આજે દેશભરમાં લોકશાહી માટે હતાશાનાં વાદળ ઘેરાયેલા નજરે પડે છે.આઝાદી આવ્યા પછી આપણે લોકશાહી તંત્ર સ્વીકાર્યું ખરું પણ મોટેભાગે આપણે તેને એક રાજકીય પદ્ધતિ તરીકે બિરદાવ્યું.લોકશાહીની મૂળભૂત ફિલસૂફીની અવગણના થઈ.સંસદ,ધારાસભા,પ્રધાનમંડળો વિગેરેની રચના કરી રાજ્યકારભાર ચલાવવો એટલો જ અર્થ આપણે સમજ્યા.પરિણામ એ આવ્યું કે ધારગૃહોમાં પ્રવેશ મેળવી, તયાં બહુમતી પ્રાપ્ત કરી,સત્તા હાથ ધરી તેનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરવો.આ આદર્શ લોકશાહીનું મુખ્ય અંગ બની ગયો.કેન્દ્રિત સત્તા મેળવ્યા સિવાય લોકો કલ્યાણનું કાર્ય થઈ શકે જ નહિ એવો ભ્રમ ધીરે ધીરે ઘેરો બનતો ગયો. અને રાજકીય પક્ષોની રચના વગર રાજતંત્ર ચાલી શકે જ નહિ,લોકશાહી ટકી શકે જ નહિ એવી માન્યતા પ્રચલિત બની.
આને પરિણામે લોકશાહીના ખરાં અગત્યનાં પાસાં વિસારે પડ્યાં.લોકશાહીનો ખરો પાયો નૈતિક છે,રાજકીય નથી.એ પાયાની વાત ઉપર ભાર મુકાયો નહિ. લોકશાહીની સાચી સફળતાનો આધાર પ્રજા પોતે તેમાં કેટલો ભાગ લે છે અને કેટલો રસ દાખવે છે તેના ઉપર એ પણ ભુલાઈ ગયું.વળી દરેક વ્યક્તિનો મોભો તેનું સ્વતંત્ર અને તેના પ્રત્યેનો આદર આ મૂલ્યો વગર લોકશાહી નિષ્ફળ બની જાય એ સત્ય આપણે પૂરું સમજ્યા નહિ.
પરિણામ એ આવ્યું કે લોકશાહી રાજ્યતંત્રનું કેવળ એક માળખું હોય એ રીતે તેને મૂલવવામાં આવી.લોકશાહી લોકોની નહીં પણ લોકો માટેની બની ગઈ.તેથી સત્તાના રાજકારણની એ ભોગ બની,અને રાજકારણમાં નિતીને બહુ અવકાશ ન હોય એ જૂની માન્યતા વધુ ને વધુ જોર પકડવા લાગી.ગમે તે માર્ગે સત્તા મેળવવી અને તે માટે લોકશાહીનાં માળખાનો ઉપયોગ કરી લેવો એ સ્વાભાવિક ગણાવા લાગ્યું.પ્રજામત ઘડવાનું કાર્ય કરવાને બદલે ભોળી પ્રજાના મત કેવી રીતે મેળવવા એ રાજપુરુષોની ચિંતાનો મુખ્ય વિષય બન્યો.અને સાધ્ય સારું હોય તો સાધનો ગમે તેવા ચાલે એવી જૂની અનૈતિક માન્યતા યોગ્ય રાજનીતિ તરીકે ખપવા લાગી.
આનું પરિણામ શું આવ્યું? કોમવાદ કે સંપ્રદાયને દેશવટો આપવાના શપથ લેનારા રાજકારણીઓને ચૂંટણી દરમિયાન કોમવાદનો આશ્રય લેવામાં જરાય શરમ લાગી નહિ.ચૂંટણીમાં વિજયી બનવું એ જ મુખ્ય ધ્યેય હોવાથી લોકશાહીના બીજા તમામ મૂલ્યો નેવે મૂકી દેવામાં જ સાચી લોકશાહીની સાર્થકતા દેખાવા લાગી.તેથી ચૂંટણી માટે અઢળક નાણાંનો ઉપયોગ કરવામાં,એ નાણાં ગમે તે માર્ગે મેળવવામાં,જરૂર લાગે તો રાજ્યસત્તાનો દુરુપયોગ કરીને પણ વિજય હાંસલ કરવામાં જ લોકશાહીનું શ્રેય સમાયેલું છે એમ માનવા માંડ્યું અને સત્તા મેળવવા માટે જેમ આ બધું જ ક્ષમ્ય હતું એમ સત્તા ટકાવી રાખવા માટે પણ એ જરૂરી હતું અને તેથી જ પ્રજા ઉપર દારૂબંધીનો કાયદો ઠોકી બેસાડનારા રાજપુરુષો ચૂંટણીમાં દારૂની છોળો ઉછાળતાં અચકાયા નહીં.સમાજવાદી ધ્યેયને વરેલા રાજપુરુષો બિનહિસાબી કાળા નાણાં લઇ ચૂંટણીમાં તેનો ઉપયોગ કરતાં જરાય શરમાયા નહિ.મૂલ્યોની વાત સંભારી આપનારાઓ વેદિયા તરીકે ખપવા લાગ્યા.સત્તા માટેની સાઠમારીમાંથી જ સાચી લોકશાહી ખીલી શકે એવો મત રાજ્યશાસ્ત્રના નિષ્ણાતો પણ પ્રદર્શિત કરવા લાગ્યા.લોકોને આકર્ષે એવાં ખોટાં વચનો આપવામાં કુશળતા મેળવવી. લોકશાહી રાજકારણમાં પ્રવેશ મેળવવા માટેની મુખ્ય લાયકાત ગણાવા લાગી.લોકનિષ્ઠાને બદલે પક્ષનિષ્ઠા,લોક શિક્ષણને બદલે આકર્ષક પ્રચારકાર્ય,સ્વતંત્ર વિચારશક્તિને બદલે નેતાની ખુશામત કરવાની શક્તિ એ લોકશાહી માટેના આદર્શો મનાવા લાગ્યા.તે જરૂરી છે તે સારું છે,જે સફળતા અપાવે તે સત્ય છે એ રાજકારણનાં મુખ્ય સૂત્રો બની ગયાં. સત્યમેવ જયતે - એટલે કે જે વિજયી નીવડે તે જ સત્ય છે.પરાજય પામે તે અસત્ય છે એ આપણું મંગળવચન બની ગયું.
બધા જ રાજકીય પક્ષો વત્તેઓછે અંશે આવી માન્યતા ધરાવતા હોવાથી એક યા બીજો પક્ષ સત્તા ઉપર આવે તેનાથી પરિસ્થિતિમાં કશો ફેરફાર થાય એ શક્ય લાગતું નથી.
- ચંદ્રકાન્ત દરુ (સપ્ટેમ્બર ૧૯૭૪)
Comments
Post a Comment