(૧)
સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં તમામ સ્તરે અરાજકતા, ભ્રષ્ટાચાર અને ગુન્હાખોરીનું પ્રમાણ વધતું જ જાય છે.રાજકીય ક્ષેત્રે તેનુ પ્રમાણ વધુ જોવા મળે છે.જો પ્રજાના કલ્યાણ વિશે સ્પષ્ટ સમજણ ધરાવતા હોય,તેનો અમલ કરવા માટેની સંકલ્પશક્તિ હોય અને માનવીય મૂલ્યો અને લોકતાંત્રિક પ્રણાલીઓને પ્રતિષ્ઠિત કરવા ઈચ્છતા હોય તેવા સક્ષમ રાજકીય પક્ષો ન હોય તો સંસદીય લોકશાહી સુચારૂપણે કાર્ય કરી શકે નહીં.
કમનસીબે વર્તમાન રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજકીય પક્ષોએ પોતાની વિશ્વસનીયતા તો ગુમાવી જ છે,તેઓની પાસે રાજકીય ચારિત્ર્ય કે સામર્થ્ય પણ રહ્યાં તથી.ભારતીય પ્રજાની આગવી પ્રતિભા સામે એક મહત્ત્વનો પડકાર આવીને ઊભો છે.શ્રી જયપ્રકાશ નારાયણે સૂચવેલ પક્ષવિહિન લોકભાગીદારી વાળી લોકશાહીનો પ્રયોગ હિંમતપૂર્વક કરવા માટે આપણે તેની શક્યતા તપાસીએ અથવા વિશ્વસનીયતા ધરાવતો એક નવો રાજકીય પક્ષ ઊભો થાય,તે પક્ષ ચોક્કસ સિધ્ધાંતો આધારિત હોય અને તે સિધ્ધાંતોનો સમાજ જીવનની નક્કર વાસ્તવિકતા વચ્ચે અમલ કરવા માટેની સ્પષ્ટ પ્રક્રિયાઓ તેની પાસે હોવી જોઈએ.
મને લાગે છે કે આપણે કેટલીક બાબતો પ્રત્યે સ્પષ્ટ થઈ જવું જરૂરી છે.
આપણા ચિત્તમાં રાષ્ટ્રની સંકલ્પના શી છે ? અને તેના આધારો ક્યા છે ? ધર્મવાદ અને બિનસાંપ્રદાયિકતાવાદ માનવજાતિના કોઈ પ્રશ્નો ઉકેલી શક્યા નથી.અધ્યાત્મને નામે દિવ્યતાની વાતો અને ભૌતિકવાદનું દર્શન પણ નિષ્ફળ ગયા છે.રાષ્ટ્રની સંકલ્પનાના અને રાષ્ટ્રીય સર્વોપરિતાના દિવસો પણ હવે પૂરા થયા છે. વૈશ્વિકતાના યુગનો ઉદય થયો છે.રાજકીય પક્ષોએ અને સરકારોએ સ્થાનિક અને વૈશ્વિક હિતોનો સમન્વય કરીને એક અખંડ સમગ્રતાનું દર્શન ઊભું કરવું પડશે.ભારત સામે આ એક પ્રચંડ કાર્ય છે.બધાં વંશીય અને ભાષાકીય હિતોને એક સૂત્રમાં પરોવવાં પડશે.જ્ઞાતિ અને વર્ગના નામે સરકાર તથા લોકો તરફથી થતા શોષણને પ્રોત્સાહિત કરતાં અને તેનો બચાવ કરતાં માળખાને અને પધ્ધતિઓને તાત્કાલિક નાબૂદ કરવી પડશે.
તા. ૧૩-૧-૯૭
(૨)
રાજકીય અને આર્થિક હેતુ સિધ્ધ કરવા માટે ત્રાસવાદનો,કટ્ટરવાદનો અને હિંસાનો ઉપયોગ થઈ રહ્યો છે તે મુખ્ય ચિંતાનો વિષય છે.ભારતમાં અને વિશ્વ આખામાં રાજકીય ગુંડાઓ અને આર્થિક માફીયાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે તે સંસદીય લોકશાહી માટે અને રાષ્ટ્ર રાજયના અસ્તિત્વ માટે ખતરારૂપ છે.એશિયા,યુરોપ અને યુ.એસ.એ.ની સરકાર સુધ્ધાં આ કટોકટીને હલ કરવાં સક્ષમ નથી એની મને વધુ ચિંતા છે.
તા. ૫-૪-૯૭
(3)
તંત્રમાં દરેક સ્તરે સત્તામાં બધાની ભાગીદારી હોય તેવા વિકેન્દ્રીકરણ તરફ જવાનો પડકાર છે.રાજય અને કેન્દ્ર વચ્ચે નવા સંબંધો ઊભા થઈ રહ્યા છે. મિશ્ર સરકાર કદાચ રાષ્ટ્રીય સરકારમાં પરિણમે અને બધાને સમાન રાજકીય અને આર્થિક સત્તા આપવાનું બને.વૈશ્વિકરણ અને ઉદારીકરણના સંદર્ભમાં ભારતના ઈતિહાસમાં આ એક નવું પ્રકરણ હશે. . .
નવા વડાપ્રધાનનું સહુથી મૂશ્કેલ કાર્ય તો ભારતીય કૉંગ્રેસથી અલગ યુનાઈટેડ ફ્રન્ટની અને સરકારની ઓળખ ઊભી કરવાનું છે.યુનાઈટેડ ફ્રન્ટના બધાં ભાગીદારો માટે લધુત્તમ સામાન્ય કાર્યક્રમ બંધનકર્તા છે.શ્રી ગુજરાલ કૉંગ્રેસ અને ભા.જ.પ.નો સંપર્ક કરીને નીચેની બાબતો વિશે એક લઘુતમ સામાન્ય કાર્યક્રમ બનાવી શકે.
૧. લોકતંત્રના પાયાના મૂલ્યો
૨. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની
૩. મૂળભૂત આર્થિક પડકારો અને તેના ઉકેલ માટેનો સમયબધ્ધ કાર્યક્રમ
રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યોને નિમંત્રીને સાંપ્રદાવિકતા, ધર્મ, કોમવાદ,જ્ઞાતિવાદ વગેરે વિષયો પર ચર્ચા યોજી શકે,આવી ચર્ચાની તાત્કાલિક આવશ્યકતા છે.
તા. રપ-૪-૯૭
(ઉપરના ત્રણ મુદા રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વના છે. તે વિશે બધા રાજકીય પક્ષો ચૂંટણી પછી સાથે બેસીને સર્વસંમતી સાધીને નિશ્ચિત લધુતમ સામાન્ય કાર્યક્રમ
બનાવે તે જરૂરી છે. - સં.)
“વિશ્વભરમાં જેટલાં લોકતાંત્રિક દેશો છે તે શોષણ - અત્યાચાર અને અન્યાયના આધાર પર ઊભા છે. એટલે વાસ્તવિક રીતે તે લોકતાંત્રિક નથી.આ આધુનિક દેશોમાં લોકતંત્રનો આધાર છે કેવળ ભૌતિક દર્શન.સૌભાગ્યથી આ પ્રાચીન ભારત દેશમાં માનવજીવનનું વિજ્ઞાન અને કલા,અધ્યાત્મના રૂપમાં વિકસિત થયું.માનવ માનવના પરસ્પર જીવનમાંથી નિરામય સમાજજીવન વિકસિત થવા માટે કેટલાક નિરપેક્ષ મૂલ્યોની આવશ્યકતા હોય છે.સત્યનિષ્ઠા,પરસ્પર વિશ્વાસ,ન્યાય,પ્રેમ,સહકાર વગેરે નિરપેક્ષ મૂલ્ય છે. આ મૂલ્યો મનુષ્યને કેવળ હાડમાંસનું, મન-મસ્તકનું પૂતળું માનીને ચાલવાવાળા ભૌતિકદર્શનના આધાર પર ઊભા થઈ શકે નહીં.આ મૂલ્યોના અભાવમાં મનુષ્ય પશુવત્ આચરણ કરવા લાગે છે.
આજના સાર્વત્રિક ભ્રષ્ટાચારના વાતાવરણમાં માનવની અપ્રતિષ્ઠા થઈ રહી છે.આ અવનતિને અટકાવીને માનવીય સમજની અને બુધ્ધિનિષ્ઠાની પવિત્રતા અને પ્રતિષ્ઠા સમાજજીવનમાં પુનઃ નિમિત કરવી તે દરેક અધ્યાત્મનિષ્ઠ અને લોકતંત્રપ્રેમીનું કામ છે.
- વિમલા ઠકાર (વિમલાતાઈ)
Comments
Post a Comment