મહારાષ્ટ્રની સાથે સમગ્ર દેશમાં શિવાજી જયંતિ બધે જ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.લોકમાન્ય ટિળકે આ ઉત્સવ શરૂ કરાવેલું.વર્તમાનમાં જનમાનસમાં શિવાજી મુસ્લિમ વિરોધી હતા એવું ઠુંસવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે."તેમના જીવનનું મુખ્ય કામ મુસ્લિમ ધર્મનો વિરોધ કરવાનું અને હિન્દુ ધર્મનું રક્ષણ અને ધર્મપ્રતિપાલકનું હતું." "એ હિંદુ ધર્મ રક્ષક હતા" "હિન્દુ પદ બાદશાહ હતા." "ગોબ્રાહ્મણ પ્રતિપાળ હતા" - એવી છાપ વિશાળ જનમાનસ ઉપર છે.
ઐતિહાસિક તથ્યોને આધારે આ બધા વિધાનો બરાબર તપાસી લેવા જોઈએ.આપણે હિન્દુ છીએ તેથી અથવા આ વિધાનો આપણને અત્યારે ઉપયોગી થઈ પડે એમ છે તેથી એને આંખો મીંચીને સ્વીકારી લેવાનું વલણ યોગ્ય નથી. અથવા સામે પક્ષે આપણે મુસ્લિમ છીએ. હિન્દુઓનો વિરોધ કરવાનું મુસ્લિમોને શીખવવું એ આપણી આજની જરૂરિયાત છે.ઘણા હિન્દુઓ શિવાજી મહારાજનો જય જય કાર કરે છે જેથી આપણે ય કોઈ જ સંશોધન કર્યા સિવાય જ એમ કહેવું કે શિવાજી હિન્દુ ધર્મના રક્ષક અને મુસ્લિમ ધર્મ વિરોધી હતા - આ દ્રષ્ટિકોણ પણ એટલો જ ભૂલભરેલો છે.
શિવાજીના મુસ્લિમ સરદારો :
શિવાજીના દરબારમાં પણ અનેક મુસ્લિમ સરદાર, વતનદાર અને બીજા ચાકરો હતા.તેઓ ઘણા ઊંચા હોદ્દાઓ અને જવાબદાર જગ્યાઓ પર હતા.
શિવાજીના તોપખાનાનો ઉપરી એક મુસ્લિમ હતો,જેનું નામ ઇબ્રાહિમ.તોપખાનું એટલે લશ્કરનું એક મહત્વનું અંગ કદાચ - સૌથી વધુ અગત્ય ધરાવતું અંગ. તોપ એ કાળનું સૌથી આધુનિક શસ્ત્ર હતું.કિલ્લાની લડાઈમાં તેનું મહત્વ ઘણું હતું. આવા મહત્વના તોપખાનાનો ઉપરી એક મુસલમાન હતો.
છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘદ્રષ્ટિના ઉદાહરણ તરીકે તેમણે કરેલી નૌકાદળની રચનાનું ઉદાહરણ આપવામાં આવે છે.કોંકણપટ્ટીના વિશાળ ભૂભાગને સમુદ્રનું સાનિધ્ય સાંપડ્યું છે.આ આખા ભાગનું રક્ષણ કરવા માટે નૌકાદળ જરૂરી હતું.શિવાજીએ તે કર્યું.આવા અત્યંત મહત્વના સૈન્યનો ઉપરી પણ એક મુસ્લિમ સરદાર હતો - દર્યાસારંગ દોલતખાન.
શિવાજીના ખાસ અંગરક્ષક દળમાં તેમજ ખાનગી નોકરોમાં અત્યંત વિશ્વાસુઓમાં મદારી મ્હેતરનો સમાવેશ થતો હતો.આગ્રાની કેદમાંથી છૂટવાના નાટ્યાત્મક પ્રસંગમાં આ વિશ્વાસુ મુસ્લિમ સાથીદારે શિવાજીને સારું સાથ આપ્યો? જો શિવાજી મુસ્લિમ વિરોધી હોત તો આવું જ થયું હોત ખરું?
શિવાજીના રાજ્યમાં આવા અનેક મુસલમાન ચાકરો હતા.એમાં કાઝી હૈદર નામે એક હતો.સાલેરીની લડાઈ પછી ઔરંગઝેબના દક્ષિણમાંના આ અધિકારીઓએ શિવાજી સાથે મૈત્રીનો કોલ એક બ્રાહ્મણ વકીલ દ્વારા મોકલ્યો.ત્યારે શિવાજીએ પોતાના દૂત તરીકે કાઝી હૈદરને મોગલો પાસે મોકલ્યા.એટલે કે મુસ્લિમોનો દૂત હિન્દુ અને હિન્દુઓનો દૂત મુસ્લિમ. તે સમયના સમાજનું વિભાજન જો હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ હોત તો આવું થયું ન હોત.
સિદ્દી હિલાલ પણ શિવાજીનો એવો જ બીજો મુસ્લિમ સરદાર હતો. ઈ. સ. ૧૬૬૦ માં રૂસ્તુમજમા અને ફાજલખાનને શિવાજીએ રાયબાગ પાસે હરાવ્યા.તે વખતે સિદ્દી હિલાલે શિવાજીને મદદ કરી.એ જ વર્ષમાં સિદ્દી જોહરે પન્હાળગઢને ઘેરો ઘાલ્યો હતો,ત્યારે નેતાજી પાલકરે તેના સૈન્ય પર હુમલો કરી ઘેરો ઉડાવવાનો પ્રયત્ન કર્યો.એ યુદ્ધમાં નેતાજી પાલકર સાથે સીદ્દી હિલાલ અને તેનો દીકરો, બંને હતા.ઝપાઝપીમાં હિલાલનો પુત્ર વાહવાડ જખ્મી થઈ ,કેદ થયો. હિન્દુ શિવાજીની બાજુથી મુસ્લિમ સિદ્દી હિલાલ પોતાના દીકરા સહિત મુસ્લિમો સાથે સામે લડ્યો.
જો એ લડાઈનું સ્વરૂપ હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ હોત તો આવું થયું હોત ખરું? 'સભાસદ બખરી' ના પાના નં. ૭૬ પર શિવાજીના અન્ય એક મુસ્લિમ સરદારનો ઉલ્લેખ છે. તેનું નામ શામાખાન. "રાજવાડ્યાંચ્યા મરાઠયાંચ્યા ઇતિહાસાચી સાધનં" નામના ગ્રંથના ખંડ-૧૭ ના પાના નં.૧૭ પર નૂરખાન બેગનો ઉલ્લેખ શિવાજી નાં સરસેનાપતિ તરીકેનો છે.
આ બધા સરદારો એકલા ન હતા,એ તો સ્પષ્ટ જ છે. પોતાની સાથેના મુસ્લિમ સિપાહીઓ સહિત એ લોકો શિવાજીની ચાકરીમાં હતા.
પણ આ બધાથી વધુ મહત્વનો બીજો એક પુરાવો છે. એ ઉપરથી મુસ્લિમ સિપાહીઓ અંગેના શિવાજીના વલણનો ખ્યાલ આવે છે.
રિયાસતકાર સરદેસાઈના પુસ્તક 'શકકર્તા શિવાજી' માંનો ઉતારો -
".... ઈ. સ. ૧૬૫૮ના અરસામાં વિજાપુર લશ્કરના ૫૦૦-૭૦૦ પઠાણ શિવાજી પાસે નોકરી માટે આવ્યા.ગોમાજી નાઈક પાનસાંબળેએ શિવાજીને એ અંગે પોતાની સલાહ આપી જે શિવાજીને યોગ્ય લાગતાં, સ્વીકારી.અને પછી એમણે એ ધોરણ કાયમ રાખ્યું. નાઈકે તેમને આવી સલાહ આપી હતી."તમારી ખ્યાતિ સાંભળીને આ લોકો આવ્યા છે - એમને પાછા કાઢવા ઠીક નહીં.હિન્દુઓને જ રાખવા ને બીજાઓની દરકાર ન કરવી,એવું વલણ રાખશો તો રાજ મળશે નહીં.ચાર વર્ણ અને અઢાર જ્ઞાતિને પોતપોતાનો ધર્મ પાળવા દઈ તેમને ભેગા રાખવાથી જ રાજ ચલાવી શકાશે."
૧૬૫૮ સુધી શિવાજીનું સંપૂર્ણ રાજ્ય સ્થપાયું ન હતું. રાજ્ય સ્થાપવા માટે કયા ધોરણો હતા એ ઉપરના પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે.
ગ્રાંન્ડ ડફને પણ પોતાના શિવાજી-ચરિત્રના પાના નં. ૧૨૯ પર ગોમાજી નાઈકની સલાહનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, "એ પછી શિવાજીએ પોતાના સૈન્યમાં મુસ્લિમોને પણ સમાવી લીધા અને રાજ્યની સ્થાપનામાં તેનો ઘણો ફાયદો થયો."
શિવાજીના સરદાર અને શિવાજીનું સૈન્ય માત્ર હિન્દુઓને જ નહોતું પણ એમાં મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો,એ આ ઉપરથી સ્પષ્ટ થાય છે.શિવાજી મુસ્લિમ ધર્મનો નાશ કરવાનું કામ જ કરતા હોત તો આ મુસ્લિમો શિવાજી પાસે રહ્યા ન હોત.શિવાજી તો મુસ્લિમ રાજાઓના જુલમી રાજનો નાશ કરવા નીકળ્યા હતા. તેથી મુસ્લિમો પણ એમના આ કાર્યમાં સહભાગી થયા. ધર્મ એ મુખ્ય પ્રશ્ન ન હતો.રાજ્ય મહત્વનો પ્રશ્ન હતો.
સૌજન્ય : નોખો રાજવી શિવાજી (લેખક : બી. ગોવિંદ પાનસરે, અનુવાદ : જગદીશ પટેલ)
Comments
Post a Comment