડિત અને અપ્પૂ ભટ્ટ દ્વારા રીડેને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ચિકિત્સકોનું અધિકાંશ જ્ઞાન આયુર્વેદ ઉપર આધારિત હતું.તેમણે મલયાલમ અને કોંકણી ભાષાઓમાં જાણકારીઓ આપી,જેનું અનુવાદ પોર્ટુગીઝ અને લેટિન ભાષામાં કરવામાં આવ્યું.મણિલાલ લખે છે કે ૧૭મી સદીમાં જ્યારે પુસ્તકનો પહેલો ખંડ પ્રકાશિત થયો તો યુરોપના વૈજ્ઞાનિકોએ તેને સીમાચિહ્ન રૂપ કહ્યું. વનસ્પતિ વિજ્ઞાનના પુનર્જાગરણ(રેનેસાં) ના ૭૫ વર્ષ પછી આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના જનક કાર્લ લિનિયસે ઘણી વખતે આ પુસ્તકના મહત્વને રેખાંકિત કર્યું છે.
'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' મુજબ,કેટલીક હદ સુધી આ પુસ્તક રીડે અને જનરલ રાઈક્લોફ વેન ગોએંસની વચ્ચે ચાલી રહેલી રાજનીતિક પ્રતિદ્વંદ્વીતાનું પણ પરિણામ હતું.ગોએંસ કોચીનની જગ્યાએ ડચ ઉપનિવેશકની રાજધાની કોલંબોને બનાવવા ઇચ્છતા હતા.ત્યાં બીજી બાજુ રીડે મસાલા,કપાસ અને લાકડાઓની આપૂર્તિમાં માલાબારની શ્રેષ્ઠતા સાબિત કરવા ઇચ્છતા હતા.રીડેએ એ પણ સાબિત કર્યું કે યુરોપીય શહેરોમાં વેચાવાવાળી અને ડચ સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી મહત્વપૂર્ણ દવાઓ મલાબાર ના છોડવાઓ થી જ બની છે.રીડેના તર્કોને જોતાં ડચ સરકારે તેમનો પક્ષ લીધો અને કોચીન રાજધાની બની રહી.
હોર્ટસ માલાબારીક્સને રીડેએ ભલે પોર્ટુગીઝોના લાભ માટે સંકલિત કર્યા હોય અને તેમના આ પ્રયાસને જૈવિક જ્ઞાનની ચોરી અથવા બાયો પાયરેસીના રૂપમાં જોવામાં આવતું હોય,પરંતુ આ પુસ્તક વર્તમાનમાં બધા માટે ઉપલબ્ધ છે.આને વનસ્પતિ વિજ્ઞાનની મહાન પુસ્તકનું ગૌરવ હાંસિલ છે.
- ભાગીરથ
સૌજન્ય : ડાઉન ટૂ અર્થ
Comments
Post a Comment