Skip to main content

કેળવણીકાર ફાતિમા શેખ

ગુગલે ફાતિમા શેખના 191 મા જન્મદિવસની ઉજવણી તેમની યાદમાં ડૂડલ લોન્ચ કરીને સન્માનિત કર્યા છે.તેણી એક કેળવણીકાર હતાં, જે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સાથી હતા. આધુનિક ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષકોમાંના એક, તેમણે શોષિત-વંચિત બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.


વર્ષ 1848 માં ફાતિમા શેખ અને સાવિત્રીબાઈફૂલેએ ભારતમાં કન્યાઓ માટે પ્રથમ શાળાની સ્થાપના કરી હતી.આ શાળા ફાતિમાના ઘરે ખોલવામાં આવી હતી અને તે તેના ભાઈ ઉસ્માન શેખ દ્વારા પણ ચલાવવામાં આવતી હતી.
________________________________________
સાવિત્રીબાઈ ફુલેનાં ગુમનામ રહી ગયેલાં સાથીદાર ફાતિમા શેખ :
સામાન્ય રીતે આપણે વડેરાઓના પરિવાર, સમાજ કે દેશ માટે સામાજિક યોગદાનની વાત કરીએ ત્યારે પુરુષોનાં કાર્યોની વાત જ આવતી હોય છે.સદીઓથી આ રીતે પુરુષોનાં કાર્યોને જ યોગદાન મનાતું રહ્યું છે. કુટુંબમાં સંકટ હોય ત્યારે તેને પાર ઉતારનાર મહિલાઓને યાદ કરાતાં નથી.એ જ રીતે સમાજ અને દેશના ઘડતરમાં પોતાનું જીવન ન્યોછાવર કરી દેનારા મોટાં ભાગનાં મહિલા ગુમનામ જ રહ્યાં છે. ઉદાહરણ તરીકે અમુક મહિલાઓનાં નામ ચોક્કસ ગણાવી શકાય છે.
જોકે, આ નામો થોડાં હશે, કેમ કે બાકીની હજારો નારીઓનાં પ્રદાનને નામોલ્લેખ વિના જ યાદ કરવું પડશે. અનેક સ્ત્રીઓ તો અનામ જ રહી ગઈ છે. કેટલાકના નામ જાણીએ છીએ, પણ બીજી કોઈ જાણકારી મળતી નથી.એટલું જ નહીં, ઘણા કિસ્સામાં એવું થયું છે કે મહિલાઓએ પોતાનાં કાર્યો વિશે લખ્યું ના હોત કે સાથી નારીઓને યાદ ના કર્યાં હોત તેમના ઇતિહાસનું નામનિશાન પણ ના રહ્યું હોત.ભારતના પિતૃસત્તાક સમાજની આ જ વાસ્તવિકતા છે.
આવાં જ આપણાં એક વડીલ મહિલા છે ફાતિમા શેખ, જેના વિશે છૂટક માહિતી મળ્યા કરે છે, પરંતુ વર્ષોના સંશોધન પછીય તેના જીવનની સંપૂર્ણ જાણકારી મળતી નથી.આપણે જોતિબા અને સાવિત્રીબાઈ ફુલે વિશે જાણીએ છીએ. જોતિબા સામાજિક ક્રાંતિમાં અગ્રેસર હતા અને વંચિતોના શિક્ષણ માટે તેમણે મોટું કામ કર્યું હતું.સાવિત્રીબાઈને આપણે ભારતનાં પ્રથમ શિક્ષિકા તરીકે યાદ કરીએ છીએ. ક્રાંતિજ્યોતિ માને છે કે જો સાવિત્રીબાઈ પોતે જ એવું કહે કે તેમની ગેરહાજરીમાં આ નારી કામ સંભાળી લેશે તો તે મોટી વાત કહેવાય. તે નારીનું મહત્ત્વપણ જરાય ઓછું આંકી શકાય નહીં. એ નારી એટલી ફાતિમા શેખ.
સાવિત્રીબાઈના અભિયાનનાં સાથી :
---------------------------
સાવિત્રીભાઈના અભિયાનમાં અગત્યનાં સાથી ફાતિમા શેખ વિશે આપણે લગભગ કશું જાણતા નથી.સાવિત્રીબાઈ અને જોતિબા ફુલે પોતાના વિશે કેટલુક લખાણ છોડી ગયાં એટલે આપણે તેમના વિશે જાણી શક્યા છીએ.ફાતિમા શેખ માટે એવું કોઈ સાહિત્ય નથી મળતું કે આપણે તેમના વિશે જાણી શકીએ.ફાતિમા વિશે જાણવા માટે હાલમાં રસ વધ્યો છે. જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ વિશે જાણનારા લોકો પાસે પણ ફાતિમા વિશે વધુ માહિતી નથી.તેથી જ તેમની સાથે જોડાયેલી વાતો અંગે કોઈ પ્રમાણ મળતા નથી.


જોકે કહાણીઓ જરૂર મળે છે. પણ તે માથામેળ વિનાની હોય છે. કોઈ તેને ઉસ્માન શેખનાં બહેન કહે છે. સામાજિક કાર્યો બદલ પિતાએ તેમને ઘરેથી કાઢી મૂક્યાં ત્યારે ઉસ્માન શેખે તેમને આશરો આપ્યો હતો. પરંતુ ઉસ્માન શેખ વિશે પણ જાણકારી મળતી નથી.
આમ છતાં તેમની બાબતમાં રસ પડે તેમ છે. ફાતિમા શેખ વિશેની માહિતી સાવિત્રીબાઈ ફુલેના માધ્યમથી જ મળે છે. એટલે કે એક સ્ત્રીના માધ્યમથી જ બીજી સ્ત્રીના યોગદાનની વાત આપણા સુધી પહોંચે છે.
સાવિત્રીબાઈ તરફથી એક અગત્યની માહિતી આપણને મળે છે. 'સાવિત્રીબાઈ ફુલે સમગ્ર વાંગ્મય'માં એક તસવીર છે. સાવિત્રીબાઈની બાજુમાં એક મહિલા બેઠેલાં છે, જે ફાતિમા શેખ છે. પરંતુ આ તસવીર ક્યાંની છે તેની ખરાઈ કેવી રીતે કરવી?
ઐતિહાસિક તસવીર અને ફાતિમા શેખ :
------------------------------
'સાવિત્રીબાઈ ફુલે સમગ્ર વાંગ્મય'ના સંપાદક ડૉક્ટર એમ.જી. માલીએ પ્રસ્તાવનામાં એક મહત્ત્વની માહિતી આપી છે.
આ તસવીર વર્ષો પહેલાં પૂણેથી પ્રકાશિત થતા સામયિક 'મજૂર'માં છપાઈ હતી. આ સામયિક 1924થી 1930 સુધી પ્રગટ થતું હતું. તેનું સંપાદન રા. ના. લાડ એટલે કે આર.એન. લાડ કરતા હતા.માલીને આ તસવીર દ. સ. ઝોડગે એટલે કે ડી. એસ. ઝોડગે પાસેથી મળી હતી. ઝોડગે પણ થોડો સમય સામયિકના સંપાદક તરીકે હતા. તસવીર વિશેની માહિતી પણ ઝોડગે તરફથી જ મળેલી છે.

ડૉ. માલીના જણાવ્યા અનુસાર, 'લોખંડે નામના એક મિશનરીના પ્રસિદ્ધ પુસ્તકમાં સાવિત્રીબાઈનો એક ગ્રૂપ ફોટો પ્રગટ થયો હતો. તે પુસ્તકની તસવીર અને મજૂર સામયિકની તસવીર એક સરખી હતી.તે ગ્રૂપ ફોટોમાંથી જ સાવિત્રીબાઈની તસવીર કાઢવામાં આવી છે. 1966માં પ્રોફેસર લીલા પાંડેના પુસ્તક 'મહારાષ્ટ્ર કર્તૃત્વશાલિની'માં તે તસવીર છપાઈ. તે પુસ્તકમાં એક રેખાચિત્ર પણ હતું. રેખાચિત્ર અને તે તસવીર વચ્ચે ખાસ કોઈ ફરક નથી.મેં આ તસવીર સિવાય અન્ય તસવીરોની પણ તપાસ કરી. પૂણેના એકનાથ સોલકર પાસે પણ કેટલીક નૅગેટિવ હતી. ઝોડગેને પણ તેમની પાસેથી જ નૅગેટિવ મળી હતી. તે નૅગેટિવમાંથી જ સાવિત્રીબાઈ અને ફાતિમા શેખનીતસવીર મળી હતી. આ એકસો વર્ષ જૂની નૅગેટિવમાંથી તૈયાર થયેલી દુર્લભ તસવીર છે.'આ તસવીર જો પ્રગટ ના થઈ હોત તો ફાતિમા શેખની વાત જવા દો, સાવિત્રીબાઈની ઝલક પણ આપણને ક્યારેય જોવા ના મળી હોત. સાવિત્રીબાઈની પ્રચલિત છબી આ તસવીર પરથી લેવાયેલી છે. આ તસવીરના કારણે જસાવિત્રીબાઈ સાથે ફાતિમા શેખ પણ ઇતિહાસનું એક અગત્યનું પાત્ર બની શક્યાં છે.
પૂણેનું જર્જરિત મકાન અને ઇતિહાસ રચનારાં મહિલા :
---------------------------------------
પૂણેમાં મહાત્મા ફુલેએ કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી તે જર્જરિત મકાનની બહાર લગાવેલા બૉર્ડમાં પણ ફાતિમા શેખનો ઉલ્લેખ મળે છે. ખખડવા લાગેલી આ ઇમારતમાં અંદર નજર નાખીએ અને કલ્પના કરીએ ત્યારે સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ સમાં મહિલાઓ જમીન પર બેઠેલી કન્યાઓને ભણાવી રહ્યાં છે તેવું તાદૃશ્ય થવા લાગે છે.પોણા બસો વર્ષ પહેલાં આ જ ઇમારતમાં શરૂ થયેલી કન્યાશાળામાં ઐતિહાસિક પરિવર્તનનો પાયો નખાયો હતો. આ જ ઓરડાઓમાં સાવિત્રીબાઈ અને ફાતિમા શેખે કન્યાશિક્ષણની શરૂઆત કરી હતી.


આપણે જાણીએ છીએ કે દલિતો, વંચિતો અને સ્ત્રીઓને શિક્ષણ આપવા માટેના પ્રયાસોને કારણે ફુલે દંપતિ અને ખાસ કરીને સાવિત્રીબાઈને બહુ ભોગવવું પડ્યું હતું. વિરોધ, મેણાંટોણાં, અપમાન સહન કરવાં પડ્યાં હતાં.દેખીતી રીતે સામાજિક વિરોધ અને અપમાન ફાતિમા શેખે પણ સહન કરવા પડ્યાં હશે.
સાવિત્રીબાઈ પર પથ્થરો, છાણ, કીચડ ફેંકવામાં આવ્યાં અને મશ્કરીઓ કરવામાં આવી હતી તો શક્ય છે કે ફાતિમા શેખે પણ તે બધું સહન કરવું પડ્યું હશે. બીજું કે ફાતિમા શેખ જે સમાજમાંથી આવતા હતા તેના કારણે તેમની ભૂમિકા અગત્યની થઈ જાય છે.આ શાળા શરૂ થઈ તે સમય અને સાવિત્રીબાઈ જેટલી જ ઉંમર હોવાની શક્યતાના કારણે ફાતિમા શેખનો જન્મ અંદાજે 180-90 વર્ષ પહેલા થયો હશે. તેમનું કાર્યક્ષેત્ર અંગ્રેજોના જમાનાનું પૂણે રહ્યું હતું.
સાવિત્રીબાઈનો પત્ર :
---------------
હવે સૌથી અગત્યની વાત. આ છે ફાતિમા શેખ અને સાવિત્રીબાઈ ફુલેના બહેનપણાનો સૌથી મજબૂત પુરાવો.સાવિત્રીબાઈ પિયર ગયાં હતાં અને ત્યાં તેમની તબિયત ખરાબ થઈ હતી. તેઓ પૂણે આવી શકે તેમ નહોતાં.તે વખતે પૂણેમાં વંચિતો અને કન્યાઓ માટે ઘણી શાળાઓ ખૂલી ગઈ હતી. શિક્ષણકાર્ય વધી ગયું હતું અને તેના માટે જરૂરી હિંમતવાન શિક્ષકો પણ મળતા નહોતા. સાથે જ ફુલેની પણ તેમને ચિંતા હતી.
આવી ચિંતાઓ વચ્ચે 10 ઑક્ટોબર 1856 એટલે આજથી 164 વર્ષ પહેલાં 'સત્યરૂપ જોતિબા'ને તેમણે પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું, 'મારી ચિંતા ના કરો. ફાતિમાને મુશ્કેલી પડી રહી હશે. પણ તે તમને પરેશાન નહીં કરે અને કોઈ ફરિયાદ નહીં કરે.'ફાતિમાને શું મુશ્કેલીઓ હશે અને શા માટે તેઓ ફરિયાદ નહીં કરતાં હોય?આ શાળાના સંચાલનની વાત છે. એટલે કે ફાતિમા માત્ર શિક્ષિકા નથી, પરંતુ સાવિત્રીબાઈ સાથે ખભાથી ખભો મિલાવીને કન્યાઓને શિક્ષિત કરવાના અભિયાનમાં સાથી છે.જવાબદારીઓ લેવામાં તેઓ બરાબર ભાગીદાર અને સાથીદાર છે. પરંતુ દરેકનો પોતાનો સ્વભાવ હોય છે. તેથી જ તેઓ એકલા હાથે શાળાનું સંચાલન કરી રહ્યાં હતાં.આ પત્ર તેનો સૌથી મોટો પુરાવો છે.
ફાતિમા શેખ વિશેના આ ઉલ્લેખથી તેમની એક છબી ઊભી થાય છે.તે માત્ર કલ્પના નથી, પણ એક મક્કમ નારી હતાં તે સ્પષ્ટ થાય છે. સમાજના વિરોધ સામે ટક્કર લઈને વંચિતો અને સ્ત્રીઓ માટે લડી રહ્યા હતાં.સાવિત્રીબાઈને પ્રથમ શિક્ષિકા તરીકેનું બહુમાન મળતું હોય તો ફાતિમાને કેવી ઓળખ મળવી જોઈએ?તે પણ પ્રારંભિક શિક્ષિકા જ બન્યાં.તેમને કેટલાક પ્રથમ મુસ્લિમ શિક્ષિકા તરીકે ઓળખાવવા કોશિશ કરે છે.પરંતુ સવાલ એ છે કે સાવિત્રીબાઈ સાથે આવાં કોઈ વિશેષણો આપણે જોડતા નથી, તો ફાતિમા સાથે શા માટે જોડવા જોઈએ?
સૌજન્ય : નાસિરુદ્દીન (બીબીસી ગુજરાતી)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...