"આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે દરેક દેશમાં, દરેક ધર્મમાં,દરેક સંસ્કૃતિમાં અનિષ્ટ તત્ત્વો હોય છે, પરંતુ આ સાથે બધા દેશમાં શાંત સમુદાય પણ હોય છે.હું ઇચ્છું તેમ તેઓ પણ ઇચ્છે છે કે એક બીજાના વિચારો -દ્રષ્ટિકોણ-ચિંતાઓ સાંભળીને બે દેશના લોકોને સાથે જોડી શકાય છે.સહઅસ્તિત્વ શક્ય છે.મધ્યપૂર્વમાં પેઢી દર પેઢીથી ચાલતી નફરત અને લોહીયાળ જંગ તરફ નજર નાંખો. આ પરિસ્થિતિને સંવાદ અને સમજણથી પરિવર્તિત કરી શકાય છે. એક પક્ષને ફાયદો થાય અને બીજો પક્ષ માથું નીચું કરીને બધું સ્વીકારી લે તે રીતે આનો ઉકેલ નહીં આવે. એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરીને સંવાદ શરૂ કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હિંસાથી હિંસા જ વધે છે અને વધુ નફરત ફેલાય છે. આપણે એકબીજાની સચ્ચાઈને સમજવાની જરૂર છે. તે માટે અસહિષ્ણુતા ને બદલે સહિષ્ણુતાના, ધિક્કારને બદલે પડેલા ઘાને રુઝાવનારા સંદેશાઓની આપ-લે કરીએ."
- ડો. ઈઝેલદીન અબ્દુલૈશ
-------------------------------------------------------------------
નફરત નહીં - સંવાદ
મહાત્મા ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે સતત પ્રયત્નશીલ રહ્યા અને આખરે તે પ્રશ્ને જ તેઓ શહીદ થયા. 'હું નફરત નહિ કરું' ના કથાનાયક ડો. ઈઝેલદીન અબુલૈશ પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ-સંવાદ સ્થપાય તે માટે ઝઝૂમતા રહે છે,અનેક અંગત કરુણ ઘટનાઓ વચ્ચે પણ અહિંસા,સર્વધર્મસમભાવ,પ્રેમ,શાંતિ,સંવાદ દ્વારા પ્રશ્ન ઉકેલાય તે માટે પ્રયત્નશીલ રહે છે. તે જાણીને વિચાર આવે કે ભલે કહેવાતા બુદ્ધિજીવીઓ ગાંધીની પ્રસ્તુતતા ન સ્વીકારતા હોય પરંતુ વિશ્વભરમાં અન્યાય-અત્યાચાર- શોષણ સામે લડતાં લોકો માટે તો તે વધુ ને વધુ પ્રસ્તુત બની રહ્યા છે. ભલે આખા પુસ્તકમાં ગાંધીજીનું નામ નથી પણ તેમના અભિગમમાં સતત ગાંધીનું હૃદય અનુભવાય છે.
આપણે ત્યાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે આજે પણ હૃદયની એકતા સ્થપાઈ નથી. તેમાં અનેક રમખાણોની ગોઝારી ઘટનાઓએ વૈમનસ્ય વધાર્યું છે ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા માટે મથનારાઓ માટે આ પુસ્તક પ્રેરણા રૂપ અને આશાનો સંચાર કરનારું છે.
ડો. ઈઝેલદીન ગાઝાપટ્ટીના એક રાહત કેમ્પમાં જન્મ્યા છે. અનેક અભાવો અને ગરીબાઈ વચ્ચે બચપણ વિત્યું. મજૂરી કામ કરવા સાથે અભ્યાસ કર્યો.ભારે પરિશ્રમ દ્વારા ડોક્ટર બન્યા. વંધ્યત્વ દૂર કરવાના નિષ્ણાત બનેલ. ઇઝરાયેલની હોસ્પિટલમાં તે પ્રથમ પેલેસ્ટિનિયન ડોક્ટર છે.જીવનભર પોતે પેલેસ્ટિનિયન હોવાને લીધે અપમાન-તુચ્છકાર-પરેશાની વેઠતા રહે છે, છતાં ચિત્તમાં કડવાશ રાખ્યા વિના ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે,પોતાના બાળકોને તેવા જ સંસ્કાર આપે છે. તેઓ ઇઝરાયેલની વંધ્યા મહિલાઓની સારવાર કરીને તેને બાળકો જન્માવે છે ત્યારે તેના પેલેસ્ટાઇન સાથીઓ કહે છે કે "જે ઇઝરાયેલી બાળકો જન્મે છે તે આપણા પર જ બોંબ ફેંકશે, તું શા માટે એમની સારવાર કરે છે?" ત્યારે જવાબમાં ડૉ. ઈઝેલદીન કહે છે કે "અમે બધા ભેદભાવ હોસ્પિટલની બહાર મૂકીને અંદર દાખલ થઈએ છીએ.જીવનને બચાવવું એ જ અમારો ધર્મ છે." આમ તેઓ બે દેશો વચ્ચે 'સેતું' બનવા ઈચ્છે છે.
ડો. ઈઝેલદીન પરદેશમાં છે ત્યારે તેમના પત્ની ગંભીર બિમારીમાં સપડાય છે. તેની પાસે પહોંચતા વચ્ચે જે રીતે તેમને અટકાવાય છે અને પત્ની બેભાન થઈ જાય ત્યારે ત્યાં પહોંચી શકે છે તે ઘટના તથા પોતે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસ કરતા હોવા છતાં પોતાના ઘર પર જ ઇઝરાયેલી લશ્કર બોમ્બમારો કરે છે અને તેમની ત્રણ પુત્રીઓ અને એક ભત્રીજી તેમાં મૃત્યુ પામે છે, ત્યારે ડો. ઈઝેલદીન સ્વાભાવિક રીતે જ ખૂબ દુઃખી છે, પરંતુ ત્યારે પણ કોઈના પ્રત્યે નફરત નથી દાખવતા. તેઓ લખે છે, "હું કોને નફરત કરું? જે ડોક્ટરો નર્સો સાથે હું કામ કરું છું તેને નફરત કરું? જે બાળકોને મેં જન્મ આપ્યો છે તેને નફરત કરું? જેઓ મારા ઘવાયેલા બાળકોની સારવાર કરે છે તેને નફરત કરું? નફરત એક રોગ છે તે સ્વસ્થતાને તથા શાંતિને અટકાવે છે."
તેઓ માને છે કે બદલાની ભાવના આત્મઘાતી છે. પરસ્પર આદર,સમાનતા અને સહજીવન જ આગળ વધવાનો એકમાત્ર માર્ગ છે.
તેઓ કહે છે કે 'કરુણાંતિકા આપણા જીવનનો અંત નથી. તે આપણને નિયંત્રણમાં લઇ લે અને હટાવી દે એવું ન થવા દેવું જોઈએ.' આથી જ તેઓએ અંધકારના માર્ગે - નફરતના માર્ગે જવાને બદલે પ્રકાશના પંથે - બધા માટેના સારા ભવિષ્ય માટે કામ કરવાનું વિચાર્યું.
વૈશ્વિકરણના યુગમાં દરેક દેશે - દરેક સમુદાયે એકબીજા સાથે જ જીવવાનું છે.શાંતિ-સંવાદ-આત્મીયતાથી બધા જ દિવસે તો જ દરેકને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.આ પુસ્તક આ દિશા તરફ બધાને દોરે તે સદ્દભાવના.
- ડો. પ્રફુલ્લ દવે (અનુવાદક 'હું નફરત નહીં કરું' પુસ્તક )
તા. ૩૦-૦૧-૨૦૧૨
Comments
Post a Comment