શ્રીમતી કસ્તુરબા ગાંધી નથી રહ્યાં. ૭૪ વર્ષની ઉંમરે પૂનામાં અંગ્રેજોની જેલમાં તેમનું મૃત્યુ થયું. કસ્તુરબાના અવસાન ટાણે દેશના ૩૮ કરોડ ૮૦ લાખ અને વિદેશોમાં વસતા દેશવાસીઓના ઊંડા શોકમાં હું પણ સહભાગી છું. તેમનું મૃત્યુ દુઃખદ પરિસ્થિતિઓમાં થયું. પરંતુ,એક ગુલામ દેશના રહેવાસી માટે કોઈપણ મૃત્યુ આટલું સન્માનજનક અને આટલું ગૌરવશાળી ન હોઈ શકે. હિન્દુસ્તાનને એક અંગત નુકસાન થયું છે. દોઢ વર્ષ પહેલા જ્યારે મહાત્મા ગાંધીને પુનામાં કેદ કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે બા પણ બીજા કેદી હતા અને ગાંધીજીની નજરો સામે તેમનું મૃત્યુ થયું. પહેલા કેદી મહાદેવ દેસાઈ હતા,જેઓ આજીવન તેમના સહકર્મી અને અંગત સચિવ હતાં. આ બીજું વ્યક્તિગત નુકસાન હતું જે મહાત્મા ગાંધીએ પોતાના જેલવાસ દરમિયાન ભોગવ્યું.
હિન્દુસ્તાનીઓ માટે મા સમાન એવી આ મહિલાને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દુઃખની આ ઘડીએ ગાંધીજી પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
મારું સદભાગ્ય હતું કે હું અનેકવાર શ્રીમતી કસ્તુરબાના સંપર્કમાં આવ્યો .તેઓ ભારતીય સ્ત્રીત્વના આદર્શ હતાં : શક્તિશાળી,ધૈર્યવાન,શાંત અને આત્મનિર્ભર. કસ્તુરબા હિન્દુસ્તાનની એ લાખો દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત હતાં, કે જેમની સાથે તેઓ રહેતાં હતાં, અને જેમને પોતાની માતૃભૂમિ ના સ્વાતંત્ર સંગ્રામ વખતે મળ્યા હતાં.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પછી તેઓ પોતાના પતિની સાથે પરીક્ષાઓ અને મુશ્કેલીઓમાં સામેલ હતાં અને આ સામિપ્ય 30 વર્ષ સુધી ચાલ્યું. અનેકવાર જેલ જવાના કારણે તેમનું આરોગ્ય કથળ્યું, પણ પોતાના 74મા વર્ષમાં પણ તેમને જેલ જવાનો થોડો પણ ડર ન લાગ્યો.મહાત્મા ગાંધીએ જ્યારે પણ સવિનય કાનૂન ભંગ આંદોલન ચલાવ્યું ,ત્યારે કસ્તુરબા એ સંઘર્ષની પ્રથમ હરોળમાં તેમની સાથે ઊભાં રહ્યાં.
હિન્દુસ્તાનની દીકરીઓ માટે એક અનન્ય ઉદાહરણ અને દીકરાઓ માટે એક પડકાર. તેઓ પણ આઝાદીની લડાઈમાં પોતાની બહેનો થી પાછળ ન રહે એ કસ્તુરબાનો સંદેશ હતો.
કસ્તુરબાએ શહીદીનું મૃત્યુ વહોર્યું. ચાર મહિનાથી તેઓ હૃદયરોગથી પીડાતા હતા માનવતાના નાતે કસ્તુરબાના ખરાબ આરોગ્યને ધ્યાનમાં રાખી તેમને જેલમાંથી મુક્ત કરવાની હિન્દુસ્તાન રાષ્ટ્રની અપીલની પણ સંવેદનહીન અંગ્રેજ સરકારે દરકાર ન લીધી.
કદાચ અંગ્રેજો એવી આશા રાખીને બેઠા હતા કે, મહાત્મા ગાંધી ને માનસિક પીડા પહોંચાડી ને તેઓ તેમના શરીર અને આત્માને તોડી શકશે,અને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરી શકશે .અંગ્રેજો માટે હું ફક્ત આરી ધૃણા વ્યક્ત કરી શકું છું. જે દાવો તો આઝાદી, ન્યાય અને નૈતિકતાનો કરે છે, પણ ખરેખર તો આવી નિર્મમ હત્યાના દોષી છે. તેઓ હિન્દુસ્તાનીઓને સમજી નથી શક્યા. મહાત્મા ગાંધી કે હિન્દુસ્તાની રાષ્ટ્રોને અંગ્રેજો ભલે ગમે તેટલી માનસિક પીડા કે શારીરિક તકલીફો પહોંચાડે,તેઓ ક્યારેય ગાંધીજીને પોતાના અડગ નિર્ણયથી એક ઈંચ પણ પાછળ નહીં હટાવી શકે.
મહાત્મા ગાંધીએ અંગ્રેજોને હિન્દુસ્તાન છોડવાનું કહ્યું અને એક આધુનિક યુદ્ધની ભયાનકતાથી આ દેશને બચાવવાનું કહ્યું. અંગ્રેજોએ તેનો ખૂબ ઉદ્ધત અને અપમાનજનક જવાબ આપ્યો અને ગાંધીજીને એક સામાન્ય અપરાધીની જેમ જેલમાં નાખી દીધા. તેઓ અને તેમના મહાન પત્ની જેલમાં મરી જવા માટે તૈયાર હતા, પરંતુ એક પરતંત્ર દેશમાં જેલમાંથી બહાર આવવા માટે તૈયાર ન હતા. અંગ્રેજોએ નક્કી કરી લીધું હતું કે કસ્તુરબા જેલમાં પોતાના પતિની આંખો સામે હ્યદયરોગથી દમ તોડે. અપરાધીઓ જેવી તેમની ઈચ્છા પૂરી થઈ. આ મૃત્યુ હત્યાથી ઓછું નથી પરંતુ દેશ-વિદેશમાં રહેનારા આપણે હિન્દુસ્તાનીઓ માટે શ્રીમતી કસ્તુરબાનું દુઃખદ અવસાન એક ભયાનક ચેતવણી છે કે, એક એક કરી ને આપણા નેતાઓ ને મારવાનો હ્યદયહીન નિશ્ચય કરી ચૂક્યા છે. જ્યાં સુધી અંગ્રેજો હિન્દુસ્તાનમાં છે ત્યાં સુધી તેમના અત્યાચારો થતા રહેશે. અંગ્રેજોના સામ્રાજ્યને હિન્દુસ્તાનમાંથી પૂરેપૂરું નષ્ટ કરી દેવું એ જ એકમાત્ર રીત છે કસ્તુરબાના મૃત્યુનો બદલો લેવાની.
પૂર્વ એશિયામાં રહેનારાં એ હિન્દુસ્તાનવાસીઓ ના ખભા પર આ એક વિશેષ જવાબદારી આવી છે કે જેમણે હિન્દુસ્તાનના અંગ્રેજ શાસકો વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધ શરૂ કરી દીધું છે.
અહીં રહેનારા બધા જ બહેનો ની પણ એ ફરજ છે કે, આમાં ભાગ લે. દુઃખની આ પળોમાં અમે ફરી એકવાર આ પવિત્ર પ્રતિજ્ઞા દોહરાવીએ કે "આપણે આપણો સશસ્ત્ર સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રાખીશું, જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા અંગ્રેજને પણ ભારતમાંથી ભગાડી દેવામાં ન આવે."
( નેતાજી સંપૂર્ણ વાગ્મય પાના નં ૧૭૭-૧૭૮ માંથી)
સાભાર લોક સ્વરાજ
Comments
Post a Comment