આજે આપણે જે ભારતમાં રહીએ છીએ તેમાં ધર્મ અને ધાર્મિક ઓળખે જાહેર જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે અને તે જાહેર અને નીતિગત નિર્ણયોને પ્રભાવિત કરી રહી છે. નાગરિકતા સંશોધન બિલ કેટલાક ધર્મોને અન્ય ધર્મો પર અગ્રતા આપે છે. બળાત્કાર અને અપહરણ જેવા ગુનાઓને પણ ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે. એકંદરે, દેશમાં જાહેર જીવનના કેન્દ્રમાં ધાર્મિક ઓળખ આવી ગઈ છે. જો ધર્મ, ધાર્મિક પ્રતીકો અને ધાર્મિક ઓળખના નામે નફરત ન ફેલાવવામાં આવી હોત તો કોઈ સમસ્યા ન હોત.થઈ રહ્યું છે એનાથી વિપરીત. કેટલાક ધાર્મિક સમુદાયોને બહિષ્કૃત કરવામાં આવી રહ્યા છે અને નફરતથી ઉપજેલા ગુનાઓ વધી રહ્યા છે. લગભગ દરેક સામાજિક અને રાજકીય ઘટનાક્રમને ધર્મ અને જાતિના ચશ્મા દ્વારા જોવામાં આવે છે. રાષ્ટ્રવાદને પણ ધર્મ સાથે જોડવામાં આવ્યો છે.
સત્તાની રાજકીય વિચારધારા લોકશાહીને નષ્ટ કરી રહી છે
આજના ભારત પર પ્રભુત્વ ધરાવતી રાજકીય વિચારધારા સમાજના એક હિસ્સાને બીજા દરજ્જાના નાગરિક માને છે અને લોકશાહીનો નાશ કરી રહી છે. આ વિચારધારા,શ્રેષ્ઠતા અને વર્ચસ્વની ધારણા પર આધારિત છે. આ વિચારધારાને મોટાભાગના ભારતીયો માટે સ્વીકાર્ય બનાવવા અને તેની શ્રેષ્ઠતાને યોગ્ય ઠેરવવા માટે, સર્વોપરિતાવાદીઓ વારંવાર તેમના એજંડા અનુસાર ઐતિહાસિક વ્યક્તિઓ, નાયકો અને ફિલસૂફોને ટાંકે છે અને તેમના પર કબજો જમાવવાનો પ્રયાસ કરે છે. એવું જ એક વ્યક્તિત્વ છે સ્વામી વિવેકાનંદ. એવા સમયે જ્યારે આપણો દેશ બહુમતીવાદ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સ્વામી વિવેકાનંદના ઉદાર વિચારોને યાદ કરવા હિતાવહ રહેશે.
સ્વામી વિવેકાનંદના વિચારો જટિલ હતા :
સ્વામી વિવેકાનંદ એક મહાન ચિંતક અને દાર્શનિક હતા. તેમનો જન્મ 1863માં બંગાળમાં થયો હતો. તેઓ અદ્વૈત દર્શનના ઘડવૈયા હતા. તેમના વિચારો જટિલ હતા અને તે સમયની સામાજિક-રાજકીય પરિસ્થિતિઓ પર આધારિત હતા.
તે સમયે સમાજ અધોગતિના માર્ગે હતો અને વિવિધ પ્રકારની અંધશ્રદ્ધાઓમાં ડૂબેલો હતો. વિવેકાનંદ આનાથી દુઃખી અને નારાજ હતા. તેઓ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનની ખરાબ અસરોથી પણ અજાણ ન હતા.
સ્વામી વિવેકાનંદનું સૌથી મોટું યોગદાન શું હતું?
સ્વામી વિવેકાનંદ હિંદુ ધર્મમાં સુધારો કરવા અને હિંદુઓમાં ગૌરવ અને આત્મવિશ્વાસની ભાવના જગાડવા માંગતા હતા. હિંદુ ધર્મ એક તરફ રૂઢિચુસ્તતા અને બીજી તરફ અંગ્રેજો દ્વારા દેશ પર લાદવામાં આવેલા પશ્ચિમી વિચારોથી પીડાતો હતો.
વિવેકાનંદનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે સંસ્થાનવાદી શાસનમાંથી આઝાદીની લડતને આધ્યાત્મિક આધાર આપ્યો અને હિન્દુ સમાજના નૈતિક અને સામાજિક રીતે ઉત્થાન માટે કામ કર્યું.
સ્વામી વિવેકાનંદનો રાષ્ટ્રવાદ અને સ્વામી વિવેકાનંદનું ભારત
વિવેકાનંદ રાષ્ટ્રવાદી હતા પરંતુ તેમનો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક અને કરુણાપૂર્ણ હતો.જ્યારે પણ તેઓ દેશના ભ્રમણ પર નિકળતા ત્યારે ગરીબી, અજ્ઞાનતા અને સામાજિક અસમાનતા જોઈને દુઃખી થતા હતા. તેઓ ભારતના લોકોને એક નવી ઉર્જાથી ભરવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે આધ્યાત્મિકતા, બલિદાન અને સેવાને રાષ્ટ્રવાદનો ભાગ બનાવવો જોઈએ. તેમણે ભારત માટે એક આધ્યાત્મિક લક્ષ્ય નક્કી કર્યું હતું.
તેમણે લખ્યું કે,
“દરેક રાષ્ટ્રનું એક ભાગ્ય હોય છે જેને તે પ્રાપ્ત થાય છે. દરેક રાષ્ટ્ર પાસે એક સંદેશ હોય છે જે તેણે પહોંચાડવાનો હોય છે. દરેક રાષ્ટ્રનું એક મિશન હોય છે જે તેણે હાંસલ કરવાનું હોય છે. આપણે આપણી નસ્લના મિશનને સમજવું પડશે. આપણે જે ભાગ્ય પ્રાપ્ત કરવું છે તેને આપણે સમજવું પડશે. રાષ્ટ્રોમાં આપણું શું સ્થાન હોય તે સમજવું પડશે અને વિવિધ સમુદાયોઓ વચ્ચે સંવાદિતા વધારવામાં આપણી ભૂમિકાને જાણવી પડશે.
વિવેકાનંદનો રાષ્ટ્રવાદ માનવતાવાદી અને સાર્વભૌમિક હતો. તે સંકુચિત કે આક્રમક ન હતો. તેઓ દેશને શાંતિ અને સંવાદિતા તરફ લઈ જવા માંગતા હતા.
તેઓ માનતા હતા કે માત્ર બ્રિટિશ સંસદ દ્વારા ઠરાવ પસાર કરવાથી ભારત સ્વતંત્ર નહીં થાય. આ સ્વતંત્રતા અર્થહીન હશે જો ભારતીયો તેની કિંમત નહીં સમજે અને તેના માટે તૈયાર નહીં હોય. ભારતની જનતાએ આઝાદી માટે તૈયાર રહેવું પડશે.
વિવેકાનંદ 'મનુષ્યોના નિર્માણમાં વિશ્વાસ' રાખતા હતા.તેના દ્વારા એમનો આશય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સનાતન મૂલ્યો પ્રત્યે વિશ્વાસ કેળવવાનો હતો. આ મૂલ્યો ચારિત્ર્યવાન મજબૂત નાગરિક અને સારા માનવીનો પાયો રચશે. આવી વ્યક્તિ પોતાની અને પોતાના દેશની મુક્તિ માટે લડશે. વિવેકાનંદ માનતા હતા કે શિક્ષણ એ આત્મનિર્ભરતા અને વૈશ્વિક બંધુત્વને પ્રોત્સાહન આપવાનું માધ્યમ હોવું જોઈએ.
ઘણીવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે વિવેકાનંદ હિંદુ ધર્મને અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ માનતા હતા.
વિવેકાનંદ એક ધર્મનિષ્ઠ હિંદુ હતા અને આધ્યાત્મિકતા દ્વારા રાષ્ટ્રવાદ તરફ આગળ વધવામાં માનતા હતા. આનો લાભ લઈને હિંદુ શ્રેષ્ઠતાવાદીઓએ વિવેકાનંદને તેમની વિઘટનકારી વિચારધારાના 'પોસ્ટર બોય' બનાવી દીધા છે.
વિવેકાનંદના કેટલાક અવતરણોને એમના સંદર્ભથી અલગ કરીને, તેઓ તેમના એજન્ડાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વિવેકાનંદના સ્મારક અને તેમના નામે એક સંગઠન બનાવી રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ વિવેકાનંદ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલીને સેવા અને રાષ્ટ્ર નિર્માણ કરી રહ્યા છે.
હિંદુ સર્વોપરિતાવાદીઓ વિવેકાનંદને હિંદુ રાષ્ટ્રવાદના પ્રબળ પ્રવક્તા, હિંદુ સર્વોપરિતાના પ્રતિપાદક,ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મથી હિંદુ ધર્મના રક્ષક તરીકે વર્ણવે છે. આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.
વિવેકાનંદ માત્ર એ સ્વીકાર જ નથી કરતા કે ભારતમાં વિવિધ ધર્મો એક સાથે રહે છે, પરંતુ તેઓ એમ પણ કહે છે કે આમ કરવું ઇચ્છનીય અને યોગ્ય છે. શિકાગોમાં આયોજિત વિશ્વ ધાર્મિક સંસદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે
“ધાર્મિક એકતાનો સામાન્ય આધાર શું હોવો જોઈએ તેના પર ઘણું કહેવામાં આવ્યું છે. હું આ બાબતે મારો સિદ્ધાંત રજૂ કરવા નથી જઈ રહ્યો. પણ જો અહીં હાજર લોકોમાંથી કોઈ એવું માનતો હોય કે આ એકતા એક ધર્મની જીતથી અને બીજા ધર્મોના વિનાશથી સ્થાપિત થશે, તો હું તેને કહીશ કે 'ભાઈ, તમે એક ક્યારે પુરી ન થવાની આશા પાળીને બેઠા છો'.
“ન તો એક ખ્રિસ્તીએ હિન્દુ કે બૌદ્ધ બનવાની જરૂર છે, ન તો હિન્દુ અને બૌદ્ધને ખ્રિસ્તી બનવાની જરૂર છે. પરંતુ આ બધાએ અન્ય ધર્મોની મૂળ ભાવનાને આત્મસાત કરવી પડશે અને સાથે સાથે તેમની વૈયક્તિકતાને પણ સુરક્ષિત રાખવી પડશે. જો વિશ્વ ધર્મ સંસદે વિશ્વને કંઈપણ બતાવ્યું હોય, તો તે છે: તેણે વિશ્વને સાબિત કર્યું છે કે વિશ્વમાં કોઈ પણ ચર્ચનો પવિત્રતા, શુદ્ધતા અને દાન પર એકાધિકાર નથી, અને દરેક ધર્મે ઉત્કૃષ્ટ ચારિત્ર્યના પુરુષો અને સ્ત્રીઓને જન્મ આપ્યો છે."
આ પ્રમાણ હોવા છતાં, જો કોઈ સ્વપ્ન જુએ છે કે ફક્ત તેનો ધર્મ જ બચશે અને અન્ય ધર્મો નાશ પામશે, તો હું મારા હૃદયના ઊંડાણથી તેના પર દયા કરું છું. હું તેમને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં, વિરોધ હોવા છતાં, દરેક ધર્મના ધ્વજ પર 'મદદ કરો, લડશો નહીં', 'આત્મસાત કરો,વિધ્વંસ ન કરો', 'સૌહાર્દ અને શાંતિ નહીં કે ઝઘડા અને મતભેદ' જેવા શબ્દો હશે.
આ રીતે, તેઓ માનતા હતા કે બધા ધર્મો સમાન નૈતિક મૂલ્યો ધરાવે છે. તેઓ એવું પણ માનતા હતા કે બધા એકબીજા પાસેથી શીખીને બધા ધર્મો એક સાથે આગળ વધી શકે છે.
તેઓ એમ પણ માનતા હતા કે તમામ ધર્મોના અનુયાયીઓમાં ઉચ્ચ ચારિત્ર્યના સારા મનુષ્યો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક ધર્મ સારા લોકોને જન્મ આપે છે. આ સંદેશ આપણા આજના ધાર્મિક આધાર પર ધ્રુવીકૃત સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આજે એક ચોક્કસ ધર્મ વિશેષના અનુયાયીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક ધર્મને બીજા ધર્મ કરતાં નીચો બતાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક પ્રતીકો અને કર્મકાંડોના અંતરને અતિશયોક્તિભર્યો બતાવવામાં આવી રહ્યો છે.
વિવેકાનંદ કહેતા હતા કે અલગ-અલગ ધર્મોના પ્રતીકો ભલે અલગ-અલગ હોય, પરંતુ તેમનો સાર એક જ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંદુ ધર્મે ખાસ કરીને આ વિવિધતાને માન્યતા આપી છે અને આ વાસ્તવિકતાને સમજી છે.
"વિવિધતામાં એકતા એ કુદરતનો નિયમ છે અને હિંદુએ તેને જાણી લીધું છે. અન્ય તમામ ધર્મો અમુક રીત-રિવાજોનું સમર્થન કરે છે અને સમાજને તેમને અપનાવવા દબાણ કરે છે. તેઓ સમાજની સામે એક કોટ મૂકે છે જે જેક, જોન અને હેનરી, તે ત્રણેયને ફિટ થવું જોઈએ. જો જ્હોન અથવા હેનરી કોટમાં ફિટ ન થાય, તો તેમણે કોટ વિના જ રહેવું પડશે. હિંદુઓ એવી લાગણી ધરાવે છે કે પરમને પામવા, તેના વિશે વિચારવા અથવા તેના વિશે વાત કરવા માટે સાપેક્ષતા જરૂરી છે. અને એ પણ કે દેવતાઓની મૂર્તિઓ, ક્રોસ અને અર્ધચંદ્રાકાર, માત્ર પ્રતીકો છે - તે એવા ખૂંટા છે જેના પર આધ્યાત્મિક વિચારો લટકાવી શકાય છે."
“હિંદુ માટે, ધર્મોની દુનિયા એક એવી જગ્યા છે જ્યાં સ્ત્રી અને પુરૂષો, વિવિધ સંજોગોમાંથી પસાર થઈને, એક જ ધ્યેય તરફ આગળ વધી રહ્યા છે. દરેક ધર્મ માણસમાંથી ઈશ્વરનો વિકાસ કરવા માંગે છે અને એ જ ઈશ્વર ધર્મોનો પ્રેરણા સ્ત્રોત છે. તો પછી આટલા બધા વિરોધાભાસ શા માટે છે? હિંદુ માટે, તે માત્ર આભાસી છે. આ વિરોધાભાસ એટલા માટે છે કારણ કે એક જ સત્ય અલગ-અલગ સંજોગોમાં અલગ-અલગ સ્વરૂપ લે છે."
તેઓ કહે છે કે હિંદુ ધર્મ અને ઇસ્લામ વચ્ચેના સુમેળભર્યા સંબંધોમાં ભારતનું ભવિષ્ય રહેલું છે. તેઓ એવું ભારત ઈચ્છે છે જેની 'બુદ્ધિ વેદાંત અને શરીર ઈસ્લામ હોય'.
તેઓ લખે છે કે,
“ભલે આપણે તેને વેદાંતવાદ કહીએ કે અન્ય કોઈ વાદ, પરંતુ સત્ય એ છે કે અદ્વૈતવાદ એ ધર્મની બાબતમાં અંતિમ સત્ય છે. તે આપણને બધા ધર્મો અને સંપ્રદાયો માટે પ્રેમ રાખવાનું શીખવે છે. હું માનું છું કે ભવિષ્યની પ્રબુદ્ધ માનવતાનો આ જ ધર્મ હશે. આ સત્ય અન્ય સમુદાયો કરતાં વહેલા પહોંચવાનો શ્રેય હિંદુઓને આપવામાં આવે છે, પરંતુ તેનું કારણ એ છે કે હિંદુઓ યહૂદીઓ અથવા આરબો કરતાં ઘણી જૂની જાતિ છે. પરંતુ સમગ્ર માનવતાને એક જ માનવાનો વિચાર માત્ર હિંદુ છે એવું માનવું ખોટું હશે."
“મારો અનુભવ છે કે જો કોઈ ધર્મ સમાનતાના આદર્શની સૌથી નજીક આવ્યો હોય તો તે ઈસ્લામ અને માત્ર ઈસ્લામ છે. હું માનું છું કે વ્યવહારિક ઇસ્લામ વિના, વેદાંતના સિદ્ધાંતો ભલે ગમે તેટલા ઉત્કૃષ્ટ અને અદ્ભુત કેમ ના હોય, માનવતા માટે નકામા છે.આપણે માનવતાને એવી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ જ્યાં કોઈ વેદ, બાઈબલ કે કુરાન ન હોય,પરંતુ આ ફક્ત વેદ, બાઈબલ અને કુરાન સાથે સુમેળથી જ થઈ શકે છે. માનવતાને આપણે શીખવવાનું છે કે વિવિધ ધર્મો એક જ ધર્મની જુદી જુદી અભિવ્યક્તિ છે. બે મહાન ધર્મોનો સંગમ એ આપણી માતૃભૂમિ માટે એકમાત્ર આશા છે - વેદાંત બુદ્ધિ અને ઇસ્લામિક શરીર.
''હું મારા મન-નજરથી જોઈ શકું છું કે વર્તમાન અરાજકતા અને કલહમાંથી એક મહાન અને અજેય ભારતનો ઉદય થશે, જેની બુદ્ધિ વેદાંત અને શરીર હશે, ઈસ્લામ."
વિવેકાનંદ સેવા કરવાનું શીખવા હતા. તેમના જીવનનું ધ્યેય ગરીબ અને દબેલા-કચડાયેલા લોકોની સેવા કરવાનું હતું. તેથી જ તેમને પ્રથમ હિન્દુ મિશનરી કહેવામાં આવે છે. તેમનો મૂળભૂત સંદેશ જાતિ, વર્ગ કે લિંગના ભેદભાવ વિના સૌની સેવા કરવાનો હતો. તેઓ માનતા હતા કે ભગવાન દરેક મનુષ્યમાં રહે છે. અન્યની સેવા કરવાથી માનવતાવાદ મજબૂત થાય છે. તેઓ માનતા હતા કે ગરીબોની સેવા કર્યા વિના રાષ્ટ્ર નિર્માણ થઈ શકતું નથી. તે માણસની સ્વાર્થી અને સ્વકેન્દ્રી વૃત્તિઓની વિરુદ્ધ હતા. તેઓ તમામ પ્રકારના શોષણની વિરુદ્ધ હતા.
એકંદરે, આપણે વિવેકાનંદની ફિલસૂફીને માનવતાવાદ કહી શકીએ.
વિવેકાનંદ ઈચ્છતા હતા કે ભારતીયો સારા માનવી બને. તેઓ ઉદાર, દયાળુ, બીજાઓને પ્રેમ કરતા, દરેકને સ્વીકારવા - ગળે લગાવવા તૈયાર અને વ્યવહાર ગરિમાપૂર્ણ હોય. તેમણે ભારતીયોમાં આ ઉદાર અને સાર્વભૌમિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મ પસંદ કર્યો. હિંદુ ધર્મને તે સમયે વસાહતી સત્તા તેમજ જાતિ વ્યવસ્થા અને રૂઢિચુસ્તતા સાથે સંઘર્ષ કરવાનો હતો. એવું લાગી શકે છે કે વિવેકાનંદ હિંદુ ધર્મને અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ માનતા હતા,પરંતુ તેમનો મુખ્ય સંદેશ સમાવેશીતાનો છે.તમામ ધર્મોના મૂળ એકતાની જે વાત તેઓ કરતા હતા. તે આજના સંજોગોમાં જ્યારે માણસ માણસનો દુશ્મન બની ગયો છે,ત્યારે દવા તરીકેનું કામ કરી શકે છે. તેમનું ભારત અને તેમનો રાષ્ટ્રવાદ બીજાઓ પ્રત્યે નફરત ફેલાવતો નથી. તેમનો રાષ્ટ્રવાદ ભારતીયોને શ્રેષ્ઠ માનવી બનાવે છે. આજના અશાંતિ, કડવાશ અને હિંસાથી ભરેલા વાતાવરણમાં વિવેકાનંદનો અવાજ શાણપણનો અવાજ લાગે છે.
Comments
Post a Comment