" ઘસાઇને ઉજળા થઇએ, બીજાંને ખપમાં આવીએ."
વાક્યને પોતાનો જીવનમંત્ર બનાવી મહારાજે પોતાના જીવનની ક્ષણે ક્ષણ સમાજને અર્પણ કરી દીધી. 1921માં ઘર છોડ્યું તે દિવસથી તેઓ સાચા અર્થમાં અકિંચન અને અપરિગ્રહી બન્યા હતા.
વર્ષો સુધી પૈસાને સ્પર્શ નહીં કે પોતાની મિલકત નહીં કે ઘર - કુટુંબની મમતા નહીં.
ગાંધીજીની ઇચ્છાને માન આપી ખેડા જિલ્લાની ગુનેગાર ગણાતી પાટણવાડીયા કોમની સેવામાં લાગી ગયા અને એ કોમને ચોરી, ડાકુગીરી, શરાબખોરીથી છોડાવવા ગાંધી ચીંધ્યાં રચનાત્મક કાર્યોની શરૂઆત કરી. સમાજ જેને ધિક્કારતો હતો, જેને ગુનેગાર ગણી દૂર ભાગતો હતો એમના પ્રત્યે મહારાજના મનમાં અપાર કરૂણા અને એ કરૂણા, સંવેદનશીલતા અને પ્રેમનું પરિણામ એ કોમોમાં આવેલું પરિવર્તન જેને આપણે " માણસાઇના દીવા"માં મેઘાણીજીની કલમે અનુભવી શકીએ છીએ.
વિનોબાજીના " ભૂદાન" વિચારના અમલ માટેની પદયાત્રાઓમાં મહારાજે પોતાની જાત નીચોવી દીધી. સતત ભૂદાન માટેના કાર્યમાં મગ્ન મહારાજ રોજનું વીસેક માઇલ ચાલી , પ્રવચન કરી લોકોને ભૂદાન માટે તૈયાર કરતા. તેમની સભાઓમાં ભૂદાનની સાથે વ્યસન મુકતિ, સંપત્તિ દાન, જેવાં કાર્યો સાથે ચાલતાં.મહારાજે પાંચ વર્ષના ગાળામાં વિનોબાજીનો સંદેશો ગુજરાતના ગામે- ગામ પહોંચાડ્યો.
ભૂદાન જેવી પ્રવૃત્તિ હોય કે દુકાળ કે રેલ જેવી કુદરતી આફત મહારાજની સંવેદના તરત જ તેમને ત્યાં દોરી જતી અને ખડેપગે તેઓ આપત્તિગ્રસ્ત વિસ્તાર - લોકોને સહાયરૂપ થતા. સાંતલપુર, સમી , હારીજ, રાધનપુર, જેવા વિસ્તારમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે તેઓએ કૂવા અને બોરિંગ બનાવડાવીને પાણીની સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા અને એટલે તેઓ " બોરિંગવાળા મહારાજ " તરિકે પણ ઓળખાયા.
ગુજરાત કે બીજા રાજ્યોની કુદરતી આફતો જ નહીં પણ 1969માં ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં પણ , તત્કાલીન મુખ્યમંત્રીની તોફાન પ્રભાવિત વિસ્તારોમાં જવાની ના હોવા છતાં પણ મહારાજ જાતે એવા વિસ્તારોમાં પહોંચીને હુતાશન ઠારવા માટે પોતાની તમામ શક્તિ લગાડતા. જ્યારે જયારે ગુજરાતમાં કોમી અશાંતિ ફેલાતી મહારાજ પોતાની પરવા કર્યા સિવાય પ્રેમ - ભાઇચારાનો સંદેશ પ્રભાવિત વિસ્તારોમાં જાતે જઇને કર્યો દ્વારા આપતા.
પોતાને " ગાંધીજીના ટપાલી " તરિકે ઓળખાવનાર મહારાજના હસ્તે નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થાય છે જ્યારે મહારાષ્ટ્રનું ઉદ્ઘાટન નહેરૂજીના હસ્તે થાય છે એ ઘટના પણ મહારાજના પ્રભાવ અને તત્કાલીન સમાજમાં એમના સ્વીકાર - આદરને સમજવા માટે ખપ લાગે એવી છે.
આજે નવી પેઢી માટે રવિશંકર મહારાજ એટલે શ્રી શ્રી રવિશંકર મહારાજ એવું સમીકરણ ફીટ થઇ ગયું હોય કે થઇ રહ્યું હોય ત્યારે એક રવિશંકર મહારાજ આપણ હતા એ તરફ અંગુલી નિર્દેશ કરવો એ ગાંધીવિચાર માં શ્રદ્ધા રાખનાર સૌની ફરજ બને છે એવી મારી સમજ છે.
एतावानस्य महिमा अतो ज्यायान् च पुरुष :
---( પુરૂષસૂકત )
Comments
Post a Comment