સ્વ. ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના જ પક્ષમાં રજૂઆત
બનાસકાંઠા જિલ્લાનાં યાદગાર સંભારણાં લખવા બેસું છું અને તેમાંય ! બનાસકાંઠાના કાર્યકરો - આગેવાનોની સાચી હમદર્દી માટે વિચારું છું ત્યારે મને સૌપ્રથમ આપણા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ યાદ આવે છે.
ગુજરાતી બે ચોપડી ભણેલા ગલબાભાઈ પટેલ વડગામ તાલુકાના નળાસર ગામના વતની હતા. ખેડૂતોનાં નાનાં નાનાં ટાંપા કરતાં કરતાં એ જિલ્લાના ખેડૂત અગ્રણી બન્યા અને છેક ધારાસભ્યપદ સુધી પહોચ્યા હતા.
એમની બનાસકાંઠા જિલ્લાના લોકો પ્રત્યેની હમદર્દીના પ્રસંગની વાત કરું એ પહેલાં હું એટલું ચોક્કસ કહીશ કે એમના જેવો મરદ કાર્યકર બનાસકાંઠામાં પાક્યો નથી અને કદાચ પાકશે પણ નહિ.
આ વાત છે ૧૯૫૭-૫૮ના સમયની.
૧૯૫૭ની ચૂંટણીમાં આ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મુંબઈ રાજ્યની ધારાસભામાં પાલનપુર વિભાગમાંથી ચૂંટાયા.તે સમયે ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી ન હતી. પણ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી મુંબઈ રાજય હતું. મુંબઈ રાજ્યના સમાજ કલ્યાણ ખાતાના નાયબ પ્રધાન શ્રી બહાદુરભાઈ પટેલ જૂન ૧૯૫૮ના પ્રથમ સપ્તાહમાં બનાસકાંઠાની મુલાકાતે આવેલા,ત્યારે રાજ કોંગ્રેસનું હતું. કોંગ્રેસ પાર્ટીની કચેરીએ પાલનપુરમાં કોગ્રેસના કાર્યકરોની મિટીંગ મળી. તેમાં મંત્રી શ્રી બહાદુરભાઈ સમક્ષ બનાસકાંઠાના પ્રશ્નોની ચર્ચા શરૂ થઈ.
ત્યારે સૌ પ્રથમ ધારાસભ્ય ગલબાભાઈએ જિલ્લાના ખેડૂતોના પ્રશ્રોની રજૂઆત અને સરકારી તંત્રની ટીકા કરતાં કહેલું કે, “રાજ્યમાં કૂવા ખોદનારાઓને સબસીડી
અને તગાવી આપવાની સરકારે જાહેરાત કર્યા મુજબ તગાવી કે સબસીડી ખેડૂતોને આપવામાં આવી નથી, અને સરકાર કહે છે કે પૈસા નથી.જયારે ખેડૂતોએ દેવાં કરી ખોદેલા કૂવા નાશ પામે છે. ફર્મા ઢંકાઈ જાય છે. કાચી નાળો ખોદી છે તેય એળે જાય છે. જે ખેતરમાંથી રસ્તા માટે જમીનો લેવાઈ છે તે જમીનોનું વળતર ઘણાઓને હજુ ચૂકવાયું નથી.”
ખેડૂતોની રાડ-ફરિયાદ મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા પછી ગલબાભાઈ પટેલે બનાસકાંઠાના બાંધકામ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ખાયકી અંગે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “આપ મુંબઈ - દિલ્હી રોડ (સ્ટેટ હાઈવે)નું લક્ષ્મીપુરા થી જગાણા - કાણોદર - માહી પાસેનું કામ તો જુઓ, પૈસાનું પાણી થાય છે. રસ્તા પૂરા થતાં થતાં તો તૂટી ગયા છે. આવા અખતરા કરવા માટે શું તમને અમારો જ જિલ્લો મળ્યો !"
કાણોદર ગામનો પ્રશ્ન રજૂ કરતાં તો ગલબાભાઈ વધુ કડક બન્યા. તેમણે કહેલું કે “કાણોદરમાં ઠાકરડા અને હરિજનોને વસવા જમીન નથી મળતી એ લોકો પ્રયત્નો કરી કરી ત્રાસી ગયા છે. સમજ નથી પડતી કે આવું બધું ક્યાં લગી ચાલશે ?”
સરકારી અધિકારીઓની કડક શબ્દોમાં આલોચના કરતાં ત્યારે ગલબાભાઈએ કહેલું કે, “ગઇ વખતે આપ આવેલા ત્યારે આ ઠાકરડાભાઈઓ અને હરિજનો આપની સમક્ષ ફરિયાદ કરનાર હતા પણ સરકારી બળે એવું કામ કર્યું કે,સાહેબ પાસે તમે બોલ્યા કે આઘા આવ્યા તો ડાચાં તોડી નાંખીશું. અમારે હવે શું કહેવું ?"
ગરીબો અને લોકોના પ્રશ્નો રજૂ કરતાં કરતાં ગલબાભાઈ ભરાઈ ગયા, એમનું હૈયું વલોવાઈ ગયું. લ્રોકોના સાચા હમદર્દ તરીકે બોલી ઉઠયા : “તંત્ર સડી ગયું છે,હવે અમે કંટાળ્યા છીએ. આપ કહો તો અમે રાજીનામું આપી એક બાજુ બેસી જઈએ.હવે સંભાળાતું નથી, સહન થતું નથી. લોકો અમને ગાળો બોલે છે. લોકો અમને સંભળાવે છે કે, ઝખ મારવા ચૂંટાઈને આવ્યા કે મત લેવા આવ્યા હતા."
ત્યારે ગલબાભાઈની આક્રોશભરી ભાષા અને તેમાંય ઝખ મારવા જેવા તળપદી શબ્દોએ આખા હોલમાં સન્નાટો ફેલાવી દીધેલો.
બધાની નજર મંત્રી શ્રી બહાદુરભાઈ તરફ મંડાણી હતી. ગલબાભાઈના ચહેરા ઉપર ત્યારે ગરીબો અને લોકો માટે સાચી રજૂઆત કર્યાનો આનંદ હતો.ઘડીકવારની સ્તબ્ધતા પછી બીજા કાર્યકરોએ નાના મોટા પ્રશ્રો રજૂ કર્યા.
પણ, અત્યારે સૌના મનમાં ગલબાભાઈની રજૂઆતના મંત્રીશ્રી ઉપર શું પ્રતિભાવ પડયા છે તે જાણવાની ઉત્સુકતા હતી.
ત્યા મંત્રી શ્રી બહાદુરભાઈ ટૂંકુ ઉદ્બોધન કરવા ઊભા થયા. હમણાં લાલ આંખ કરીને સરકારનો જાહેરમાં ફજેતો કરવાના બહાને ગલબાભાઈને ઠપકો આપશે, શિસ્તભંગની લગામ ઉંચકશે એવી એવી અટકળો કેટલાક કાર્યકરો કરી રહ્યા હતા,ત્યાં સરળ ભાષામાં બહાદુરભાઈ બોલ્યા “લોકોની તકલીફો માટેની તમારી સજાગતાએ મારું ધ્યાન ખેચ્યું છે. જેટલા પ્રશ્નો ઉકેલી શકાશે તેટલા આપણે સૌ સાથે મળીને ઉકેલીશું."
બનાસકાંઠાના ભવ્ય ભૂતકાળની આ એવી વાત છે કે,જયારે બનાસકાંઠાના એક ધારાસભ્ય સ્પષ્ટ અને કડક શબ્દોમાં લોકોના પ્રશ્નોની મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતાં અચકાતો નથી. એટલું જ નહિં, ધારાસભ્યપદ મેળવ્યા પછી લોકોના હિત માટે એ પદને લાત મારવાની પણ તત્પરતા બતાવે છે ! એને કોઈ નાત જાત કે કોમમાં રસ નથી કે એ પક્ષ શિસ્તભંગનાં પગલાં ભરશે તેનાથી ડરતો નથી, કે ફરીવાર ટિકિટ નહિ મળે તેની એ ચિંતા કરતો નથી !
કારણ કે એ ગલબાભાઈ મરદ હતા. બનાસકાંઠાના સાચા હમદર્દ હતા. અને મિનિસ્ટર થવાની કે નિગમ બીજાના ચેરમેન થવાની એમને લાલસા ન હતી કે કોઈ સગા - સ્નેહીના નામે કબાડાં બીજાં કરીને માલદાર થવાની એમને ખેવના ન હતી !'
આ ગલબાભાઈ પુરેપુરા પ્રમાણિક લોકસેવક હતા. એટલું જ નહિ પોતે આંજણા - ચૌધરી પટેલ હતા. છતાં જિંદગીમાં એમણે આંજણાવાદ કે ચૌધરીવાદને ક્યારેય
પ્રોત્સાહન આપ્યું નથી, એ તો બનાસકાંઠાની બધી જ જ્ઞાતિ-કોમને સાથે રાખીને ચાલનારા ફરિસ્તા જેવા હતા.
અને એ વખતના મિનિસ્ટરો પણ કેવા સરળ કે આવી આક્રોશભરી ભાષા સાંભળ્યા છતાં, શાંતિથી સંતોષ થાય તેવા જવાબ આપતા !
આ ગલબાભાઈ પટેલની હમદર્દીની બીજી એક વાત મને યાદ આવે છે.
દુષ્કાળ પીડિતો માટે ! ગલબાભાઈ પટેલની આક્રોશભરી રજૂઆત :
ઓગસ્ટ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લામાં ભારે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ.એ વખતે ગલબાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. દુષ્કાળની માહિતી મળતાં તેમણે વાવ તાલુકા તેમજ બીજા વિસ્તારનો પ્રવાસ કરી જાત માહિતી મેળવી.દુષ્કાળ પીડિતોની તક્લીફ જોઈને આ વિસ્તારમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા એમણે સરકારમાં જોરદાર રજૂઆત કરી અને અમને પત્રકારોને મળી બધી વિગતો આપી.
શ્રી ગલબાભાઈએ સરકારમાં કરેલી રજૂઆતમાં “નિયમ પ્રમાણે દુષ્કાળ જાહેર થશે' તેવો જવાબ મળતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ પટેલે આક્રોશ ઠાલવ્યો કે “લોકો ભૂખે મરતા હોય ત્યારે નિયમની વાત કરાય તો એવી સરકાર ભોડામાં જાય, મારે આવી સરકાર સાથે રહેવું નથી.”
અંતે શ્રી ગલબાભાઈના આક્રોશ પછી ગુજરાત સરકારે દુષ્કાળ તરત જ જાહેર કરી રાહત કામ શરૂ કરાવ્યાં.
આજે બનાસકાંઠાનો મુખ્ય ઉધોગ ગણાતી અને બનાસકાંઠા જિલ્લાનાં દોઢ લાખ કુટુંબોને રોજી આપતી બનાસ ડેરી છે તે બે ચોપડી ભણેલા આ ગલબાભાઈએ શરૂ કરેલી.
આવા સાચા હમદર્દ શ્રી ગલબાભાઈને લાખ લાખ સલામ, સાથે સાથે શ્રી બહાદુરભાઈ જેવા સરળ અને સમજુ મિનિસ્ટરને.
સૌજન્ય : જીતેન્દ્ર સી. મહેતા - 'સ્વરાજ્ય સાપ્તાહિક' (સંભારણાં પુસ્તક ભાગ - ૧ (૨૦૧૨) માંથી)
Comments
Post a Comment