Skip to main content

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જક, સાહિત્યકાર,વિવેચક અને લેખક સદગત મૂર્ધન્ય કવિ નિરંજન ભગત સાહેબ


કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
સદગત મુર્ઘન્ય કવિ નિરંજન ભગત વિશે એમના સાહિત્ય,વિવેચન અને અન્ય લખાણોની પ્રચૂર માહિતી અને સમજણ અમદાવાદની એચ.કે.કોલેજના અગ્રેજીના પ્રાધ્યાપક આદરણીય શ્રી સંજય શ્રીપાદ ભાવેની વિલક્ષણ શૈલીમાં ભગત સાહેબના કાવ્યોનું આસ્વાદ,ભગત સાહેબના સર્જક દ્રષ્ટિકોણને અને સામાજિક કર્તુત્વ. : https://youtu.be/FkT7vRXu6EY
ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬) :
કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.
‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.
‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
છંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો કલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...