Skip to main content

દીનબંધુ : ચાર્લ્સ એન્ડ્રુઝ


ઈંગ્લેન્ડના વતની ૧૨ ફેબ્રુઆરી ૧૮૭૧ના દિવસે જન્મેલા ચાર્લ્સ એન્ડ્રુઝને સૌ C.F ના નામે ઓળખે.કેમ્બ્રિજની સર્વોચ્ચ ડિગ્રી મેળવી અધ્યાપન કાર્ય ત્યાં જ કર્યું.નાનપણથી જ ભારત પ્રત્યે ખેંચાણ હોવાથી એમની માઁ ને કહેતા કે : 'માં હું હિંદુસ્તાન જઈશ.' પાદરી અને મિત્ર એવા બેસિલ વેસ્ટકોટ ભારતની વિશેષતાઓ વિશે ઘણીવાર વખાણ કરતા.કોલેજની યશસ્વી કારકિર્દી પસાર કરી ચાર વર્ષ સુધી ગરીબ-દુ:ખિયારાં વચ્ચે કામ કર્યું.સ્વૈચ્છિક સાધુજીવન અપનાવ્યું.આમ તો તેઓ ગાંધી-બંધુ, પરંતુ એ બંધુત્વ અપનાવવા પ્રેરકબળ હતું દીનદુખિયારા પ્રત્યેનો બંધુભાવ. ગરીબોના સખા સમાન - ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવી સેવભાવના પ્રખર હિમાયતી.
૧૯૦૪ માં ભારત આવવાનો નિર્ણય તેમના કુટુંબીજનો માટે આઘાતજનક પરંતુ ૨૦ માર્ચ ૧૯૦૪ ના દિવસને પોતાનો પુનર્જન્મ દિન ગણે છે.એમના પ્રત્યક્ષ દર્શને અનુભવ્યું કે બુદ્ધિ,જ્ઞાન અને અનુભવમાં પૂર્વ પશ્ચિમ કરતાં ઘણું પ્રાચીન છે.જેમ જેમ ભારતનો પરિચય વધતો ગયો એમ એની સાથે ભારતના રાષ્ટ્રીય આંદોલનોના નેતા દાદાભાઈ નવરોજી,ગોપાલકૃષ્ણ ગોખલે સાથે પરિચય થયો અને પછી ભારતની 'પૂર્ણ સ્વતંત્રતા' ના સમર્થક બની ગયા.૧૯૨૦માં તો એમનો નિર્ણય એવો હતો કે હિંદે સલ્તનતની છાયા નીચેથી છૂટી જવું જ સારું છે.
૧૯૧૨માં માંદગીના કારણે લંડન જવાનું થતાં ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને મળવાનું થયું અને મુલાકાત દરમિયાન જ શાંતિનિકેતનમાં રહેવાના બી નંખાઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો દક્ષિણ આફ્રિકા જવાનું થયું, બંદર પર ગાંધીજી ખુદ લેવા આવ્યા હતા.એન્ડ્રુઝ એમના પગે પડી ગયા,પણ ગાંધીજીએ એ વાતનો વિરોધ કર્યો.અખબારોએ પણ એક અંગ્રેજ કાળા માણસના પગે પડે એ ઘટનાને ખુબ ચગાવી.શાંતિનિકેતનના બદલે ફિનિક્સ આશ્રમમાં રહેવાનું મળ્યું અને કોટ-પાટલૂનને બદલે હવે લેંઘા-ઝભ્ભામાં આવી ગયા.આશ્રમનું સાદું સંયમભર્યું વિચારમય જીવન અંતરમાં વસી ગયું.બીજી તરફ બીજા સત્યાગ્રહની તૈયારી શરૂ થઈ રહી હતી,ત્યાં ઈંગ્લેન્ડથી માતાની ગંભીર તબિયતના સમાચાર આવ્યા. ગાંધીજીની સલાહથી એન્ડ્રુઝ લંડન જવા તૈયાર થયેલા.પરંતુ સત્યાગ્રહની પરિસ્થિતિને કારણે જઈ ન શક્યા અને ત્યાં રહીને જ જનરલ સ્મટ્સ સાથે વાટાઘાટો ચલાવી,સમાધાન તરફ સત્યાગ્રહને વાળવાના પ્રયાસો કરતા રહ્યા.
૧૯૧૪માં ગોખલેના આગ્રહથી દક્ષિણ આફ્રિકા ગયા તો ત્યાં ગાંધીજી મળી ગયા.પછી તો ગાંધીજી સાથે એવી અભિન્ન દોસ્તી જામી ગઈ કે ગાંધીજી એમને 'ચાર્લી' કહેતા,તો એન્ડ્રુઝ એમને 'મોહન' કહેતા.
ભારતમાં જ્યારે શાંતિનિકેતન રહેતા હતા,ત્યારે ત્યાં ૧૯૧૫ માં ગાંધીજી ગયેલ.પછી ફીજી ટાપુમાં ભારતીયોની સેવામાં લાગેલા હતા,ત્યાં કામ આદર્યું અને ત્યાં જ 'દીનબંધુ' નામની કમાણી કરી.ત્યાંના ભારતીય મજૂરોને ગુલામીમાંથી છોડાવ્યા.ફરી પાછા ૧૯૨૦ માં ભારત આવ્યા ત્યારે જુદા જુદા સ્થળોએ અનેક સેવાકાર્ય ચલાવ્યાં.૧૯૩૧ ની ગોળમેજી પરિષદ વખતે, ગાંધીજીના નિવાસસ્થાને મુખ્ય દ્વારપાળ બની મુલાકાતીઓનું નિયમન કર્યું.
૧૯૩૮ માં 'વિશ્વભારતી' સંસ્થાના ઉપાચાર્ય નિમાયા.ગાંધીજી પાસે અવારનવાર આવતા.૧૯૪૦ની પાંચમી એપ્રિલે અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું : 'એન્ડ્રુઝના મૃત્યુથી ભારતનો જ એક સપૂત નથી ખોવાયો,સમસ્ત માનવજાતિનો સપૂત ખોવાયો છે.મારા મતે એન્ડ્રુઝ સૌથી મહાન,અને શ્રેષ્ઠ અંગ્રેજોમાંના હતા.ભારતે તેમને 'દીનબંધુ' નું બિરુદ આપેલું અને તેને તેઓ યોગ્ય જ હતા,કેમ કે તમામ દીનદુ:ખિયારાના તેઓ બંધુ હતા.'
એન્ડ્રુઝ અને ગાંધીજી બંને દિલોજાન દોસ્ત,તેમ છતાં બંને વચ્ચે કેટલાક પાયાના મતભેદો પણ હતા.તેમાંય ગાંધીજીના ઉપરવાસથી તેઓ ખૂબ વિહ્વળ થઈ જતા.ગાંધીજી એન્ડ્રુઝને પૂર્વ-પશ્ચિમ વચ્ચે સેતુરૂપ માનતા,તો એન્ડ્રુઝ ગાંધીજીને વીસમી સદીના ઈસુના પયગંબર ગણતા.આફ્રિકાની લડત પૂરી થતાં એન્ડ્રુઝ ૧૯૧૪માં ભારત પાછા ફરી શાંતિનિકેતન ગયા.ત્યાંથી ફિજી જઈ હિંદી મજૂરોની દુર્દશા સગી નજરે જોવાની વાત ઊભી થઈ અને નાદુરસ્ત તબિયતે જ ફિજી જવાનું થયું.ત્યાં હિંદી મજૂરોની ગુલામ પ્રથા દૂર કરવા તનતોડ પ્રયાસ કર્યા.ભારતનું આઝાદી આંદોલન ગાંધીજીની દોરવણી હેઠળ જોશભેર ચાલી રહ્યું હતું. ત્યાં પંજાબની અત્યંત કરુણાજનક ક્રૂર ઘટના ઘટી,એટલે એન્ડ્રુઝ પંજાબ દોડી ગયા.એમનો આ પંજાબ-વસવાટ અનેક અવનવા રંગોથી સભર છે. પંજાબીઓને તો આ ગોરા પાદરીનું એવું ઘેલું લાગી ગયેલું કે લોક પ્રાર્થના કરતા કે ઈંગ્લેન્ડની ભૂમિ પર આવા અનેક એન્ડ્રુઝ પાકે.પરંતુ એટલામાં પૂર્વ આફ્રિકા જવાની જરૂરિયાત ઊભી થઈ,એ વળી જુદો ઈતિહાસ ! એમનું સમગ્ર જીવન દીનદુ:ખિયારાની વહારે ધાવામાં પસાર થયું, જ્યાં ગયાં ત્યાં માથું મૂકીને કામ કર્યું.એમની આ નિ:સ્વાર્થ સેવાઓ સામે જોઈને જ ગાંધીજીએ એમને 'દીનબંધુ' ની માનવંતી પદવી આપેલી. ૧૯૪૦ ની પાંચમી એપ્રિલે તેઓએ અંતિમ વિદાય લીધી.
ગાંધીજીએ એમને શ્રધ્ધાંજલી આપતાં કહેલું : "અમારી ભાઈબંધી એક અંગ્રેજ અને એક હિંદી વચ્ચેની નહોતી. બે શોધક કે બે સેવક વચ્ચેની એ અતૂટ ગાંઠ હતી." ગાંધીજીની 'તમારો મોહન' શબ્દ એમને પાણી-પાણી કરી નાખતો.ગાંધીજી લખતા કે તમારે એક નર્સની જરૂર છે, અને એ નર્સ હું બનું એવું ઘણું ય ઈચ્છું છું પણ… ' ગાંધીજીની શ્રેષ્ઠ અંજલિ તો આ વાક્ય દ્વારા વ્યક્ત થાય છે કે : "ઈંગ્લેન્ડ પ્રત્યેનો તેમનો પ્રેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજ કરતાં કોઈ રીતે ઊતરતો નહોતો, તો બીજી બાજુ,હિંદ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિંદીના પ્રેમની બરોબરી કરે એવો હતો"... દીનબંધુનાં વીર સુકૃત્યો ઈંગ્લેન્ડ અને હિંદની હસ્તિ હશે ત્યાં સુધી કદી નહીં ભૂલાય. આ ચાર્લી-મોહનની જોડીમાં 'ચાર્મ' પણ છે અને મોહિની પણ છે.આવો એક એક મધુર અદ્વૈત સંબંધ બંને વચ્ચે સ્થપાયો. ગાંધીજીએ કહ્યું છે કે : 'એન્ડ્રુઝ કરતાં વધારે સાચા,વધારે નમ્ર અને એમના કરતાં વધારે ભારભક્ત બીજો કોઈ દેશસેવક ભારતમાં નથી!"
આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે? સુદામા-કૃષ્ણની જોડી એવી અદ્ભુત સખ્ય ભાવનાથી સભર હતી આ જુગલજોડી !
સાભાર : લોકસ્વરાજ માસિક

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...