અંતિમ સમયનો આનંદ
*******************
૨૯ જૂનનો દિવસ આવે અને શ્રી હરિસિંહ ચાવડા યાદ આવે.
બનાસકાંઠા જિલ્લાના કોઇ જ કાર્યકરે - આગેવાને ન કર્યું હોય એટલું ભગીરથ કામ કરનાર ગાંધીવાદી કાર્યકર શ્રી હરિસિંહ ચાવડાનું ર૯ જૂન ૨૦૧૩ની બપોરે સારવાર દરમ્યાન મૃત્યુ થયું.
જે જન્મ ધારણ કરે છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે એ સનાતન સત્ય સૌ કોઇ સમજે છે - છતાં પ્રત્યેક સંસારી જીવોને મૃત્યુનો ભય સતાવતો જ રહે છે.
અને જયારે મૃત્યુ નજીક છે એવું લાગે છે ત્યારે એ ભય વધુને વધુ ઘેરો બનતો જાય છે.
પડોશી મહેસાણા જિલ્લામાંથી લગભગ ૬૦ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લા સેવાદળના જિલ્લાધિનાયક તરીકે હરિભાઈ પાલનપુર આવ્યા ત્યારથી મને એમનો પરિચય રહ્યો છે.
જિંદગીના ૮૩ વર્ષ સારી રીતે પસાર કર્યા પછી જિંદગીમાં પહેલી જ વાર બિમાર પડેલા હરિભાઈ ની બિમારી જીવલેણ બનતી ગઈ ત્યારે અવારનવાર તેમની ખબર કાઢવા જવાનું બનતું.
હરિભાઈનો અંતિમ સમય નજીક આવતો જાય છે એમ મને લાગતું ત્યારે મને એ વાતનું ખૂબ જ આશ્ચર્ય થતું કે એમના મન ઉપર મૃત્યુનો જરા સરખોય ગભરાટ ન હતો. એથી ઉલટું એ બિમારી સામે આરામ કરવાના બદલે પથારીમાં પડયા પડયા લોકનિકેતનનો વહીવટ ચલાવતા. યાદશક્તિ એટલી સતેજ હતી કે બધા જ કામો અંગે લાગતા વળગતાઓને સૂચના આપ્યા જ કરતા.
એમને ડોક્ટર આરામ કરવાની સલાહ આપતા. એ આરામના સમય દરમિયાન પણ પોતાની ખબર કાઢવા આવનારની સાથે પોતે જ વાત કરતા.ત્યારે ઘરમાંથી કોઇની આરામ કરવા માટે ટકોર થાય ત્યારે “આ બધા દૂર દૂરથી મારી ખબર કાઢવા આવે અને હું એમને ના મળું તો એમને કેટલું દુઃખ લાગે ?” એવો પ્રશ્ન કરતા એટલું જ નહિ એમની ખબર પૂછવા આવનારને જમવા માટે પોતે આગ્રહ કરતા અને જમ્યા કે નહિ તેની વારંવાર પોતે પૃછા કરતા.આવનાર જમીને જાય એનો એમને આનંદ થતો અને ત્યારે એ પોતાનું દુઃખ ભૂલી જતા.
આજે એક પ્રસંગ મને યાદ આવે છે. હરિભાઈની બિમારી વેળા હું તેમની પાસે બેઠો હતો ત્યાં ફોન આવ્યો. વાત કરી હરિભાઈએ ફોન મૂકી દીધો.ત્યારે તેમની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.
થોડીવાર પછી હરિભાઈએ કહ્યું: “જીતુભાઈ મારી ખબર પૂછતો કાશ્મીરથી ફોન હતો.”
“કોનો ?” મેં પૂછ્યું. ““આપણા બનાસકાંઠાના એક ભાઈ છે. અર્હી લોકનિકેતનમાં ભણવા બેસાડેલો ભણે નહિ, રખડયા કરે. સ્થિતિ સાવ નબળી એટલે એને ભણવા ખૂબ સમજાવીએ. પરીક્ષા વખતે શિક્ષક એને ઘેરથી બોલાવી લાવી પરીક્ષા અપાવે. એના કુટુંબની ચિંતા અમને રહ્યા કરે. આમને આમ એને ભણાવ્યો આજે એ મિલેટરીમાં કાશ્મીર છે. એને ખબર પડી કે હું બિમાર છું ત્યારથી વારંવાર ફોન કરીને ખબર પૂછે છે ને કહે છે તમે મારું જીવન બનાવી દીધું.”
વાત સાંભળીને હરિભાઈની આંખનાં ઝળઝળીયાંનો જવાબ મને મળી ગયો.
આવા તો અનેક ફોનો આવતા જ રહ્યા હતા. કારણ કે હરિભાઈએ સેંકડો કુટુંબોને તારીને જીવન ધન્ય બનાવી દીધું હતું.
હરિભાઈની જિંદગીની અજબ દાસ્તાન
******************************
માનવીની જિંદગીમાં કેટલીકવાર તો એવું બને છે કે જેની કલ્પના પણ થઈ શકતી નથી.
હરિભાઈની જિંદગીમાં પણ આવી જ એક ઘટના બની છે.
શનિવાર તા. ર૯ જૂન ૨૦૧૩ની બપોરે ૧ વાગે શ્રી હરિસિંહ ચાવડાએ દેહત્યાગ કર્યો અને લોકનિકેતનમાં ચીકુડીના ઝાડ નજીક જે સ્ટેજ ઉપર એમના અંતિમ દર્શન માટે વિશાળ મેદની ઉમટી રહી હતી તેજ સ્થળે મૃત્યુના માત્ર અઠ્ઠાવીસ કલાક પહેલાં શ્રી હરિસિંહ ચાવડાની જ હાજરીમાં એક નાનકડો સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં હરિભાઈના ચહેરા ઉપર કોઇ ગજબનો આનંદ છલકાતો હતો.!
જે આનંદની અનુભૂતિ હરિભાઈને કરવા મળી તેવી અનુભૂતિ ભાગ્યેજ કોઇને કરવા મળતી હશે એવું ત્યારે મને લાગ્યું.
અંતિમ સમયે આવો આનંદ ?!
હકીકત જાણે એમ છે કે, લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં શ્રીમતી પુષ્પાબેન ચાવડાએ ૭૫ વર્ષ પૂરાં કર્યા ત્યારે હરિભાઈને પોતાની અંગત મૂડીમાંથી સારી એવી રકમ લોકનિકેતન સંસ્થા માટે દાન આપવાનો વિચાર આવેલો અને તે અંગે પુષ્પાબેન સાથે પોતે ચર્ચા પણ કરેલી. ત્યારે પુષ્પાબેને પણ એમના આવા ઉમદા વિચારને આનંદથી વધાવેલો.
૨૦૧૩માં હરિભાઈની તબિયત વધુ લથડી ત્યારે એમને આ વાત યાદ આવી. એમને થયું કે, આ કામ તો મારે કરવાનું રહી જ ગયું છે. તબિયત વધારે બગડતી ગઇ તેમ તેમ આ વિચાર એમના મનમાં સતત ઘોળાતો રહ્યો. અને બિમારી વચ્ચે ય આ વિચારને - આ કામને અમલમાં મૂકવાનું એમણે આયોજન શરૂ કર્યું.
મૃત્યુના ચારેક દિવસ પહેલાં પત્ની પુષ્પાબેન, પુત્રો ઉદય અને કિરણ તેમજ પુત્રીઓ આશા અને ગીતાને પોતાની પાસે બોલાવી. લોકાનિકેતનને ઉમદા દાન આપવાનું ફાઇનલ કર્યું.
બીજા દિવસે ટ્રસ્ટીઓને અને મને પણ આની જાણ કરી.
અને તા. ર૮ની સવારે હરિભાઈની ઇચ્છા મુજબનો એ કાર્યક્રમ 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' એ પ્રાર્થનાથી શરૂ થયો. આ કાર્યક્રમમાં હરિભાઈ અને પુષ્પાબેનનો સંકલ્પપત્ર લોકનિકેતનના ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો.જેનું વાચન ટ્રસ્ટી શ્રી ખુશાલભાઈએ કર્યું. આ સંકલ્પપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે "અમારી અંગત મિલ્કતમાંથી અમે સંસ્થાને કન્યા છાત્રાલયનું મકાન અને ગૌશાળાનું મકાન બંધાવી આપીશું અને ગરીબ વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપો આપીશું.”
આ સંકલ્પપત્રના વાચનને સૌએ ઉત્સાહથી વધાવી લીધા પછી ટ્રસ્ટીઓ શ્રી ખુશાલભાઈ અને શ્રી જયંતિભાઈ ચૌહાણ ઉપરાંત શ્રી પરથીભાઈ ભટોળ,શ્રી નરપતસિંહ ચાવડા, શ્રી અમરદાસજી અને મેં આ ઉમદા ભાવનાને બિરદાવતાં પ્રવચનો કર્યાં. લોકનિકેતનના 'મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગીતાબેન વ્યાસ અને શ્રીમતી પુષ્પાબેન ચાવડાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા.
અંતમાં શ્રી હરિભાઈ ચાવડાએ આશીર્વચન આપ્યા અને જિંદગીની અંતિમપળે અનેરા આનંદ સાથે સંસ્થાના તમામ બાળકો તથા આમંત્રિતોને તે સમયે રસપુરીનું જમણ પોતાના તરફથી આપવાની હરિભાઈએ આનંદવિભોર થઇ જાહેરાત કરી.
ખરેખર! હરિભાઈ કેવા પુણ્યશાળી આત્મા હશે કે, ગરીબ વર્ગના ભણતરની અને એમના ઉત્કર્ષની ચિંતા કરી પાંચ પાંચ દાયકા એમના માટે જાત ઘસી દીધા પછીય જતાં જતાં પણ પોતાની મિલ્કત એમના માટે વાપરવાનું એ આયોજન કરતા ગયા - કરી શકયા !
આ ઉમદા હકીકતની સાક્ષીરૂપ ગૌશાળાનું મકાન તૈયાર થઇ ગયું છે...આવી ઉત્તમ સેવાભાવના માટે હરિભાઈને લાખ લાખ સલામ..
હરિસિંહ ચાવડાની નીડરતા
**********************
વડાપ્રધાન શ્રી ઈંદિરા ગાંધીનો સિતારો તેજ હતો તે સમયની આ વાત છે.ઈ.સ. ૧૯૭૧ની ૧૯ ફેબ્રુઆરીનો દિવસ હતો.
શ્રી પોપટલાલ જોષી ઈંદિરા કોંગ્રેસ (શાસક કોંગ્રેસ) તરફથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. તેની ચૂંટણી પ્રચાર સભા પાલનપુરમાં સલેમપુરા દરવાજા બહાર યોજાઈ હતી. વડાપ્રધાન શ્રી ઈંદિરા ગાંધી આ સભામાં ઉપસ્થિત હતાં.તેમની હાજરીમાં સંસ્થા કોંગ્રેસના અગ્રણી શ્રી હરિસિંહ ચાવડા અને શ્રી મધુસુદનસિંહ પરમાર શાસક કોંગ્રેસમાં જોડાઈ રહ્યાની જાહેરાત શાસક કોંગ્રેસના અગ્રણી શ્રી અકબરભાઈ ચાવડાએ કરી.
આ જાહેરાત પછી શ્રી હરિસિંહ ચાવડાએ પ્રવચન કરતાં જણાવ્યું કે, “આ ચૂંટણીઓમાં મુંબઈ અને દેશવિદેશમાંથી લાખો રૂપિયા મતદારોને ખરીદવા આવી રહ્યા છે. બનાસકાંઠાના મતદારો આ બાબતમાં નહિ સપડાય.આપ સૌ ખાત્રી રાખજો કે હરિસિંહ કે મધુસુદનસિંહને કોઈ પૈસાથી ખરીદી શકશે નહિ. શાસક કોંગ્રેસે અમને ખરીદવા આપેલા આ રૂપિયા દસ હજાર તેમને વફાદાર હો. અમે સંસ્થા કોંગ્રેસને વફાદાર છીએ.” એટલું કહીને હરિસિંહે ગજવામાંથી સો-સો રૂપિયાની થોકડી કાઢી હવામાં ઉછાળીને પલકવારમાં ઝડપથી મધુસુદનર્સિહની સાથે સ્ટેજ છોડી ચાલી ગયા.
પલવારમાં બનેલા આ આશ્ચર્યજનક બનાવથી સન્નાટો વ્યાપી ગયો. સ્ટેજ ઉપર બેઠેલાં ઈદિરાજીએ પ્રદેશ અગ્રણી શ્રી કાંતિલાલ ઘીયાને પ્રશ્ન કર્યો કે “યે સબ ક્યા હો રહા હે ?” ઈંદિરાજીની સભામાં હરિસિંહે નોટો ઉછાળી એવા સમાચાર શહેરભરમાં ફરી વળ્યા. દેશભરનાં અખબારોમાં વડાપ્રધાનની હાજરીમાં બનેલ આ બનાવ ચમક્યો - સાથે પાલનપુરનું નામ ચમક્યું.
આ બનાવના પહેલાં સભાના સ્થળે હું હરિસિંહ ચાવડાને મળ્યો ત્યારે મેં પ્રશ્ન કરેલો “હરિભાઈ, આ બધું શું છે ?”
જવાબમાં “થોડીવાર પછી સમજાશે” એવું હરિભાઈ બોલેલા.
સામે રાયફલ તાકી રહેલા જવાનોને હરિસિંહે કહ્યું “ચલાઓ ગોળીઓ”
**************************************
સરકારી રીત રસમોથી લોકો જયારે ત્રાસે છે ત્યારે એમાંથી ક્રાંતિ જન્મે છે. આવી એક ક્રાંતિની જ્વાળા ગુજરાતમાં નવનિર્માણના સ્વરૂપે ૧૯૭૪માં પ્રગટી હતી.તે વેળાની આ વાત આજે યાદ આવે છે.
ત્યારે પાલનપુર શહેરમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. ભાઈ બહેનોની વિશાળ રેલી સૂત્રોચ્ચાર કરતી શહેરમાં ફરતી દિલ્હી દરવાજા સામે માન સરોવરના રસ્તે આવી ત્યારે વાતાવરણ તંગ બન્યું.
દિલ્હી દરવાજે આજે સ્વામી વિવેકાનંદનું બાવલું છે ત્યાં બી. એસ. એફ. ના જવાનો અને સ્થાનિક પોલીસો ભરી બંદૂકે ઊભા હતા. કેટલાક જવાનોના હાથમાં અઘતન રાયફલો હતી.
રેલીની આગેવાની લઈ રહેલાં શ્રીમતી પુષ્પાબેન ચાવડા જોર જોરથી સૂત્રોચ્ચાર બોલાવી રહ્યાં હતાં. રેલીમાં ફરનાર ભાઈ-બહેનોનો ઉત્સાહ પણ જબરો હતો.
જોમ અને જુસ્સો શહેરનું વાતાવરણ તંગ બનાવી દેશે એ ભયે જવાનોને એલર્ટ થવાનો ઓર્ડર મળતાં, રેલી તરફ સૌએ ભરેલી બંદૂકો તાકી. બંદૂકોની પરવા કર્યા વિના રેલી આગળ વધતી રહી ત્યારે એમ લાગતું હતું કે ઘડીકમાં ઓર્ડર મળશે અને બંદૂકોમાંથી ગોળીઓ છૂટશે ને રેલીમાંથી નાસભાગ શરૂ થઈ જતાં, રેલી વેરવિખેર
થઈ જશે....
ત્યાં દોડતા રેલીની આગળ આવીને છાતી કાઢીને બંદૂકની સામે સીનો ધરતાં શ્રી હરિસિંહ ચાવડાએ “ચલાઓ ગોળીઓ!” હાકોટાભેર બોલતાં મેં સાંભળ્યા ત્યારે હરિર્સિંહની જવામર્દી જોઈને હું દંગ થઈ ગયો.
પળવારમાં શું થઈ જશે ? એવા ભય વચ્ચે ત્યાં ઊભેલા અધિકારીએ બંદૂકો નીચી કરાવી દીધી.
સિંહની છાતી ધરાવતા આ હરિસિંહ ચાવડા ગુજરાતના નશાબંધી મંત્રી થયા. ત્યારે દારૂના અડ્ડા પર જાતે રેડ કરવા જતા, દારૂના ધંધાદારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તે જયાં જતા ત્યાં આવા અડ્ડા બંધ થઈ જતા હતા.
હરિભાઈ - પુષ્પાબેન ચાવડાની અદ્ભૂત સેવા
********************'**************
બનાસકાંઠા જિલ્લાના જે આગેવાનોએ બનાસકાંઠા તરક સાચી હમદર્દી બતાવી તેમાં શ્રી હરિસિંહ ચાવડાનો સારો એવો ફાળો રહ્યો છે.
આમ જોઈએ તો હરિસિંહ ચાવડા પડોશી મહેસાણા જિલ્લાના અંબોડના વતની.તેમનું આખું નામ શ્રી હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા. તેઓ આજથી ૬૦ વર્ષ પહેલાં બનાસકાંઠાની આ ધરતી પર કોંગ્રેસ સેવાદળના જિલ્લાધિનાયક તરીકે આવેલા. ત્યારે તેઓને કલ્પના પણ નહિ હોય કે આ બનાસકાંઠાની ધરતી એમનું કાયમી કાર્યક્ષેત્ર બની જશે !
સેવાદળની બ્લ્યુ અડધી ચડ્ડી અને એમાં ખોસેલું સફેદ શર્ટ પહેરીને અહીં આવેલો આ માણસ બનાસકાંઠાના યુવાનો સાથે એમનો થઈને ભળી ગયો અને આ ધરતીએ
પણ એમને એવો પ્રેમ આપ્યો કે બે વાર ગુજરાતની ધારાસભામાં ને બે વાર દિલ્હીની સંસદમાં એમના પ્રતિનિધિ તરીકે એમને ચૂંટી મોકલ્યા અને એ જોતજોતામાં બનાસકાંઠાના પોતાના આગેવાન થઈ ગયા. પણ અતિ આનંદની વાત એ છે કે આ હરિભાઈ બનાસકાંઠાને કયારેય ન ભૂલ્યા. બનાસકાંઠાને પોતીકું ગણીને એ બનાસકાંઠા તરફ સાચી હમદર્દી બતાવતા જ રહ્યા.
૧૯૭૫માં શ્રી બાબુભાઈ જશભાઈની સરકારમાં તેઓ બાંધકામ મંત્રી બન્યા ત્યારે બનાસકાંઠાને પછાત અને સરહદી જિલ્લો ગણાવી બનાસકાંઠા માટે સાત કરોડ રૂપિયાના રસ્તા મંજૂર કરાવી દીધા.
એ પછી ૧૯૯૧થી ૧૯૯૯ના પાંચ વર્ષ એ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે સંસદમાં ચૂંટાયા. તે સમયે સંસદ સભ્યની ભલામણથી રાંધણગેસ આપવાની નીતિ સરકારે જાહેર કરેલી. તેમના લક્ષાંક મુજબ તેઓ ૪૦૦ કનેકશનો માટે ભલામણ કરી શકતા હતા. તેઓએ બનાસકાંઠાના ૪૦૦ ઘર માટે કનેકશન આ રીતે અપાવી દીધાં.છતાં જરૂરિયાતવાળાઓની અરજીઓ આવતી રહી ત્યારે આવા અરજદારોને મારો લક્ષાંક પુરો થયો હવે મારી ભલામણ ચાલે નહે તેવું કહેવાના બદલે અરજદાર મારા જિલ્લાનો છે અને ગમે તે રીતે કાયદેસર કનેકશન મળવું જોઈએ તેવું વિચારી બીજા વિસ્તારના સંસદ સભ્યોનો સંપર્ક કર્યો અને એમના લક્ષાંકમાં આ બનાસકાંઠાવાસીઓ માટે ભલામણ કરાવતા રહ્યા. આમ ઘણા બધા સંસદ સભ્યોનો સંપર્ક કરીને કુલ ૫૦૦૦ ગેસ કનેકશનોની ફાળવણી કરાવી સૌને આશ્ચર્યચક્તિ કરી દીધા !
આજે એમની આ સેવા સૌ યાદ કરે છે.
એ દરમ્યાન આ હરિભાઈએ બનાસકાંઠા માટે એક એવું ભગીરથ કામ કર્યું કે જેને બનાસકાંઠા જિલ્લો કદીય ભૂલશે નહિ.
આ હરિભાઈએ એમના પ્રવાસ દરમ્યાન અડધી પોતડી પહેરેલો આદિવાસી જોયો ત્યારથી એમના મનમાં આદિવાસી અને પછાત લોકોના ઉત્કર્ષની ઝંખના જાગી.અને બનાસકાંઠામાં જ સ્થાયી થઈને એમનું જીવન ધોરણ સુધારવાનો એમણે સંકલ્પ કર્યો.
આવા દુઃખિયારા લોકોનું જીવન સુધારવા એમને અંધકારમાંથી પ્રકાશમાં લાવવા શિક્ષણની જરૂરિયાત ગણીને આજથી સાઈઠ વર્ષ પહેલાં જ્યાં જંગલ હતું તેવા પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર રતનપુરમાં એમણે ગાંધી વિચારધારાની લોકનિકેતન સંસ્થા શરૂ કરી. હરિભાઈ અને એમનાં સેવાભાવી પત્ની પુષ્પાબેન બંને ધૂણી ધખાવીને શિક્ષણના આ મહાયજ્ઞમાં લાગી ગયાં. આજે અહીં પ્રાથમિકથી માંડી વિવિધ પ્રકારની કોલેજ સુધીનું શિક્ષણ અપાય છે.
આ સંસ્થાની વિશિષ્ટતા એ છે કે, ભણવાનો ખર્ચ ન કરી શકનાર સેંકડો વિદ્યાર્થીઓને રહેવા જમવાની ને ભણવાની આ સંસ્થામાં મફત સગવડ આપીને તેમજ પુરતાં કપડાં ન હોય તેવા ગરીબોને પોતાના પહેરવાના ઝબ્બા, ચડી, લેંઘા આપી દઈને હરિભાઈએ સેંકડો કુટુંબોને એવા તારી દીધા છે કે બે ટંક પૂરું ભોજન ન પામનારા આ પરિવારોના સંતાનો લોકનિકેતનમાં ભણીને ઇજ્જતભેર નોકરી કરી મહિને વીસથી ત્રીસ હજાર રૂપિયા મેળવતા થઈ ગયા છે !
આમાંય હરિભાઈ-પુષ્પાબેનની બીજી સેવા એ છે કે આ લોકનિકેતનમાં માત્ર શિક્ષણ જ અપાય છે તેવું નથી પણ ચારિત્ર ધડતર અને સંસ્કારની ખીલવણી સાથે વ્યસન મુક્ત અને ઉચ્ચ આદર્શભર્યું જીવન જીવવાના પાઠ ભણાવાય છે !
મિનિસ્ટર થયા છતાં ગામમાં ચાલતા ફરે
******************************
અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય, માનવંતો મોટો હોદો કે સત્તા મળી જાય કે કોઈ સિદ્ધિ મળતાં નામના વધી જાય ત્યારેય માનવી સાદાઈ જાળવી રાખે તો એ એની મોટાઈ
કહેવાય. માણસાઈ કહેવાય.
બનાસકાંઠા ખરેખર સદભાગી છે કે આવા મોટાઈ-માણસાઈ અને મહાનતાના ગુણો આ ધરતી પર પાંગરેલા જોવા મળે છે અને મળતા રહે છે.
૧૯૭૫માં શ્રી હરિસિંહ ચાવડા બાબુભાઈ જશભાઈ પટેલના મંત્રીમંડળમાં બાંધકામ અને નશાબંધી મંત્રી બનેલા.
મંત્રી બન્યા પછી શ્રી હરિસિંહ ચાવડા પાલનપુર આવ્યા ત્યારે એમને જોઈને સૌને નવાઈ લાગવા માંડી કે ન મિનિસ્ટરનો રૂઆબ જોવા મળે કે ન જોવા મળે એમની લાલ લાઈટવાળી ગાડી, કે ન આજુબાજુ પોલીસની ગાડી... એ તો આપણી જેમ રસ્તા ઉપર ચાલ્યા આવે. વળી રસ્તે ઊભા રહી લોકોને બે હાથ જોડી “રામ-રામ' કરે. ' વળી કોઈ હાથ ઉંચો કરે તો એની દુકાને આવીને આપણી જેમ બેસીને વાત કરવા મંડી જાય.
ધીમે ધીમે બધાને ખબર પડી કે હરિભાઈને મિનિસ્ટરની લાલ લાઈટવાળી ગાડી મળી છે, સાથે પોલીસની ગાડી પણ હોય છે. પણ હરીભાઈ પાલનપુર આવે ત્યારે મિનિસ્ટરની ગાડી રેસ્ટ હાઉસમાં મૂકી દે છે અને પોલીસને પણ જરૂર નથી એમ જણાવી સાદા માનવીની જેમ બધાની વચ્ચે ફરે છે. એમનામાં મિનિસ્ટર થયાનો કોઈ જ ફરક નથી પડયો કે કોઈ મોટાઈ નથી આવી !
મિનિસ્ટર થયા પછી હરિભાઈ કોંગ્રેસ હાઉસ (રાજગઢીમાં) બેઠા હતા. તે વખતે હું ત્યાં હતો. ઘણા લોકો જુદા જુદા કામે આવેલા. એક ભાઈના કામ બાબતે એ મામલતદાર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. વાત કરતાં તેઓ મામલતદારને “સાહેબ-સાહેબ' કહેતા હતા. ત્યારે મને એમનામાં મિનિસ્ટરનો રૂઆબ લાગ્યો ન હતો. એ સરકારી કર્મચારીને મિનિસ્ટર તરીકે તાબાના માણસ ગણતા ન હતા.
સૌજન્ય : સંભારણાં પુસ્તક ભાગ - ૧(૨૦૧૨), ભાગ - ૨ (૨૦૧૫). [લેખક : સ્વ. જીતેન્દ્ર સી. મહેતા - 'સ્વરાજ્ય સાપ્તાહિક']

Comments
Post a Comment