વિશ્વમાં અનેક ધર્મ, ઉપાસકો, મહાપુરૃષો થઈ ગયા છે. દરેકની પાસેથી માનવજાતને કંઈક નવું જ્ઞાન, નવી દિશા પ્રાપ્ત થતી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન અદ્વિતીય છે. ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના ઉપાસક એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.
સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે.મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે ઃ મારું જીવન એ જ મારો સંદેશ છે.શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.
એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈ સાથે લગ્ન કર્યા.
ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવારના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.
ઉમટે હજારો લોક સૌ, વીરપુર પાવન ધામમાં
શ્રધ્ધા ફળે સહુની સદાયે, સંત જલારામમાં.
જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રધ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેમના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.
તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.
સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને વીરબાઈને પ્રણામ...
સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતિક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના રોજ લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.
Comments
Post a Comment