યશવંત મહેતાની પુસ્તિકામાંથી એક અંશ..
હિટલર નંબર વન કૅમ બન્યો ?
-----------------------
વિશ્વયુદ્ધ ૧૯૧૯માં પૂરું થયું. ૧૯૨૦માં ૩૧ વર્ષનો હિટલર જર્મન લેબર પાર્ટી (જર્મન કામદાર પક્ષ) નામના નાનકડા રાજકીય પક્ષમાં જોડાયો. પોતાના ઉધામાછાપ સ્વભાવને કારણે અને પટપટ બોલવાની આવડતને કારણે બહુ જલદીથી એ પક્ષનો અગ્રણી બની ગયો. એ જમાનામાં 'સમાજવાદ' શબ્દની ફેશન હતી. અહીં આપણા દેશમાં પણ અસંખ્ય એવા લોકોએ 'સમાજવાર્દી'નું લેબલ પોતાની છાતીએ લગાવવા માંડેલું, જે આગળ જતાં કશુંક બીજું જ બન્યા. અરે, આપણે ત્યાં તો ૧૯૮૦ સુધી આ શબ્દનું આકર્ષણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક સર્વોચ્ચ નેતાએ પોતાની પાર્ટીને ગાંધીવાદી સમાજવાદની પાર્ટી ગણાવેલી ! અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે.: “અપીઅરન્સીઝ કેન બી ડિસેપ્ટીવ' (દેખાવો છેતરામણા હોઈ શકે છે), એ જ રીતે સમાજવાદનું છે કે વર્ડ્ઝ ઓલ્સો કેન બી ડિસેપ્ટીવ (શબ્દો પણ છેતરામણા હોઈ શકે છે). હિટલરના મામલામાં આ સર્વથા સત્ય છે. એણે પોતાની પાર્ટીનું નામ “નેશનલ સોશિયલ જર્મન વર્કર્સ પાર્ટી' રાખ્યું, જેનું ટૂંકુ રૂપ નાઝી પાર્ટી થયું. પછીના ઇતિહાસમાં હિટલરની પાર્ટી આ નામે જ ઓળખાતી રહી છે.
પાર્ટીના નવા નામકરણ પછી એણે પાર્ટીનું સંગઠન પણ આગવી રીતે કરવા માંડયું, એણે સમાજવાદના સેવકો જેવો અર્થ ધરાવતું દળ રચ્યું, જેમાં ઠગ પ્રકારના માજી સૈનિકો અને બેકાર યુવાનોનું પ્રભુત્વ હતું, આ લોકોએ હિંસક નીતિરીતિઓ અખત્યાર કરીને એક તરફ તો ડર પેદા કર્યો અને બીજી બાજુ ડરાવી - ધમકાવીને લોકોને પોતાના હેતુઓમાં સામેલ કરવા માંડ્યાં.એટલે કે એ માગે ત્યારે નાણાં આપવાં પડે, એ કહે ત્યારે હડતાળો કરવી પડે અને સરઘસોમાં જોડાવું પડે, જે નામુકર જાય એમનાં માથાં ભાંગે ! 'સમાજવાદી' સેવકોની આવી ભાંગફોડે અને હિટલરે ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં ફફડાટ પ્રસારી દીધો. પછી બાવેરિયા પ્રાંતની સરકારને ઊથલાવી પાડવા કોશિશ કરી જોકેએ સાહસમાં એ નિષ્ફળ ગયો અને સ્થાપિત સરકાર સામે બળવાખોરી બદલ ૧૯૨૪નું લગભગ આખું વર્ષ એણે જેલમાં ગાળવું પડ્યું.
જેલવાસના એ વર્ષ દરમિયાન હિટલરની સાથે એના જેવો જ ઉખડેલ ખોપરીનો સાથી કેદી હતો. એનું નામ રૂડોલ્ફ હેસ. કોઈ મહાન ફિલસૂફ પોતાની કલ્પનાના મહાન આદર્શ સમાજની યોજના લખાવે તેમ પોતાના આદર્શની વિગતો હિટલરે આ ગૂંડાને લખાવી. હિટલર બોલતો જાય અને સાથી લખતો જાય.જેલવાસ પૂરો થતાંમાં એ “મહાન યોજના' “મારો સંઘર્ષ' (“મોઇન કામ્ફ') નામે પ્રગટ થઈ. એ પુસ્તક ડંખીલા, સંકુચિત, વિકૃત વિચારોનો મોટો ખીચડો છે.એમાં હિટલરે લોકશાહી પર ઝેર ઓક્યું છે. યહુદી અને સ્લાવ પ્રજાઓ સામે ભયંકર દ્વેષ પ્રગટ કર્યો છે. સૌથી વિશેષ તો એણે જર્મન આર્ય પ્રજાની વિશ્વભરના પ્રજાઓ કરતાં સર્વોપરિતા અને સંસ્કારિતાનાં ગાણાં ગાયાં છે. જર્મન રાષ્ટ્રવાદીઓ વિશ્વના સ્વામી બનવા સર્જાયેલા છે, એવો હુંકાર કર્યો છે, જે યુદ્ધથી થાકેલા અને બેકાર જર્મન યુવકોને માટે ભયંકર નશારૂપ સાબિત થયો. 'મારું' રાષ્ટ્ર જ સર્વથી મહાન છે, એ સમગ્ર દુનિયા પર શાસન કરવાનો દૈવી અધિકાર ધરાવે છે, વગેરે પ્રકારના ખ્યાલો કેવા નશાકારી હોય છે એ હવે ભારતની જનતા જાણે છે. વળી, આવા 'રાષ્ટ્રવાદ' માટે અમુક 'દુશ્મનો' ઊભા કરીને,પેલા નશો કરેલા લોકોને ઉન્માદી અને વિનાશક કૃત્યો કરવા પ્રેરી રાકાય છે.હિટલરે 'માઇન કામ્ફ' માં નફાખોર યહૂદીઓ અને ધર્મ શત્રુ સામ્યવાદીઓને દુશ્મન નંબર એક અને દુશ્મન નંબર બે ઠરાવી દીધા !એ બંને પ્રકારના લોકો પર હુમલા કરાવીને જર્મન પ્રજાને લોહીનો સ્વાદ ચખાડ્યો.પછી તો લોહીનો સ્વાદ માણવાની જર્મન રાષ્ટ્રવાદીઓને મોજ આવી ગઈ. કેટલાંક વર્ષ પછી હિટલર અને નાઝી પાર્ટીની સર્વોચ્ચ સત્તા સ્થપાઈ તે પછી તો ખુદ શાસનની મહેરબાનીથી લોહીની નદીઓ વહેવડાવવામાં આવી ! જ્યારે જનતા રાષ્ટ્રવાદ તથા ધર્મના દુરભિમાનનો નશો કરી બેઠી હોય અને અમુક તત્ત્વો અમુક લોકોને 'રાષ્ટ્રશત્રુ' ઠરાવતાં પ્રચાર-વિષ ફેલાવતાં હોય અને ખુદ શાસન આ 'રાષ્ટ્રશત્રુ' તત્વોનો ખાતમો કરવાનું સીધું કે આડકતરું સૂચન કરતું હોય ત્યારે રાષ્ટ્રવાદીઓ સિવાયના લોકોની શી હાલત થાય એનું આંખ-ઉઘાડ ઉદાહરણ હિટલરનું જર્મની છે.
હિટલર એની આગવી શઠ રીતે ચતુર પણ હતો. જે પાણીએ મગ ચડે એ પાણી વાપરવાનો એને છોછ નહોતો. એટલે કે લોકશાહીની ઘોર ખોદવા માટે લોકશાહીનો જ પાવડા તરીકે ઉપયોગ કરવામાં એને વાંધો નહોતો. આવા તો દુનિયામાં અનેક લોકો હતા અને છે, જે વાસ્તવમાં લોકશાહીમાં માનતા નથી,પરંતુ અંતિમ લક્ષ્ય પ્રતિ ગતિ કરવા લોકશાહીનો એક તરાપા તરીકે ઉપયોગ કરતા હતા અને કરે છે. પ્રજા જો શાણી હોય તો સમજે છે. હિટલરે એ પણ નક્કી કર્યું કે જનતા ભોળી છે. એને એક જૂઠ સો વખત કહો તો એ જૂઠને સત્ય માની લેશે. આથી જોરજોરથી જૂઠો, દ્વેષજનક, ઝેરી અને રાષ્ટ્રાભિમાની પ્રચાર કરવા માંડ્યો. આ કામમાં એને ગોબેલ્સનો મોટો સાથ મળ્યો. ઉપરાંત ગોરિંગ,અર્સ્ટ રોહ્મ, હાઈનરિખ હિમલર જૂઠના બડા સંતો-મહંતો નીકળ્યા. કેટલાક પત્રકારોએ પણ ઝેર ફેલાવવામાં ફાળો આપ્યો.
૧૯૨૫ પછીનાં હિટલરનાં પ્રવચનોના કેટલાક ખાસ સૂર હતા. એક સૂર એવો હતો કે જર્મનીને નમાલા નેતાઓ મળ્યા છે. એમના વડે જર્મની કાંઈ ગૌરવશીલ રાષ્ટ્ર બની ન શકે. એણે જૂઠાણું શરૂ કર્યું કે ૧૯૧૮ સુધીમાં જર્મન લશ્કરોનો ખૂબ ઊંચો હાથ હતો. ફ્રાન્સ, બ્રિટન વગેરે તૂટી જવાની અણી પર હતા, ત્યારે દેશના જ ગદ્દારોએ લશ્કરની પીઠ પાછળ ઘા માર્યો. કાયર અને નિર્માલ્ય નેતાઓએ દુશ્મનો આગળ નમી પડવાનું દુષ્કૃત્ય કર્યું.(જો કે સત્ય એ છે કે જર્મન લશ્કર એ હદે તૂટી ગયું હતું કે હાર અને ભયંકર ખુવારી ટાળવા માટે લશ્કરી સેનાપતિઓએ જ સંધિની દરખાસ્ત કરી હતી. પરંતુ રાજકારણી જૂઠના નિષ્ણાતોને સત્ય સાથે બહુ સગપણ હોતું નથી.)
બીજા મુદ્દાનો આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. સંધિના ભાગરૂપે જર્મનીના બે ખનિજસમૃદ્ધ જિલ્લા ફ્રાન્સને ફાળે ગયા હતા. અન્ય રાષ્ટ્રોને જર્મનીએ યુદ્ધ-દંડ તરીકે મોટી રકમ ચૂકવવાની હતી. વળી, જર્મની ફરી હુંકાર ન કરે એ માટે એણે પોતાનું લશ્કર નિયંત્રિત અને મર્યાદિત રાખવાનું હતું ! આ બધાને પ્રતાપે જર્મની એક ગૌણ રાષ્ટ્ર બની જાય અને દીર્ધ કાળ સુધી અન્ય રાષ્ટ્ર માટે પડકારરૂપ ન બને, એવી જોગવાઈ થતી હતી.
એક ત્રીજો મુદ્દો પણ આ લોકોએ ઊભો કર્યો, એમણે કહેવા માંડયું કે અત્યારે જે સરકાર છે તે નબળી છે અને યહુદી લઘુમતીના હિત માટે કામ કરે છે ! યહુદીઓ વળી મૂડીદારો છે અને જર્મન પ્રજાનું સદીઓથી શોષણ કરતા
આવ્યા છે. યહુદીઓ જર્મનીના મૂળવાસીઓ નથી. માટે એમને જર્મનીમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
આજે આપણને વિચિત્ર લાગે પરંતુ ગોબેલ્સીઅન પ્રચારના ઘોંઘાટમાં જર્મન પ્રજાનું જે તરફ ધ્યાન નહોતું ગયું એવી એક વાત એ હતી કે આ નબળી જર્મન સરકાર સામ્યવાદીઓના હિતમાં કામ કરે છે. આ તો દેખીતી જ નિરાધાર દલીલ હતી. જો સરકાર મૂડીદારોના હિતમાં કામ કરતી હોય તો સામ્યવાદીઓ માટે કેવી રીતે કામ કરે?. સામ્યવાદીઓ તો મજૂરો, ખેડૂતો, મહેનતકશોનાં હિત જોનારા લોકો કહેવાય. મૂળે સાચી વાત એ હતી કે વૈજ્ઞાનિક રીતે વિચારનારા આ સામ્યવાદીઓ પ્રારંભથી જ જર્મન 'રાષ્ટ્રવાદી' દલીલો પાછળ રહેલા હિંસક ઈરાદાઓને પારખી ગયા હતા અને એ વિશે જનતાને સજાગ કરવા કોશિશ કરતા હતા.
હિટલરે ગરીબ-તરફી અને શ્રમિક-તરફી સામ્યવાદીઓ સામે બખાળા કાઢવા માંડ્યા એટલે જર્મન ઉદ્યોગપતિઓ એના ચાહક બની ગયા ! એમને લાગ્યું કે કામદાર સંગઠનો અને આંદોલનો દ્વારા પગાર અને સવલતો માગનારાઓને હિટલર કુચડી નાખશે અને આપણને નફા તારવવા માટે મોકળું મેદાન મળશે ! હિટલર પ્રકારના લોકોને મોટાં ઉદ્યોગગૃહોનો ટેકો હમેશાં સાંપડે છે. ઈટાલીમાં પણ હિટલરના જ પ્રકારનો 'રાષ્ટ્રવાદી' ફાસિસ્ મુસોલિની જોર કરી રહ્યો હતો અને એને પણ મોટા ઉઘોગપતિઓનો ટેકો હતો. આ ઘટના સમજવા જેવી છે.
આમ, એક બાજુ યુદ્ધમાં હારેલી જર્મન પ્રજાના ઘાયલ અહમની આળપંપાળ,બીજી બાજુ “વિદેશી શોષણખોર' યહુદી પ્રજા સામે દ્વેષ, ત્રીજી બાજુ ગરીબતરફી બળોને રાષ્ટ્ર-વિરોધી ગણાવવાની તરકીબ, ચોથી બાજુ બેકાર જુવાનોનાં મારફાડિયાં દળોનાં સંગઠન વગેરે વગેરે વ્યૂહો દ્વારા હિટલર અને એના નાઝીઓ ખૂબ જોર કરવા લાગ્યા. ૧૯૩૦ની ચૂંટણીઓમાં નાઝી પાર્ટીને બીજા ક્રમની બેઠકો રિશ્ટાગમાં મળી. એ પછી પણ લાખો બેકાર યુવકોને ખૂબ સંગઠિત કરીને, ચૂંટણી-સંચાલનમાં
એમનો ખૂબ ઉપયોગ કરીને, ૧૯૩૨ની ચૂંટણીઓમાં નાઝી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી.
આમ લોકશાહી ચૂંટણી પદ્ધતિનો ઉપયોગ કરીને હિટલર અને એની પાર્ટી નંબર વન બન્યાં, હવે એ દાવો કરી શકે છે કે મહત્તમ જર્મન જનતાનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ, હવે અમે જે કાંઈ કરીએ તેને જર્મન જનતાની સંમતિ છે.
એટલે હવે હિટલરે લોકશાહીનો અંચળો ફગાવી દેવાનું નક્કી કુર્યુ, કારણ કે 'માઈન કામ્ક' અનુસાર, એસ્તો એનો ઉદ્દેશ હતો !
સૌજન્ય : હિટલરની ચડતી અને પડતી પુસ્તક
Comments
Post a Comment